મેટોડા GIDCમાં કારખાનામાંથી દેશી બોમ્બ મળ્યો

મેટોડા GIDCમાં કારખાનામાંથી દેશી બોમ્બ મળ્યો
નકલી બોમ્બ હોવાનું એસપીનું કથન: તપાસ એસઓજીને સોંપાઇ
રાજકોટ, તા.1પ : લોધીકા તાબેના મેટોડા જીઆઈડીસીમાં આવેલા કારખાનામાંથી દેશી બોમ્બ મળી આવતા જિલ્લા પોલીસ વડા તથા બોમ્બ સ્કવોડ સહિતનો કાફલો દોડી ગયો હતો અને બોમ્બ ડીફયુઝ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે દેશી બોમ્બ નકલી હોવાનું અને માત્ર ડરાવવા માટે કાવત્રુ ઘડવામાં આવ્યું હોવાનું એસપીનું કથન રહ્યંy હતું. આ મામલે એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત એવી છે કે, મેટોડા જીઆઈડીસીમાં ગેઈટ નં.રમાં આવેલી સત્યા ટેકનોકાસ્ટ  નામના કારખાનામાંથી દેશી બનાવટનો બોમ્બ મળી આવતા ભારે અફરાતફરી મચી ગઈ હતી અને આ અંગેની જાણ થતા એસપી અંતરીપ સુદ, એલસીબી, એસઓજી તથા બોમ્બ સ્કવોડ સહિતનો કાફલો દોડી ગયો હતો. આ ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડયા હતા.
પોલીસે હાથ ધરેલી તપાસમાં સત્યા ટેકનોકાસ્ટ નામના કારખાનામાં સવારે કામે આવેલા મૂળ જૂનાગઢ પંથકના ડુંગરપુર ગામના અને ડ્રાઈવર તરીકે નોકરી કરતા નાથાભાઈ નારણભાઈ નામના  કર્મચારીને કોથળીમાં કંઈક શંકાસ્પદ ટેટા જેવું દેખાતા તેણે ઉપાડી કારખાનાની બહાર મુકી દીધું હતું અને બાદમાં કારખાનાના  માલિક  નિલેષભાઈ અને પોલીસને જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં ડીટોનેટર (કૂવામાં ઉપયોગમાં લેવાતા લાલ ટેટા) સાથે વાયર બાંધેલો હતો અને બેટરી બાંધેલી ન્હોતી તેમજ ઘડિયાળ બાંધવામાં આવી હતી અને દેશી બોમ્બ બનાવવામાં આવ્યો હતો. બોમ્બ સ્કવોડ દ્વારા મેદાનમાં લઈ જઈ દેશી બોમ્બને ડીફયુઝ કરવામાં આવતા રાહત અનુભવાઇ હતી. મેટોડામાં આવેલા ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં  આવેલા કારખાનામાં દેશી બોમ્બ મુકવામાં આવતા ચકચાર મચી ગઈ હતી.
આ મામલે એસપી અંતરીપ સુદે જણાવ્યું હતું કે આ નકલી બોમ્બ બનાવવામાં આવ્યો હતો અને એકસ્પ્લોઝીવ હતું નહી. માત્ર ડરાવવા માટે આ પ્રકારનું કાવત્રુ ઘડવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું. આ અંગેની તપાસ એસઓજીને સોંપવામાં આવી હતી. પોલીસે કારખાનેદાર તથા તેના કર્મચારીઓના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કારખાનામાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી અને નકલી બોમ્બના મૂળ સુધી પહોંચવા દોડધામ શરૂ કરી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer