ઉના-ગીરગઢડા-ભાવનગરને ભારે પડયો વરસાદ

ઉના-ગીરગઢડા-ભાવનગરને ભારે પડયો વરસાદ
ઉના-ગીરગઢડા 13થી
18 ઇંચે વિખૂટા પડયાં
તળાજા-મહુવામાં તારાજી;
2 માનવી; 25 પશુનાં મૃત્યુ
 
ઉના/ગીરગઢડા, તા. 16: આકાશમાંથી સુનામી ઉતરી હોય તેમ ઉના અને ગીરગઢડા તાલુકામાં પાંચ-છ કલાકમાં જ પડેલાં 13થી 18 ઇંચ વરસાદે સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જી દીધી હતી. ખેતરોનાં વ્યાપક ધોવાણની સાથોસાથ અનેક ગામો બેટ બન્યાં, શહેરોમાં કમરડૂબ પાણી ભરાયાં અને માલ-સમાનને પણ મોટી નુકસાની સર્જાઇ છે. ઉના-ગીરગઢડાને જોડતા તમામ માર્ગો બંધ થઇ ગયાં છે. અનેક લોકોને રેસ્ક્યુ કરાયા છે. નદીઓ તોફાની બનતાં જળાશયો છલકાઇ ગયાં છે. 30 ગામો સંપર્ક વિહોણા બન્યાં છે. ટ્રેન ફસાઇ જવાનાં અને ડેમ ભયજનક બનવાના અહેવાલ છે. એક પ્રસૂતા સુધી 108 પહોંચી ન શકતા પાણીના ઘેરા વચ્ચે સ્થળ પર પ્રસૂતિ કરાવવી પડી હતી.
ઉનામાં સવારે દે માર 13 ઇંચ વરસાદ વરસી જતાં ઉના-કોડિનાર હાઇવે બંધ થયો છે. 30થી વધુ ગામ સંપર્ક ગુમાવી ચુક્યાં છે. ઉના તાલુકાને જોડતા તમામ રસ્તાઓ બંધ છે. વાવરડા ગામે 300 લોકો પાણીમાં ફસાયા છે. ગુંદાળા ગામે 3 કલાકમાં જ 8 ઇંચ વરસાદ ખાબકતા મચ્છુન્દ્રી નદીમાં 1998માં આવેલાં પૂર ઁજેવું વિરાટ પૂર આવ્યું છે. રાત્રીનાં આઠ સુધીમાં 13 ઇંચ થયો છે.
ઉનાની આનંદ બજારમાં કમર સુધીના પાણી ભરાઇ ગયાં છે. ગૌતમબુદ્ધ નગરમાં મકાનોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા છે. ઉનાનું ખંધેરા ગામ બેટમાં ફેરવાયું છે.
ગીરગઢડામાં આજે સવારથી ધોધમાર વરસાદ શરૂ થતાં 10 કલાકમાં 14 ઇંચ પાણી વરસી ગયું હતું. ઉમેદપરા રોડ પર 3 ફૂટ પાણી વહેતાં હતાં. સ્વામિનારાયણ મંદિર તથા આસપાસની સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયાં હતાં.
રૂપેણનાં પૂરને કારણે તાલુકાનાં કરેણી, સનવાવ, ધ્રાબાવડ, કાણકિયા સહિતનાં ગામોમાં પાણીનો જોખમી ઘેરો સર્જાયો છે. રૂપેણનાં પૂરે ખેતરો ધોઇ નાંખ્યાં છે.
જરગલી ગામનું તળાવ ફાટતા આંકોલવાડીમાં પાણી ઘૂસી ગયાં છે. પીછવીનું તળાવ ઓવરફ્લો થતાં હરમડિયા ગામ બેટમાં ફેરવાયું છે. ગીરગઢડા તાલુકામાં એનડીઆરએફની બે ટીમ રેસ્ક્યુ ઓપરેશનમાં લાગી છે. દેલવાડા-વેરાવળ તથા દેલવાડા-જૂનાગઢ વચ્ચેની બે ટ્રેન રદ કરાઇ છે.
ઝાંખિયા પાસેના ડેમનાં પાણી જામવાળા રોડ પર ફરી વળ્યાં હતાં. મછુન્દ્રી ડેમ બે ફૂટથી ઓવરફલો ચાલુ છે.
ભારે વરસાદને કારણે ઉના-ભાવનગર હાઇવે પર વિદ્યાર્થીઓ ફસાયા હતા. સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં પણ વિદ્યાર્થીઓ ફસાયા હતાં. તો કંસારી ગામ પાસે મછુન્દ્રીનાં પૂરનાં પગલે ભાચા ગામે વિદ્યાર્થીઓ ફસાયા હતા.
ગીરગઢડા બેટમાં ફરવાતા ચેમ્બર ઓફ કોમર્સ, યુવા ભાજપ અને સિદ્ધિ વિનાયક ગ્રુપ તથા ગ્રામ પંચાયત દ્વારા જલારામવાડીમાં સલામત રીતે ખસેડાયેલા લોકોનાં ભોજનની વ્યવસ્થા કરી હતી.
જંગલમાં ટ્રેન ફસાઇ
ગીરગઢડાથી વેરાવળ જતી ટ્રેન ગીરગઢડાથી 3 કિ.મી. દૂર ફસાઇ જતાં એનડીઆરએફની ટીમ દોડી ગઇ હતી. મુસાફરો રેસ્ક્યુ ટીમ પહોંચે તે પહેલાં જ ટ્રેનમાંથી ઉતરી પાટા પરથી ગીરગઢડા પરત ફર્યા હતા.
ફરેડા સિંચાઇ ડેમ જોખમી
ગીરગઢડા પાસેનો ફરેડા સિંચાઈ ડેમ ભયજનક સ્થિતિમાં હોય નીચાણવાળા વિસ્તારમાં હાઇ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ડેમમાં ડેમેજ થતાં જોખમ સર્જાયું છે.
પૂરની સ્થિતિમાં પ્રસૂતિ
પૂરની સ્થિતિમાં સનવાવ, વેળાકોટ, કરેણી ગામ બેટમાં ફેરવાતા લોકોને બચાવવામાં આવ્યા હતા. વેળાકોટમાં એક મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા 108 ત્યાં પહોંચી શકી ન હતી. સ્થાનિક મહિલાની મદદથી તેની ઘરમાં જ પ્રસૂતિ કરાવવી પડી હતી અને પુત્રીનો જન્મ થયો હતો.
 
ભાવનગર, તા.16:  જિલ્લામાં સતત બીજા દિવસે પણ અષાઢી મેઘો ઓળઘોળ થયો હોય તેમ સર્વત્ર એકથી આઠ ઇંચ વરસાદ પડયો છે. જિલ્લાનાં તળાજા અને મહુવામાં ભારે વરસાદથી ખાના-ખરાબી  સર્જાઇ છે. રસ્તા પર પાણી ભરાતાં હાઇ-વે બંધ રહેતાં વાહનોની કતારો લાગી હતી. જિલ્લામાં નદીમાં તણાતા એકનું અને મકાન ધરાશાયી થતાં એકનું એમ કુલ બેનાં મોત નિપજ્યા છે. જ્યારે 20થી વધુ ઘેટા-બકરા અને ભેંસોનાં મોત નિપજ્યાં છે. ઉપરાંત લોકોની ઘરવખરી પાણીમાં તણાઇ છે. અતિવૃષ્ટિનાં પગલે જિલ્લામાં એનડીઆરએફની  બે ટીમ  તૈનાત કરાઇ છે. તળાજા, મહુવામાં એનડીઆરએફની ટીમો બચાવ કામગીરીમાં લાગી ગઇ છે. તળાજામાં શિવ મંદિર તળાજા નદીનાં પુરમાં ડુબી ગયું છે. ભાવનગર શહેરમાં પણ નીચાણવાળા વિસ્તારોમાં લોકોનાં ઘરમાં પાણી ઘુસી ગયા છે.
ગોહિલવાડ પંથકમાં આજે બીજા દિવસે પણ દિવસભર ભારે વરસાદ પડયો છે. લોકો જે પહેલા  મેઘરાજાને વરસાદ માટે પ્રાર્થના કરતાં હતા તે હવે મેઘરાજા તે ખમૈયા કરવા પ્રાર્થના કરે છે.
ભાવનગર જિલ્લામાં આજે સવારનાં 6 થી  સાંજનાં 6 સુધીમાં જ એકથી સાત ઇંચ વરસાદ નોંધાયો છે. જેમાં ભાવનગરમાં 50 મી.મી., સિહોરમાં 57 મી.મી., ઘોઘામાં 67 મી.મી., વલભીપુરમાં 30 મી.મી., તળાજામાં 171 મી.મી., મહુવામાં 143 મી.મી., પાલિતાણામાં 51 મી.મી., ગારીયાધારમાં 9 મી.મી. અને જેસરમાં 31 મી.મી. તથા ઉમરાળામાં 43 મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લા કલેકટર દ્વારા આગામી 24 કલાક દરમિયાન            ભારે વરસાદથી આગાહીને પગલે તંત્રને એલર્ટ કર્યુ છે અને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. મહાનગરપાલિકા દ્વારા પણ 24 કલાકનો કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે.
તળાજા તાલુકાનાં બોરડા પંથકમાં ભારે વરસાદથી તળાજા-મહુવા હાઇ-વે પર પાણી ફરી વળતા માર્ગ બંધ થતાં વાહનોની કતારો લાગી ગઇ હતી.
બોરડા ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસ્યા હતાં. બોરડાનો નવા પ્લોટ વિસ્તાર તળાવમાં ફેરવાઇ ગયો હતો અને ઘરમાં પાણી ઘુસી જતાં ઘરવખરી તણાવા લાગી હતી.
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે થોડો સમય થંભી ગયો હતો પીથલપુર ગામે બસ સ્ટેન્ડમાં કમર સુધી પાણી ભરાઇ ગયા હતાં.
બોરડા ગામે નાના ઝૂંપડાઓ અને ઢાળીયા તો પાણીમાં તણાઇ ગયા હતા. સાથે 20 જેટલા ઘેટા-બકરાઓ અને કેટલીક ભેંસો પણ તણાઇ ગઇ છે. રોડ ઉપર પાર્ક કરેલા મોટર સાઇકલો, છકડા સહિત કેટલાક વાહનો પણ તણાયા હતાં, બોરડાની શાળામાં ગોઠણડૂબ પાણી ભરાયા છે.
શહેરમાં  પણ મેઘરાજાએ સતત બીજા દિવસે ભારે વરસાદ વરસાવતાં ઠેર ઠેર પાણી ભરાયા છે. શહેરનાં કાળીયાબીડ, કુંભારવાડા, વિઠલવાડી જેવા અનેક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાતા તંત્ર દ્વારા બચાવ કામગીરી હાથ ધરાઇ હતી. મેયર મજમા મોરી, સ્ટેન્ડીંગ કમીટીનાં ચેરમેન યુવરાજસિંહ ગોહિલ સહિતના મ્યુ. પદાધિકારીએ અને  અધિકારીઓ સતત દોડતા રહ્યા હતાં.
મહુવા પંથકનાં ભારે વરસાદથી મહુવા પંથકનાં ખેડૂતોએ શ્રમદાનથી બંધાવેલા મેથાળા બંધારામાં પાણીની ધસમસતી આવક થતાં આજે બંધારો છલકાઇ ગયો હતો.
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે જિલ્લા કલેકટર દ્વારા તળાજા અને મહુવામાં એક  એનડીઆરએફની ટીમ તૈનાત કરાઇ છે.
ભાવનગર જિલ્લાનાં તળાજામાં ભારે વરસાદથી તળાજા નદીનાં પાણી ગામમાં ઘુસી ગયા હતા. તળાજામાં ભીડભંજન મહાદેવ મંદિરમાં પાણી ઘુસી ગયા હતા.
જેસર અને પીપરડી ગામે 150 લોકોનું તંત્ર દ્વારા સલામત સ્થળે સ્થળાંતર  કરાયું હતું.
ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનાં પગલે નદીઓમાં ઘોડાપુર આવતા ખાનાખરાબી સર્જાઇ છે.  જિલ્લામાં બે વ્યક્તિનાં મોત નિપજ્યા છે જેમાં લોંગીયા ગામનાં વિપ્ર આધેડનું નદીનાં પુરમાં તણાઇ જતાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે સેંદરડા ગામે મકાન ધરાશાયી થતાં એકનું મૃત્યુ નિપજ્યું છે.
મહુવાના લોંગીયા ગામે નદીમાં પુર આવતા ગામનાં રહીશ હરેશભાઇ પંડયા (ઉ.વ.60) ધસમસતા પ્રવાહમાં તણાયા હતા.
મહુવા તાલુકાનાં સેંદરડા ગામે મકાન ધરાશાયી થતાં ગંભીર રીતે ઇજા પામેલ યુનુસભાઇ નાનજીભાઇ માંડવીયા (ઉ.વ.55)નું મૃત્યુ નિપજ્યું છે.
ભાદરોડ કેન્દ્રવતિ શાળામાં 400 વ્યક્તિઓને સ્થળાંતર કરવામાં આવ્યું અને શાળામાં મ.શી. ઈબ્રાહિમભાઈ રાઠોડ દ્વારા ખીચડી બનાવવામાં આવી તથા દેવપ્રયાગ સોસા. દ્વારા ફૂડ પેકેટ બનાવી ભાદરોડ ગામમાં લોકોને જમવાનું પુરું પાડવામાં આવ્યું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer