થાનના ગુગરીયાળામાંથી નકલી ઘીની ફેકટરી ઝડપાઇ: 77.49 લાખનો મુદ્દામાલ કબજે

સુરેન્દ્રનગર, તા.15: થાનગઢના ગુગરીયાળા ગામેથી નકલી ઘી બનાવવાની ફેકટરી ઝડપાઇ હતી. રૂ. 77.49 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.
સુરેન્દ્રનગર એસઓજીના ઇન્સ. કે.એ.વાળા, સબ ઇન્સ. એસ.બી.સોલંકી અને તેમના સ્ટાફના દાદુભાઇ જાડેજા, યોગેન્દ્રસિંહ ચુડાસમા વગેરે થાનગઢ વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળ્યા હતાં ત્યારે ગુગરીયાળામાં આવેલ શિવ ઇન્ડસ્ટ્રીઝ નામના રાજેશભાઇ ભરતભાઇ ચાવડાના કારખાનામાં નકલી ઘી બનતું હોવાની બાતમી મળી હતી. આ હકિકતના આધારે પોલીસે દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન નકલી ઘી બનાવવા માટે વપરાતાં ઘી, માખણ, પામતેલ, મોરગીનના બેરલ, ડબ્બા, ટેંક તથા નાના નાના ડબ્બાઓ મળી આવ્યા હતાં. જેમાં ઘી જેવું પ્રવાહી ભરેલું મળી આવ્યા હતાં. આ અંગે સુરેન્દ્રનગરના ફુડ ઇન્સ્પેકટર જી.કે.પટેલને જાણ કરવામાં આવી હતી. તેણે ઘી જેવા પ્રવાહીના નમૂના લઇને પરીક્ષણ માટે મોકલી આપ્યા હતાં. શિવ ઇન્ડસ્ટ્રીઝમાંથી ઘી, માખણ, પામતેલ, મોરગીન ભરેલા ડબ્બા, બેરલ, બોકસ મળી કુલ રૂ. 77.49 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો. આ સ્થળેથી લેવાયેલા નમુનાનો રિપોર્ટ આવ્યા બાદ જનઆરોગ્યને નુકસાન કરવા બાબતે ભેળસેળ અંગે ગુનો નોંધવાની કાર્યવાહી કરાશે તેમ જણાવાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer