ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં મકાનમાંથી રૂ.1.48 લાખની મતાનો હાથફેરો

- સગપણ પસંદ ન હોય યુવાનનો ગળાફાંસો ખાઈ આપઘાત
- એકલવાયા જીવનથી કંટાળી યુવાનનું અગ્નિસ્નાન
- દારૂ સાથે એક ઝડપાયો

રાજકોટ, તા.1પ: મોરબી રોડ પરની ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા યતીન પ્રવિણભાઈ ખત્રી નામના યુવાનના બંધ મકાનમાં તસ્કરો ખાબક્યા હતા અને કબાટમાંથી સોનાની બૂટી, ચેઈન, બે સોનાની બંગડી, બે પાટલા, બે સોનાના પેન્ડલ, ચાર સોનાના દાણા, એક જોડી લટકણ, એક મગમાળા, 1પ ચાંદીની ગીની, બે ચાંદીના સિક્કા, ત્રણ જોડી ચાંદીના સાંકળા, એક ચાંદીના પગપાના અને એક ચાંદીનું મંગળસૂત્ર તથા ચાંદીની સાત વીંટી અને રૂ.8 હજારની રોકડ મળી કુલ રૂ.1.48 લાખની માલમતાનો હાથફેરો કરી ગયા હતા.
આ બનાવ અંગેની જાણ થતાં પોલીસ દોડી ગઈ હતી અને હાથ ધરેલી તપાસમાં યતીન ખત્રી તથા પરિવારજનો મકાન બંધ કરીને બહારગામ ગયા હતા અને રેઢા પડેલા મકાનમાં ખાબક્યા હતા. પોલીસે યતીન ખત્રીની ફરિયાદ પરથી વધુ તપાસ હાથ ધરી હતી.
સગપણ: સોખડા ગામે રહેતા ભાવિક અરવીંદભાઈ ભોજાણી નામના કોળી યુવાને તેના ઘેર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે ફોજદાર આર.એલ.ખટાણા તથા રાઈટર નિલેષ વાવેરાએ હાથધરેલી તપાસમાં મૃતક ભાવિક ભોજાણી નામના કોળી યુવાનની આજે સગપણવિધિ હતી અને તેના પરિવારજનો વાગ્દત્તાને ચુંદડી ઓઢાડવાની વિધિ કરવા ગયા હતા પરંતુ ભાવિકને આ સગપણ પસંદ નહોતું. આથી આ પગલું ભરી લીધું હતું. મૃતક ભાવિક ત્રણ ભાઈઓમાં મોટો હતો. આ બનાવના પગલે કોળી પરિવારમાં કરુણ કલ્પાંત મચી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.
અગ્નિસ્નાન: મૂળ જૂનાગઢનો અને હાલમાં રેલનગર પાસેના શિવમ પાર્કમાં રહેતા કેતન સતુભાઈ સોરારિયા નામના યુવાને તેના ઘેર કેરોસીન છાંટી સળગી જતા ગંભીર રીતે દાઝી જવાથી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક કેતન બે વર્ષથી એકલો જ રહેતો હતો અને વાળંદની દુકાનમાં કામ કરતો હતો. એકલવાયા જીવનથી કંટાળી જઈ આ પગલુ ભર્યાનું ખૂલ્યું હતું.
દારૂ: ભાવનગર રોડ પરના મનહરપરામાં જાહેર શૌચાલય પાસે રહેતા સોહિલ હશન શામદાર નામના ફકીર શખસને એક્ટિવામાં 1ર બોટલ દારૂ સાથે નીકળતા ક્રાઈમ બ્રાંચના ફોજદાર ડી.પી.ઉનડકટ તથા સ્ટાફે ઝડપી લીધો હતો અને સોહિલ ફકીરની આકરી પૂછતાછ કરતા એક્ટિવા અને રીક્ષામાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હોવાની કબૂલાતના પગલે રીક્ષાને ઝડપી લીધી હતી અને તેમાંથી 60 બોટલ દારૂ કબજે કર્યો હતો. પોલીસે ન્યુ ઘાંચીવાડમાં રહેતો દીલાવર ઉર્ફે જીણી સલીમ મકારાણી નામનો શખસ નાસી છૂટતા શોધખોળ શરૂ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer