પરેશ ગજેરા ભાજપમાં જોડાશે ?

પરેશ ગજેરા ભાજપમાં જોડાશે ?
અટકળો અનરાધાર; ગજેરાનો નનૈયો
કોળી, ક્ષત્રિય અને હવે પાટીદાર વોટબેંક નિશાન ?
રાજકોટ, તા. 15: પાટીદાર સમાજનું પવિત્ર તિર્થધામ ખોડલધામ ટ્રસ્ટ સમયાંતરે સર્જાતી કોઇને કોઇ ઘટના અને ચર્ચાઓને કારણે ચર્ચામાં ચમકતું રહે છે અને આ વિવાદોનું સીધું જ કનેક્શન રાજકારણ સાથે જોડાતું હોય તેમ રાજકીય ક્ષેત્રે પણ ખોડલધામ ચર્ચિત બની જતું જોવા મળે છે. અગાઉના ઘટનાક્રમની માફક જ આ વખતે ખોડલધામના પ્રમુખપદેથી પરેશ ગજેરાએ રાજીનામું ધરી દીધા બાદ તેઓ હવે ભાજપમાં જોડાઇ જશે તેવા સમિકરણો વહેતાં થઇ ગયાં છે.
અગાઉ ખોડલધામના નરેશ પટેલે રાજીનામું આપી દીધું અને થોડા સમયમાં જ પરત ખેંચી લીધેલું. તેમના પુત્રે જે તે સમયની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી પ્રચાર કર્યો ત્યારે પણ રાજકારણ ગરમાયું હતું.
વિધાનસભાની ચૂંટણી સમયે પણ એક ઘટના એવી બની હતી કે તેમાં પરેશ ગજેરા વિવાદમાં આવ્યા હતા. પાટીદાર આંદોલનો, ભાજપની ભૂમિકા, પાટીદારોનો ભાજપ પ્રત્યેનો જે ભાવ હતો તેવા સમયે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પરેશ ગજેરાને ત્યાં જમવા ગયા હતા. આ ઘટનાથી એવું ચિત્ર ઉપસાવાયું હતું કે પરેશ ગજેરાનો ઝોક ભાજપ તરફી છે.
હવે જયારે પરેશ ગજેરાએ રાજીનામું ધરી દીધું અને ટ્રસ્ટીઓએ સ્વીકારી લીધું છે ત્યારે પરેશ ગજેરા ભાજપમાં જોડાઇ રહ્યા હોવાની વાતે આજે જોર પકડયું છે. ખોડલધામના પૂર્વ મંત્રી અને વર્તમાન ટ્રસ્ટી હંસરાજભાઇ ગજેરાએ જણાવ્યું હતું કે, પરેશ ગજેરાની ભાજપમાં જોડાવાની વાતો ચાલે છે પરંતુ તેના વિશે પોતે અજાણ છે. પરેશ પોતે હવે સ્વતંત્ર છે અને યુવાન છે. એ કોઇપણ પક્ષમાં જોડાય તો તે સારી બાબત છે.
ઉદ્યોગપતિ અને ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે કાલે જણાવ્યું હતું કે, પરેશ ગજેરા ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસો. ઓફ ઇન્ડિયા અને રાજકોટ બિલ્ડર એસો.ના પણ પ્રેસિડેન્ટ છે અને તેઓ ખોડલધામના કામકાજમાં ધ્યાન આપી શકતા નથી. એટલે તેઓએ જાતે જ રાજીનામું આપી દીધું છે અને ટ્રસ્ટીઓ દ્વારા સ્વીકારી લેવાયું છે.
આવા સમયે પરેશ ગજેરા પોતાનો પક્ષ સ્પષ્ટ કરતા કહે છે કે, પોતે ભાજપમાં જોડાવાના નથી. જે વાત ફરી રહી છે તે તદ્દન ખોટી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ કુંવરજીભાઇ સહિતનાઓએ પણ નનૈયા ભણ્યા બાદ ભાજપનો ભગવો અંગિકાર કર્યો હતો. હવે પરેશ ગજેરાના પ્રકરણમાં શું થાય છે તે આવનાર સમય બતાવશે.
-------
ભાજપ હેટ્રિક કરશે ?
લોકસભાની ચૂંટણીને નજરમાં રાખીને તાજેતરમાં કુંવરજીભાઇ બાવળિયાને ભાજપે પોતાની પડખે લઇ કોળી મતોને નિશાન બનાવ્યા છે. ત્યારબાદ શનિવારે જ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાએ ભાજપનો ભગવો ધારણ કર્યો છે અને તેઓ અડવાણીની બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. આમ ક્ષત્રિય વોટ તરફનું લક્ષ્ય સાધવામાં આવ્યું છે ત્યારે સૌથી મોટી એવી પાટીદાર વોટ બેંક માટે ભાજપ પરેશ ગજેરાને કોઇ સારી ઓફર આપે તેવી અટકળો સાથે તેઓ ભાજપમાં જોડાતા હોવાની ચર્ચા જાગી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer