સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે કોરા રહેલાં ગોહિલવાડ અને ઝાલાવાડમાં પણ મેઘાની જમાવટ

સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદ વચ્ચે કોરા રહેલાં ગોહિલવાડ અને ઝાલાવાડમાં પણ મેઘાની જમાવટ
ભાવનગર જિલ્લાને તરબતર કરતો 1 થી 9ાા ઇંચ: સુરેન્દ્રનગર જિલ્લામાં પણ 0ાા થી 4ા ઇંચની મહેર
રાજકોટ, તા. 15: સૌરાષ્ટ્રમાં ત્રણ-ચાર દિવસથી ચોમાસું જામ્યું હતું. પરંતુ સુરેન્દ્રનગર અને ભાવનગર જિલ્લો હજુ કોરોધાકોડ જ હતો. પરંતુ ગતરાત્રિ અને આજે દિવસ દરમિયાન તૂટી પડેલાં સારા વરસાદને કારણે બંને જિલ્લામાં સાર્વત્રિક 1 થી 9ાા ઇંચની મેઘમહેર થતાં આનંદ છલકાયો છે. આજે સુરેન્દ્રનગર જિલ્લામાં 0ાા થી 4ા ઇંચ અને ભાવનગર જિલ્લામાં 1 થી 9ાા ઇંચ વરસાદ પડયો હતો. ગીર સોમનાથ, જૂનાગઢ જિલ્લાની ધમરોળી આજથી વરસાદે વિરામ લીધો છે. અન્યત્ર ઝાપટાંથી અડધો ઇંચ વરસાદ થયો છે.
રાજુલા: અહીં આજે બપોરે 3 વાગ્યાથી શરૂ થયેલી મેઘમહેરમાં ચાર કલાકમાં બે ઇંચ પાણી વરસી ગયું હતું. આ વરસાદ માત્ર શહેરમાં જ પડયો હોય, તેમ એક કિ.મી. દૂર આવેલી ડે. કલેકટર અને મામલતદાર કચેરી પાસે માત્ર 7 મી.મી. જ વરસાદ નોંધાયો છે. આજના આ વરસાદથી મહુવા- તળાજા રસ્તો બંધ થયો છે. મહુવા રાજુલા માર્ગ પણ બંધ થતાં હાલ રાજુલા વિખુટુ પડી ગયું છે.
વઢવાણ: સુરેન્દ્રનગર જિલ્લામાં અંતે ઉતરેલી મેઘમહેરમાં અડધાથી લઇને સાડા ચાર ઇંચ જેવો વરસાદ પડી જતાં લોકોમાં ખુશીનો માહોલ છે. ગતરાત્રિથી આજ સાંજ સુધીમાં પડેલાં વરસાદમાં ચુડામાં 4ાા ઇંચ, ચોટીલામાં એક ઇંચ, વઢવાણમાં 3 ઇંચ, સાયલામાં અઢી ઇંચ, લીંબડીમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. જયારે અન્યત્ર 5 થી 11 મીમી વરસાદ પડયાના અહેવાલ છે.
બોટાદ: આજ સવારથી શરૂ થયેલાં વરસાદમાં રાણપુરમાં અઢી ઇંચ, બરવાળામાં બે ઇંચ જયારે બોટાદમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.
રાણપુર: રાણપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે તોફાની બેટીંગ કરી બે કલાકમાં અઢી ઇંચ પાણી વરસાવી દીધું હતું. વર્ષોથી પાણી ભરાવાની સમસ્યા ધરાવતી સોસાયટીઓમાં આ વર્ષે પણ પાણીએ હાલાકી સર્જી દીધી હતી.
જૂનાગઢ: ગતરાત્રિના ધમાકેદાર મેઘાગમને માળિયા હાટીનામાં વધુ 9ાા ઇંચ વરસાદ વરસાવી દેતા જળબંબાકાર સ્થિતિ સર્જાઇ હતી. જયારે માંગરોળમાં પોણો ઇંચ વરસાદ પડયો છે. આજ સવારથી વરસાદી વિરામ સાથે વરાપ જોવા મળે છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઇ ગયા હતાં. વંથલીનો સુખપુર પૂલ ધોવાઇ જતાં વાહન વ્યવહાર ઠપ થઇ ગયો છે.
અમરેલી: જિલ્લામાં અને શહેરમાં આજે  બપોર બાદ વરસાદનું આગમન થતાં એક ઇંચ પાણી વરસી ગયું છે. બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, લીલીયા, રાજુલા, સાવરકુંડલામાં છૂટાછવાયા ઝાપટાં પડયાં છે.
સાવરકુંડલા: ગ્રામ્ય વિસ્તારોમાં સાંજે 5 વાગ્યા બાદ ધોધમાર સ્વરૂપે શરૂ થયેલાં વરસાદમાં ધોબા ગામે 3 કલાકમાં જ 6 ઇંચ પાણી વરસી જતાં ગામ બેટમાં ફેરવાઇ ગયું હતું. વંડા, મોટાભીમોદર, શલણામાં ચાર ઇંચ જેવો વરસાદ છે.
જૂના વાઘણીયા: સાંજના 5 વાગ્યાથી 7 સુધીમાં ધીમી ધારે એકાદ ઇંચ વરસાદ પડી ગયો હતો.
ભાવનગર: શહેરમાં બપોરે શરૂ થયેલો વરસાદ રાત્રિ સુધી અવિરત હતો. જયારે જિલ્લામાં પણ પ્રથમ વખત મેઘસવારીએ ધમાકેદાર પાણી વરસાવી દેતાં ખુશીનો માહોલ સર્જાયો છે.
ભાવનગર શહેરમાં 4 ઇંચ, સિહોરમાં એક, ઘોઘામાં દોઢ, પાલિતાણા અને મહુવામાં પણ દોઢ ઇંચ તેમજ વલ્લભીપુરમાં એક, ઉમરાળામાં સવા ઇંચ વરસાદ નોંધાયો છે.
જયારે જેસરમાં 24 કલાકનો સાડા નવ ઇંચ વરસાદ પડતાં ગામ બેટ બન્યું છે. ભાવનગરમાં અનેક સ્થળે પાણી ભરાયા હતા. એક વૃક્ષ ધરાશાયી થયું હતું.
ક્યાં, કેટલો વરસાદ
રાજુલા-2
ચુડા-4।।
ચોટીલા-1
વઢવાણ-3
સાયલા-2।।
 લીમડી-1।।।
રાણપુર-2।।
બરવાળા-2
બોટાદ-2।।।
માળિયા હાટીના-16
માંગરોળ-0।।।
અમરેલી-1
જૂનાવાઘણિયા-1
સાવરકુંડલા પંથક-6
ભાવનગર-4।
સિહોર-1
ઘોઘા-1।।
પાલિતાણા-1।।
મહુવા-2
તળાજા-1।।
વલભીપુર-1
ઉમરાળા-1।
જેસર-9।।

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer