64 મેચમાં કુલ 169 ગોલ થયા

64 મેચમાં કુલ 169 ગોલ થયા
ઓન ગોલ અને પેનલ્ટીના નવા રેકોર્ડ બન્યા

નવી દિલ્હી, તા.16 : ક્રોએશિયા સામે ફ્રાંસની 4-2થી ધમાકેદાર જીત સાથે 21મા ફીફા વર્લ્ડ કપનું સમાપન થઇ ગયું છે. દરેક વખતની જેમ આ વખતે પણ ફૂટબોલ વર્લ્ડ કપ ખાસ બની રહ્યો. દુનિયાએ ક્રોએશિયા જેવા નાના દેશની અદભૂત રમત જોઇ. બીજી તરફ ખિતાબની પ્રબળ દાવેદાર ટીમો ધરાશાયી થતી જોવા મળી અને નામી ખેલાડીઓના નિરાશાજનક દેખાવ જોવા મળ્યા. રશિયામાં રમાયેલ ફીફા વર્લ્ડ કપમાં અનેક રેકોર્ડ પણ બન્યા. જેમાંના કેટલાક ખાસ છે.
વર્લ્ડ કપના 64 મેચમાં કુલ 169 ગોલ થયા. ટૂર્નામેન્ટમાં એક જ મેચમાં એક પણ ગોલ થયો નહીં. પ્રતિ મેચ ગોલ સરેરાશ 2.6ની રહી. વીડિયો આસિફ રેફરીને લીધે આ વર્લ્ડ કપમા સૌથી વધુ પેનલ્ટી (29) જોવા મળી. આ પહેલા આ રેકોર્ડ 2011ના વર્લ્ડ કપમાં 18 પેનલ્ટીનો હતો. જેનો ફાયદો સૌથી વધુ ઇંગ્લેન્ડના સુકાની હેરી કેનને મળ્યો. તેના 6 ગોલમાંથી 3 ગોલ પેનલ્ટીથી થયા હતા. ફ્રાંસના 19 વર્ષીય ખેલાડી એમ્બાપ્પેએ ફાઇનલમાં ગોલ કરીને ઇતિહાસ રચ્યો. તે બ્રાઝિલના પેલે (19પ8) બાદ આવું કરનારો પહેલો યુવા ખેલાડી બન્યો. વીએઆર સિસ્ટમને લીધે ખેલાડીઓ થોડા કાબૂમાં રહ્યા. આથી વર્લ્ડ કપ દરમિયાન સૌથી ઓછા 4 રેડ કાર્ડ ખેલાડીઓને મળ્યા હતા. ઓન ગોલનો આંકડો પણ 12 પર પહોંચ્યો અને નવો રેકોર્ડ બન્યો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer