માળિયા-જેસરમાં જળ બન્યું સંકટ

માળિયા-જેસરમાં જળ બન્યું સંકટ
સાડા નવ ઈંચ વરસાદથી જેસરમાં બેટ જેવી સ્થિતિ લોકોને દોરડા વડે રેસ્કયુ કરાયા; કાચા મકાનો 150 ફૂટની દિવાલ ધરાશાયી, તંત્ર ખડેપગે
માળિયા હાટિનામાં 24 કલાકમાં દાયકાનો સૌથી વધુ 16 ઈંચ; દુકાનો-મકાનોમાં પાણી ઘૂસ્યા; 300 લોકોનું સ્થળાંતર ફૂડ પેકેટ વિતરણ
માળિયા હાટીના, જેસર, તા.15: વરસાદને વિલંબ થતાં વલોવાતા લોકોએ અનેક વિનવણીઓ કરીને મેઘાને રિઝવવા પ્રયાસ કર્યા. જ્યાં માપકસર વરસાદ પડયો ત્યાં રાજીના રેડ જેવા દ્રશ્યો સર્જાયા અને જ્યાં વરસાદે માઝા મુકી ત્યાં તારાજીના દ્રશ્યો હચમચાવી ગયાં. અતિ વર્ષાથી જૂનાગઢ જિલ્લાનું માળિયા હાટીના અને ભાવનગર જિલ્લાનું જેસર બેટ બની જતાં લોકો જોખમી જળના ઘેરામાં નજરકેદ થઈ ગયાં છે. જેસરમાં 9ાા ઈંચ વરસાદે અનેક મકાનો, દિવાલોને ધરાશાયી કર્યા છે અને ગામડાઓને વિખુટા પાડી દીધાં છે તો માળિયા હાટીનામાં 6 કલાકમાં 8 ઈંચ અને 24 કલાકમાં 16 ઈંચ વરસાદે 300 લોકોનું સ્થળાંતર કરાવ્યું છે. ત્યાં પણ જનજીવન ઠપ થઈ જતાં હાલાકી સર્જાઈ છે.
જેસરમાં બપોરે બે વાગ્યાથી આભ ફાટયું હોય તે પ્રમાણે પાણી વરસતા રસ્તાઓ પર પણ 3-4 ફૂટ પાણી વહેતા હતાં. કબ્રસ્તાનની 150 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી થઈ છે. પાલિતાણા રોડ બંધ થયો છે. જેસરમાં વરસાદે નુકશાની નોતરી છે. ગ્રામ્ય વિસ્તારોમાં અનેક કાચા મકાનો ધરાશાયી થયાં છે. રાત્રિના 8 વાગ્યા સુધીનો વરસાદ 231 મીમી નોંધાયો છે.
આ ભારે વરસાદને કારણે નદી ગાંડીતૂર બનતા તેના પાણી ફૂલવાડી વિસ્તારમાં ઘૂસી જતાં તે બેટમાં ફેરવાયો હતો. લોકોને દોરડા વડે સલામત સ્થળે ખસેડાયા હતાં. દુકાનોમાં ઘુસેલા પાણીએ નુકશાની નોતરી છે. પાંચ વીજ થાંભલા ધરાશાયી થયાં છે. મામલતદાર અને પોલીસ રેસ્કયુ માટે ખડેપગે છે.
માળિયા હાટીનામાં આભ ફાટયું હોય તેમ 24 કલાકમાં 390 મીમી વરસાદ એટલે કે 16 ઈંચ જેટલું પાણી વરસ્યું હતું. રાત્રે 8 થી 2 વચ્ચે 8 ઈંચ અને દિવસ દરમિયાન વધુ 8 ઈંચ વરસાદ 6 કલાકમાં જ પડી જતા છેલ્લા 10 વર્ષમાં ન વરસ્યો હોય તેવો જોખમી વરસાદ પડી જતા ગામ જળબંબાકાર બની ગયું હતું. હરિજનવાસ, વાદીવાસ, મફતિયાપરા સહિતના નિચાણવાળા વિસ્તારો પાણીમાં ઘેરાઈ જતાં 300 લોકોને રાત્રે 9 વાગ્યે સ્થળાંતર કરાવીને સલામત સ્થલે ખસેડાયા હતાં.
સરલાનગર, બલુ કોલોની, રણછોડનગર, પટેલ સમાજ વિસ્તાર વગેરે પણબેટ બનતા ઘરમાં પાણી ઘુસી જતાં લોકોએ વરસાદમાં જાગરણ કરવું પડયું હતું. ગ્રામ પંચાયતની ટીમ, મામલતદાર, ટીડીઓ, પીએસઆઈ, સામાજિક આગેવાનો, યુવા કાર્યકરો બચાવ કામગીરી માટે દોડી રહ્યાં છે. રાત્રે 10 વાગ્યે ફૂડ પેકેટ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. વરસાદ હજુ વધુ વરસાદ પડયો હોત તો માળિયા હાટીનામાં મોટી ખુવારીનો અંદેશો હતો.
મેગળ નદીનો પુલ કયારેય ડૂબ્યો ન હતો તે નદીના પુલ પરથી રાત્રે 10 વાગ્યે પાણી વહેતુ હતું. સ્થળાંતરિત થયેલા લોકો માટે દરેક સમાજે વાડીઓ ખોલી દીધી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer