ડિવાઈડર તોડવાની તરફેણમાં શહેરીજનો: સહી ઝુંબેશ જારી

ડિવાઈડર તોડવાની તરફેણમાં શહેરીજનો: સહી ઝુંબેશ જારી

કાલાવડ રોડ પર સ્વામિનારાયણ મંદિર પાસેનું બંધ
પુરુષો-મહિલાઓ, વિદ્યાર્થીઓ સાથે દિવ્યાંગોએ પણ હસ્તાક્ષર કર્યા
રાજકોટ,તા.12 : શહેરના કાલાવાડ રોડ પર સ્વામિનારાયણ મંદિર નજીક બંધ કરાયેલા ડિવાઈડરથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયાં છે ત્યારે આ ડિવાઈડરને પુન: ખોલવા માટે રાજકોટ મતદાર એકતા મંચ દ્વારા સહી ઝુંબેશ અભિયાન શરૂ કરાયું છે.
આજે આ બીજા દિવસે સહી ઝુંબેશમાં આ ડિવાઈડરથી ત્રસ્ત વાહનચાલકોનો ક્રોધિત ચહેરો સામે આવ્યો હતો. શહેરીજનોએ જણાવ્યું હતું કે, લોકો આટલી હાલાકી વેઠી રહ્યાં છે છતાં આ મુદ્દે સ્થાનિક કોર્પોરેટર, મહાપાલિકા તેમજ ટ્રાફિક અને પોલીસ તંત્ર શા માટે મૌન ધારણ કરીને બેઠું છે. આ રસ્તો બંધ કરી દેવામાં આવતાં આસપાસના રહેવાસીઓને પણ ભયંકર ત્રાસ ભોગવવો પડી રહ્યો છે જો આ સ્થિતિ યથાવત રહેશે તો જનતા ડિમોલિશન કરવા માટે તૈયાર છે. જનતા ડિમોલિશન માટે એક ટીમ તૈયાર થઈ રહી છે જેમાં બહોળી સંખ્યામાં પોતાના નામ લખાવી રહ્યાં છે.
દરમિયાન પ્રથમ દિવસે 1000 નાગરિકોએ સહીઓ કરી હતી આજે પણ વરસાદ વચ્ચે આ ઝુંબેશ યથાવત રહી હતી. સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ, મહિલાઓ ત્યાં સુધી કે, દિવ્યાંગોએ પણ આ ડિવાઈડર તોડવાની તરફેણમાં હસ્તાક્ષર કર્યા હોવાનું સંયોજક અશોક પટેલે જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer