રોટરી ડોલ્સ મ્યુઝિયમ દ્વારા બેટી બચાવો જનજાગૃતિ રેલી

દીકરીને પ્રોત્સાહન આપતા વિવિધ કાર્યક્રમો યોજાશે

રાજકોટ: શ્રી અરવિંદભાઇ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને રોટરી કલબ ઓફ રાજકોટ મીડટાઉનના સહયોગથી રોટરી ડોલ્સ મ્યુઝિયમ જે ગુજરાતનું એકમાત્ર અઈ મ્યુઝિયમ છે. જે લીમકા બુક ઓફ રેકોર્ડસ, ગુજરાત ટુરીઝમમાં સ્થાન ધરાવે છે.
આ વર્ષે રોટરી ડોલ્સ મ્યુઝિયમ તેના 14 વર્ષ પુરા કરી રહ્યું છે તે ઉપલક્ષ્યમાં બેટી બચાવો રેલીનું આયોજન કર્યુ છે. ગુજરાતમાં દિકરા- દીકરીની સંખ્યામાં તફાવત રહેલો છે તે વિશે જાગૃતિ લાવવા માટે આ બેટી બચાવો રેલીનું આયોજન છે. આ રેલી રવિવાર 22મી જુલાઇના રોજ જિલ્લા પંચાયત ચોક રેસકોર્સથી સાંજે 5.00 કલાકે શરૂ થશે અને સાંજે 6 કલાકે રોટરી ડોલ્સ મ્યુઝિયમ ખાતે પુરી થશે. આ રેલીમાં 4 પડાવ રાખવામાં આવ્યા છે. રેલીનું સ્ટેજ રેસકોર્સ જિલ્લા પંચાયત ચોક રહેશે. જેમાં પહેલાં પડાવમાં પિતા પોતાના ખભ્ભા પર દિકરીને બેસાડીને અથવા તેનો હાથ પકડીને ચાલશે, જે દેખાડે છે કે, પિતા પોતાની દિકરીને સુરક્ષા કવચ પૂરું પાડે છે. બીજા પડાવમાં માતા દિકરીનો હાથ પકડીને મોંઢામાં ચમચી-લીંબુ મુકીને ચાલશે, જે દેખાડે છે કે એકમાત્ર પોતાની દિકરીને જીવનમાં દરેક સંજોગોમાં બેલેન્સ કરતા શીખવે છે. ત્રીજા પડાવની અંદર બહેન અથવા ભાઇનો હાથ પકડીને બહેન ચાલશે, જે દેખાડે છે આપણે સુખ-દુ:ખમાં ભાગીદાર છીએ.
ચોથા પડાવની અંદર દિકરી છત્રી લઇને ચાલશે અને સમગ્ર પરિવાર તેની છત્રછાયામાં ચાલશે, જે દેખાડશે કે દિકરી આખા પરિવારને એકસૂત્રમાં બાંધી રાખે છે. સમગ્ર કાર્યક્રમ પોલીસ બેન્ડની સાથે ઉજવવામાં આવશે. આ રેલીમાં ભાગ લેનાર દિકરીને 4 ફ્રી કુપન આપવામાં આવશે. પહેલું કુપન રેસકોર્સ, જિલ્લા પંચાયત ચોકમાં રેલી શરૂ થતાં પહેલાં આપવાનું રહેશે. બીજું કુપન 4 સભ્યના પરિવારને 22 જુલાઇના રોજ રોટરી ડોલ્સ મ્યુઝિયમની ફ્રી વિઝીટ માટેની ટિકિટ છે. ત્રીજું કુપન દિકરી માટે 22 જુલાઇના ફ્રી રાઇડ માટેનું છે. ચોથું કુપન દિકરી જયારે 22 જુલાઇના રોજ રેલી પુરી કરી આવશે તો તેને રોટરી ડોલ્સ મ્યુઝિયમ પરથી 2 નોટસ ઇનામરૂપે મળશે. રેલીમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. રજીસ્ટ્રેશન રોટરી ડોલ્સ મ્યુઝિયમ ડો. યાજ્ઞિક રોડ, હીરા-પન્ના કોમ્પ્લેકસની સામે તા. 14-7 થી તા. 22-7 સુધી થઇ શકશે. રજીસ્ટ્રેશન તદ્ન ફ્રી છે. આ દિવસ નિમિતે રોટરી ડોલ્સ મ્યુઝિયમ કિડસ કલબનું ઉદ્ઘાટન નામાંકિત હસ્તીઓ દ્વારા કરાશે. બેટી બચાવો અભિયાન સુરક્ષા સેતુ સોસાયટી અને રોટરી કલબ રાજકોટ મીડટાઉન દ્વારા યોજવામાં આવેલ છે. રાજકોટની જનતાને આ અભિયાનમાં જોડાવા અનુરોધ કરાયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer