રાજકોટમાં હત્યા કરી રૂ.1 કરોડની લૂંટ કરનાર વેપારી પિતા-પુત્ર ઝડપાયા

રાજકોટમાં હત્યા કરી રૂ.1 કરોડની લૂંટ કરનાર વેપારી પિતા-પુત્ર ઝડપાયા
પ7 લાખનો મુદ્દામાલ કબજે: દેણું દૂર કરવા માટે આઠ દિવસ પૂર્વે લૂંટ-હત્યાનું કાવતરું ઘડયું’તું
રાજકોટ, તા.1પ : જામનગર રોડ પર જીથરીયા પીરની દરગાહ પાછળ મીતરાજ એપાર્ટમેન્ટમાં રહેતા અને સેલ્સમેન તરીકે કામ કરતા વસંતભાઈ ભોગીલાલ જીંજુવાડીયા નામના સોની પ્રૌઢ રૂ.1 કરોડનું સોનુ લઈને નીકળ્યા બાદ લૂંટ કરી હત્યા કરી લાશ કિશાન ગૌશાળા પાસે ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવી હતી. આ બનાવમાં પોલીસે સેલ્સમેન વસંતભાઈ જીંજુવાડીયાની એક કરોડના સોનાના દાગીના લૂંટવા માટે હત્યા કરવામાં આવી હોવાનો પર્દાફાશ કરી સોની વેપારી પિતા-પુત્રને ઝડપી લઈ રૂ.પ7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ બનાવ અંગેની વિગત એવી છે કે, જામનગર રોડ પરના વિસ્તારમાં રહેતા અને પેલેસ રોડ પર મુંબઈની કંપનીમાં સેલ્સમેન તરીકે નોકરી કરતા વસંતભાઈ ભોગીલાલ જીંજુવાડીયા નામના સોની પ્રૌઢ ગઈકાલે રૂ.1 કરોડની કિંમતનું (3 કિલો, ર00 ગ્રામ) સોનુ લઈને નીકળ્યા બાદ લાપતા બની ગયા હતા અને હત્યા કરાયેલી હાલતમાં આજી નદીના પુલ પાસેની કિશાન ગૌશાળા નજીકથી લાશ મળી આવી હતી.
આ અંગેની જાણ થતા પોલીસ કમિ.અનુપમસિંહ ગેહલોત તથા જેસીપી દીપક ભટ્ટના માર્ગદર્શન હેઠળ ક્રાઈમ બ્રાંચના પીઆઈ. એચ.એમ.ગઢવી, ફોજદાર અતુલ સોનારા, ફોજદાર આર.સી.કાનમીયા, ફોજદાર ડી.પી.ઉનડકટ, ફોજદાર બી.ટી.ગોહીલ, ફોજદાર કે.કે.જાડેજા તથા આજી ડેમ પીઆઈ. વાઘેલા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને મૃતક વસંતભાઈ સોનીનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો અને મૃતક વસંતભાઈની હત્યા ગળાટુંપો દઈને કરવામાં આવી હોવાનું ખુલ્યું હતું. પોલીસે મૃતક વસંતભાઈ સોની દુકાનેથી નીકળ્યા બાદ કયાં-કયાં ગયા હતા તે સદર્ભે તપાસ હાથ ધરી હતી.પોલીસે મૃતક વસંતભાઈના પુત્ર ભાવીન જીંજુવાડીયાની ફરિયાદ પરથી અજાણ્યા શખસો સામે રૂ.1 કરોડના સોનાની લૂંટ કરી વસંતભાઈની હત્યા કરવામાં આવી હોવાનો ગુનો નોંધ્યો હતો અને સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવી હત્યાના મુળ સુધી પહોંચવા દોડધામ શરૂ કરી હતી. દરમિયાન સીસીટીવી ફુટેજ અને મોબાઈલના આધારે ઢેબર રોડ પરની શ્રમજીવી સોસાયટી-ર/9માં રહેતા ભરતકુમાર હસમુખલાલ લાઠીગરા અને સુમીત ભરતકુમાર લાઠીગરા નામના સોની પિતા-પુત્રને ઝડપી લઈ આગવી ઢબે સરભરા કરતા હત્યા-લૂંટનો ભેદ ઉકેલાયો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક વસંતભાઈ સોની અને હત્યારા ભરતકુમાર લાઠીગરા-સુમીત  કાયમ એકબીજાના પરિચયમાં રહેતા અને મૃતક વસંતભાઈ દરરોજ ભરતકુમાર લાઠીગરાની દુકાને પણ જતા હતા. ભરત લાઠીગરા ઉપર અંદાજીત બે થી ત્રણ કરોડનું દેણુ હોય તે દૂર કરવા માટે પિતા-પુત્રએ આઠેક દિવસથી કાવત્રુ ઘડયું હતું અને અષાઢી બીજે મૃતક વસંતકુમાર સોની પાસે બેથી ત્રણ કિલો સોનુ હોઇ લૂંટી લઈ હત્યા કરવાનું નકકી કર્યું હતું અને અષાઢી બીજે મૃતક વસંતકુમાર હત્યારા ભરતની દુકાને ગયા હતા ત્યારે ચા પીવાના બહાને ઈનોવા કારમાં બેસીડી પુજારા પ્લોટ-1માં લઈ ગયો હતો અને બાદમાં તેના પુત્ર સુમીતને ફોન કરી બોલાવ્યો હતો અને ઈનોવા કારમાં જ ભરત લાઠીગરાએ મૃતક વસંતભાઈને બેભાન કરવાનો સ્પ્રે છાંટી દીધો હતો અને બાદમાં ગળામાં દોરીથી ગળાટુંપો દઈ હત્યા કરી નાખી હતી અને બાદમાં મૃતદેહ કારમાં લઈ જઈ કિશાન ગૌશાળા પાસે ફેંકી દીધી હતી અને અન્ય ચીજવસ્તુઓ જુદી-જુદી જગ્યાએ ફેંકી દીધી હતી અને ઘેર આવી પિતા-પુત્રએ સોનાના દાગીના ગાળી નાખી ઢાળીયા બનાવી નાખ્યા હતા. પોલીસે ઈનોવા કાર તથા રૂ.પર.ર3 લાખની કિંમતના ચાર સોનાના ઢાળીયા (1836 ગ્રામ-360 મીલીગ્રામ), ઈલેકટ્રીક સગડી અને એકટીવા મળી કુલ રૂ.પ7.78 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે વધુ તપાસ અર્થે રિમાન્ડ પર લેવા તજવીજ  હાથ ધરી હતી.
ચાંદી કામના સ્પ્રેનો ઉપયોગ
ચાંદી કામ માટે ઉપયોગમાં લેવાતા લેકટ પોલીસ નામના સ્પ્રેનો વસંતભાઈને બેભાન કરવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પોલીસને ગુમરાહ કરવા ભરતે મોબાઈલ દુકાને રાખ્યો
સેલસમેનની હત્યા કરનાર ભરત લાઠીગરાએ પોલીસને ગુમરાહ કરવા માટે તેનો મોબાઈલ દુકાને રાખ્યો હતો અને વસંતભાઈના મોબાઈલમાંથી પુત્ર સુમીતને ફોન કરી બોલાવ્યો હતો.
પુત્ર જમવા માટે પિતાની રાહ જોતો રહ્યો
મૃતક વસંતભાઈનો પુત્ર ભાવીન પણ સોની બજારમાં કામ કરતો હોઇ નિત્યક્રમ મુજબ બંને પિતા-પુત્ર દરરોજ બપોરના સાથે જ જમતા હતા અને અષાઢી બીજના દિવસે પુત્રએ પિતા વસંતભાઈને ફોન કરતા સોનીબજારમાં હમણા જ આવું છું તેવો મેસેજ કર્યો હતો. પરંતુ પિતા વસંતભાઈ નહી આવતા ફોન કર્યો હતો અને ફોન બંધ આવતા શોધખોળ શરૂ કરી હતી.
હત્યારા ભરતના મકાનમાં ર01પમાં ચોરી થઈ’તી
શ્રમજીવી સોસાયટીમાં રહેતા હત્યારા ભરત લાઠીગરાના મકાનમાં ર01પમાં તસ્કરો ખાબકયા હતા અને રોકડ-કિંમતી ઘડીયાળો સહિત રૂ.પ0 લાખથી વધુની મતાનો હાથફેરો થઈ ગયો હતો. આ બનાવમાં હત્યારા ભરતે તેના ભાઈ સામે આક્ષેપો કર્યા હતા અને પોલીસને પણ દબાણ કર્યું હતું. પરંતુ પોલીસે આ મામલે કોઈ મચક આપી ન્હોતી અને પોલીસે કરોડપતિ ચોર તરીકે ઓળખાતા આનંદ જેસીગને ઝડપી લીધો હતો અને ભરત લાઠીગરાની ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
સેલ્સમેનની હત્યા કરવાની પુત્રએ ના પાડી’તી
સેલ્સમેન વસંતભાઈ જીંજુવાડીયા પાસેથી સોનાના દાગીના લૂંટી હત્યા કરવાનો આઠ દી’ પૂર્વે પ્લાન ઘડયો હતો ત્યારે પુત્ર સુમીતે તેના પિતા ભરતને હત્યા કરવાની ના પાડી હતી. બાદમાં પિતા-પુત્રએ સાથે મળી વસંતભાઈની હત્યા કરી સોનાના દાગીના લૂંટી લીધા હતા.
8 દી’પૂર્વે કાવતરું ઘડયું’તું
સેલ્સમેન વસંતભાઈ જીંજુવાડીયા પાસેથી સોનાના દાગીના લૂંટી લઈ હત્યા કરવાનું વેપારી ભરત લાઠીગરા અને તેના પુત્ર સુમીત આઠ દિવસ પહેલા કાવત્રુ ઘડયું હતું અને તેનો અંજામ અષાઢી બીજે આપ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer