પાલડી ગેંગરેપ કેસ: 18ને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરાયા

અમદાવાદ, તા.16: અમદાવાદમાં 2016માં થયેલા ચર્ચિત પાલડી ગેંગ રેપ કેસમાં શંકાનો લાભ આપી સ્પે.પોસ્કો કોર્ટ દ્વારા 18ને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે પીડિતાના માતા ફરાર હોવાના કારણે તેનો નિર્ણય પેન્ડિંગ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, શહેરના પાલડી વિસ્તારમાં નવેમ્બર-2016માં 14 વર્ષિય સગીરા પર 8 વિદ્યાર્થીઓ સહિતના યુવકોએ સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. આ ઘટનામાં પોલીસે સગીરાના માતા-પિતા સહિત 19 આરોપીઓને ઝડપી ચાર્જશીટ રજૂ કરી હતી. જ્યારે કેસ ચાલ્યો તે દરમિયાન ભોગ બનનાર હોસ્ટાઇલ થઇ ગઇ હતી. બીજી તરફ બન્ને પક્ષે સુનાવણી પૂર્ણ થતાં સ્પે.પોસ્કો કોર્ટે ચુકાદો આપ્યો હતો.
પ્રાપ્ત વિગત અનુસાર 21મી નવેમ્બર-2016ના રોજ વાસણામાં રહેતા એક દંપતીએ ફરિયાદ કરી હતી કે, તેમની દીકરી મહાલક્ષ્મી પાંચ રસ્તા ખાતેથી ગુમ થઇ છે. પોલીસે આ અંગે ખરાઇ કરવા પહેલા અરજી સ્વીકારીને તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટસ્ફોટ થયો હતો કે, મૂળ પશ્ચિમ બંગાળના યુવકની પહેલી પત્ની દેહવિક્રયના ધંધામાં હતી દરમિયાન તેની ઉંમર થતાં તેને છુટાછેડા આપીને તેણે બીજા લગ્ન કર્યા હતા. જો કે પહેલી પત્ની થકી થયેલી દીકરી પોતે રાખી લીધી હતી. દીકરી મોટી થતાં આ દંપતી તેની પાસે દેહવિક્રય કરાવવા લાગ્યા હતા. આવા ઘટસ્ફોટ બાદ તપાસ મહિલા ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. મહિલા ક્રાઇમ બ્રાન્ચે 8 વિદ્યાર્થીઓ સહિત 19 આરોપીઓને તબક્કાવાર ઝડપી જેલમાં મોકલી આપ્યા હતા.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer