ધોનીનો બચાવ કરતો કોહલી

ધોનીનો બચાવ કરતો કોહલી
લંડન, તા.1પ :  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શનિવારે લોર્ડસ પર રમાયેલા બીજા વન ડેમાં ભારતની 86 રને હાર થઇ હતી. આથી ત્રણ મેચની શ્રેણી 1-1થી જીવંત રાખવામાં ઇંગ્લેન્ડ સફળ રહ્યું હતું. મેચ દરમિયાન ધોનીની ધીમી બેટિંગથી સ્ટેડિયમમાં હાજર ભારતીય સમર્થકોએ તેનો હુરિયો બોલાવ્યો હતો. જેના પર સુકાની વિરાટ કોહલીએ નાખુશી વ્યકત કરીને ચાહકોની આ ચેષ્ટાને દુર્ભાગ્યપૂર્ણ બતાવી હતી. ઇંગ્લેન્ડના 322 રન સામે ભારતીય ટીમ 236 રન જ કરી શકી હતી. ધોનીએ તેની પ9 દડાની ઇનિંગમાં 37 રન જ કર્યાં હતા. ધોની જ્યારે જ્યારે ડોટ બોલ રમતો હતો ત્યારે ત્યારે પ્રેક્ષકો તેનો હુરિયો બોલાવતા હતા. આ પછી ધોની ઉંચો ફટકો મારવાના ચક્કરમાં આઉટ થયો હતો.
મેચ બાદ સુકાની કોહલીએ કહ્યું કે આવું ઘણીવાર થતું આવ્યું છે. જ્યારે ધોની સારું ન રમે ત્યારે આવું થતું મેં જોયું છે. જે દુર્ભાગ્યપૂર્ણ છે. બધાને ખબર છે કે ધોની સર્વશ્રેષ્ઠ ફિનિશર છે. કયારેક તે સારું ન રમી શકે ત્યારે ચાહકો તેને નિશાન બનાવે છે. ક્રિકેટમાં દરેકનો ખરાબ સમય પણ આવે છે. આજનો દિવસ તેના માટે જ નહીં પૂરી ટીમ માટે સારો ન હતો. મને ધોનીની ક્ષમતા પર પૂરો ભરોસો છે.
 
ધોની દસ હજારી કલબમાં સામેલ
લંડન, તા.1પ : ભારતીય ટીમના પૂર્વ સુકાની અને વિકેટકીપર-બેટસમેન મહેન્દ્રસિંહ ધોનીએ ઇંગ્લેન્ડ સામેના બીજા વન ડે દરમિયાન કારકિર્દીના 10000 રન પૂરા કરવાની સિધ્ધિ હાંસલ કરી હતી. વન ડે ક્રિકેટમાં 10 હજાર રન પૂરા કરનારો ધોની ભારતનો ચોથો અને વિશ્વનો 12મો બેટધર બન્યો છે. ધોનીને 10000 રનમાં 33 રન ખૂટતા હતા. જે તેણે બીજા વન ડેમાં પૂરા કર્યાં હતા. ધોનીથી આગળ રાહુલ દ્રવિડ (10889), સૌરવ ગાંગુલી (11363) અને સચિન તેંડુલકર (18436) છે. ધોનીના નામે 10 સદી અને 67 અર્ધસદી છે. તેની સરેરાશ પ1.37 છે. ધોનીની પાછળ વિરાટ કોહલી છે.
તેને 10000 રન પૂરા કરવામાં 292 રનની જરૂર છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer