પ્લાસ્ટિકમુક્ત પ્રદ્યુમન પાર્કનો પ્રારંભ

પ્લાસ્ટિકમુક્ત પ્રદ્યુમન પાર્કનો પ્રારંભ

પ્લાસ્ટિક સાથે પ્રવેશનાર પાસેથી ડિપોઝીટ લેવાશે, જતી વખતે વસ્તુ દેખાડતા રકમ પરત અપાશે
રાજકોટ, તા.12 : શહેરની ભાગોળે આવેલા પ્રદ્યુમ્ન પાર્ક ઝૂને પ્લાસ્ટીકમુક્ત ઝૂ બનવાનું ગૌરવ પ્રાપ્ત થયું છે. સંપૂર્ણ રીતે નૈસર્ગિક સ્થિતિમાં સ્થાપવામાં આવેલા તેમજ વનરાજી અને નૈસર્ગિક જંગલ જેવી સ્થિતિમાં રચાયેલા આ ઝૂને મ્યુનિ.તંત્ર દ્વારા હવે પ્લાસ્ટીકમુક્ત જાહેર કરવામાં આવ્યું છે. આ ઝૂ ખરા અર્થમાં પ્લાસ્ટિકમુક્ત જ બની રહે તે માટે એક નવી પ્રણાલી કાર્યરત કરવામાં આવી છે.
મ્યુનિ.કમિશનર બંછાનીધિ પાનીના જણાવ્યાનુસાર હવેથી કોઈપણ મુલાકાતી પ્લાસ્ટીકની બોટલ કે અન્ય કોઈ પ્લાસ્ટીકની ચીજ વસ્તુ લઈને ઝૂમાં પ્રવેશ કરશે તો તેમની પાસેથી ટિકિટ બારી ઉપરથી જ પ્લાસ્ટીકની દરેક વસ્તુ દિઠ રૂ.10/- વસૂલ કરવામાં આવશે અને જ્યારે આ મુલાકાતી ઝૂમાં ફરીને પરત જતાં હશે ત્યારે પ્લાસ્ટીકની એ તમામ ચીજવસ્તુ ટિકિટબારી પર બતાવી દરેક ચીજવસ્તુ પર અગાઉ ચૂકવાયેલા પોતાના 10-10 રૂપિયા પરત મેળવી શકશે.
કમિશનરે ઉમેર્યુ હતું કે, આ નવી વ્યવસ્થાનો આશય પ્રદ્યુમન પાર્ક ઝૂને ઝીરો પ્લાસ્ટિક બનાવી રાખવાનો છે અને તેમાં સૌ મુલાકાતી નાગરિકો સહયોગ આપે તેવો અનુરોધ છે.        ઝુ ખાતે ટીકીટબારીએથી ટીકીટ લઈને પ્રવેશતા સહેલાણીઓની પ્રવેશ દ્વાર પાસે ચકાસણી કરવામાં આવે છે અને હવેથી કોઈપણ પ્રવાસી કોઈપણ પ્રકારનું પ્લાસ્ટીક ઝુમાં ન લઈ જઈ શકે તેની ખાસ કાળજી રાખવામાં આવશે. એટલુ જ નહીં પરંતુ ઝૂમાં આવેલી કેન્ટીન કે ફૂડ કોર્ટ દ્વારા પણ પ્લાસ્ટીકના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કેન્ટીન સંચાલન દ્વારા વેફર્સ પણ કાગળની ડીશમાં આપવામાં આવે છે.
ઝૂમાં વાઈલ્ડ લાઈફ મ્યુઝિયમ બનાવવાનો પ્રોજેક્ટ વેગવંતો
પ્રદ્યુમ્ન પાર્ક ઝૂમાં મ્યુનિ.તંત્ર ભારતનું સૌથી મોટુ વાઈલ્ડલાઈફ મ્યુઝિયમ પણ ઉભું કરવા જઈ રહ્યું છે. ઝુ સુપ્રિટેન્ડેન્ટ હિરપરાના જણાવ્યાનુસાર વાઈલ્ડલાઈફ મ્યુઝિયમ બે તબક્કામાં 6 સેક્શનમાં તૈયાર થઈ રહ્યું છે. પ્રથમ ફેઝમાં ઝુ વિશેની માહિતી, ઝુ શા માટે હોવું જોઈએ ?, ભારતમાં કેટલા ઝૂ છે ? ઝુમાં કેવી સુવિધા હોવી જોઈએ ?, ઝૂમાં હોસ્પિટલ કેવી હોવી જોઈએ ? વગેરેની સંપૂર્ણ માહિતી પૂરી પાડવાનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ ઉપરાંત ગીરની સંસ્કૃતિ અને ગિરનારનું આબેહુબ મોડેલ પણ તૈયાર છે હવે બીજા તબક્કામાં મેમલ્સ ગેલેરી કે જેમાં સિંહ, વાઘ, દીપડાની સાઈઝ જેટલા મોડેલ્સ, રેપ્ટાઈલ્સ ગેલેરી જેમાં મગર, સાપ, અજગર, કાચબાના મોડેલ્સ તેમજ કચ્છની સંસ્કૃતિ, ત્યાનાં અગરિયા, માલધારીઓની જીવનશૈલી પણ મોડેલના રૂપમાં મૂકાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer