કાલે જય જગન્નાથજીના નાદ સાથે ભવ્ય રથયાત્રા

કાલે જય જગન્નાથજીના નાદ સાથે ભવ્ય રથયાત્રા

મામેરા વિધિ, મહાપ્રસાદ, સ્વામિનારાયણ મુખ્ય મંદિરે
સંતોની નિશ્રા રહેશે
ઈસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રા
રાજકોટ: જગન્નાથજી રથયાત્રા સમિતિના ઉપક્રમે શહેરમાં તા.14ના અષાઢી બીજે જય જગન્નાથજીના નાદ સાથે દિવ્ય રથયાત્રા સવારે 8:30 કલાકે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી, ભાઈ બલરામજીને અલૌકિક રથમાં બિરાજમાન કરી કૈલાશધામ આશ્રમ નાના મૌવાથી પ્રસ્થાન કરશે જે શહેરના વિવિધ રાજમાર્ગો પર ફરી રાત્રે 8:30 કલાકે નીજ મંદિરમાં મહાઆરતી સાથે સમાપન થશે. તેમ ત્યાગી રામકિશોરદાસજી બાપુએ જણાવ્યું છે.
સંતોની નિશ્રામાં આગેવાનોની ઉપસ્થિતિમાં યોજાનાર આ રથયાત્રા બપોરે 1:15 કલાકે સ્વામિનારાયણ મુખ્યમંદિર ભુપેન્દ્ર રોડ ખાતે પહોંચશે ત્યાં પ્રતાપસિંહ (બચુભા) લખુભા જાડેજા (ભરૂડી) જાડેજા પરિવાર દ્વારા મામેરા વિધિ થશે. સાથે મહાપ્રસાદ સેવા સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડ પર થશે.
ઈસ્કોન મંદિર
ઈસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન અષાઢી બીજે શનિવારે કરાયું છે. મહાવિષ્ણુ ગોસ્વામી મહારાજની પ્રેરણાથી તા.14ના સાંજે 4:00 કલાકે દિવ્ય રથયાત્રા કોટેચા ચોક શ્રીરામ કૃપા ડેરીથી શરૂ થશે. જે કોટેચા ચોક થઈ, આત્મિય કોલેજ, રાણી ટાવર, ભક્તિ આશ્રમ, મોટામવા કોસ્મોપ્લેક્ષ સિનેમા, કણકોટનું પાટિયુ ઈસ્કોન મંદિરે સમાપન થશે. શનિવારે સવારે 4:30 કલાકે ઈસ્કોન મંદિરે આરતી દર્શન, 8 વાગ્યે શ્રૃંગાર આરતી દર્શન, 9 કલાકે અન્નકૂટ દર્શન, બપોરે 12:30 વાગ્યે રાજભોગ આરતી. સાંજે 7:30 કલાકે દેવકીનંદન પ્રભુ સીંગાપોર દ્વારા જગન્નાથ લીલા પર પ્રવચન રાત્રે 8:30 કલાકે મહાપ્રસાદ યોજાશે તેમ વૈષ્ણસેવાદાસજીની યાદીમાં જણાવાયું છે.
ગીતા વિદ્યાલય
જંકશન પ્લોટ ખાતે મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટમાં ભાવસભર વાતાવરણમાં શ્રદ્ધાભક્તિપૂર્વક અષાઢી બીજની ઉજવણી થશે. ગીતા વિદ્યાલયના મંદિર પરિસરમાં બિરાજતા શ્રી જગન્નાથજી, બળદેવજી તથા સુભદ્રાજીની દિવ્ય પ્રતિમાઓને સુંદર વત્રાલંકારો તથા પુષ્પમાલાથી સુશોભિત કરાશે શનિવારે સાંજે 5-00 થી 5-45 સુધી મહિલા સત્સંગ મંડળના બહેનો ભજન, સત્સંગ કરશે. સાંજે 5-45 કલાકે શ્લોકોના મંત્રોચ્ચાર તથા જય જગન્નાથના જયઘોષ સાથે પૂજન અને આરતી થશે તેમજ મગ-ચણા તથા સાકરની પ્રસાદીનું વિતરણ થશે. આ પ્રસંગે દર્શનાર્થીઓ, સત્સંગ, મંડળ, વ્યાપારી શ્રેષ્ઠીઓ, સામાજિક અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહેશે.
જય વેલનાથ જય માંધાતા સમિતિ
જય વેલનાથ જય માંધાતા સમિતિ રાજકોટ દ્વારા જય વેલનાથ જય માંધાતાના નાદ સાથે એકતા રથયાત્રા શનિવારે નીકળશે. ભવ્ય શોભાયાત્રા સવારે 10 કલાકે મોરબી રોડ, વેલનાથપરા, વેલનાથ ચોકડી રાજકોટથી નીકળશે. શોભાયાત્રા તથા બાઈક રેલીમાં બહોળી સંખ્યામાં સમસ્ત કોળી સમાજના ભાઈઓ, યુવાનો જોડાશે. સમસ્ત કોળી સમાજને એકતા રેલીમાં જોડાવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. પોતાના બાઈક, ફોર વ્હીલર સાથે રેલીમાં જોડાવા અનુરોધ કરાયો છે.
આશાપુરા માતાજી
બેડીનાકા ટાવર અંદર જૂના દરબારગઢ પાસે હાટકેશ્વર ચોકના પટાંગણમાં બિરાજતા આશાપુરા માતાજીના જૂના સ્થાનકે અષાઢી બીજે સવારે માતાજીની ધ્વજા ચડાવવામાં આવશે. ત્યાર બાદ માતાજીની ચૂંદડી તથા ધૂપદિપથી આરતી ઉતારવામાં આવશે. માતાજીની આરતી પૂજા નાના દરબારગઢ વાળા ગિરિરાજસિંહ જાડેજા (મીઠુભાઈ ગાદીપતિ) ઉતારશે. માતાજીની ધજા નાના દરબારગઢવાળા નરેન્દ્રસિંહ જાડેજા (ભયલુભા) ચડાવશે. ત્યાર બાદ પ્રસાદીનું વિતરણ કરવામાં આવશે.
દશનામ ગોસ્વામી મહામંડળ
મહાગુજરાત દશનામ ગોસ્વામી મહામંડળ, સૌરાષ્ટ્ર પ્રદેશ, દેવસ્થાન પાંખ દ્વારા  આગામી અષાઢી બીજનો ધાર્મિક મહોત્સવ આસ્થા, શ્રધ્ધા સાથે ઉજવાશે. વિસ્તારમાં આજી નદી કાંઠે 200 વર્ષ જૂના દશનામ ગોસ્વામી સાધુ સમાજ સમાધીસ્થાન “કૈલાસધામ’’માં ભગવાન ભોળાનાથ શિવશક્તિ તેમના પરિવારના સભ્યગણો, ગણેશ, ખોડિયાર માતાજીના મંદિર તથા શહેરના દશનામ ગોસ્વામી સાધુ સમાજના પરિવારોના  પૂર્વજોની સમાધી ઉપર સવારે 9 કલાકે ધ્વજા રોહણ, જલાભિષેક, સુશોભન, પૂજન, અર્ચન, સ્મરણ,  પ્રાર્થના દશનામ ગોસ્વામી મહામંડળ દેવસ્થાન પ્રમુખ  ડી.એમ. ગોસાઇ તથા ઉમિયા માતાજી ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ  ઉર્મીલાબેન ડી. ગોસાઇ પરિવાર હસ્તે, મુખે, પૂજા, અર્ચના, આરતી કર્મકાંડ ધાર્મિક વિધિ વિધાન કૈલાસધામ ખાતે સવારે સાતથી નવ યોજાશે.
યદુવંશી મહાસભા
અખિલ ભારતીય યદુવંશી મહાસભાના ગુજરાત અધ્યક્ષ હેમંતભાઈ લોખીલ દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં સમગ્ર હિંદુ સમાજને જોડાવવા આહવાન કરાયું છે. ભગવાન જગન્નાથજીની ભવ્યથી ભવ્ય રથયાત્રા રાજકોટ નગરમાં નીકળનાર છે. અખિલ ભારતીય યદુવંશી મહાસભાના સમગ્ર અધિકારીઓ-કાર્યકર્તા પણ સમગ્ર યાત્રાને ભવ્યાતિભવ્ય બનાવવા તનતોડ મહેનત કરી રહ્યાં છે. સમગ્ર યાત્રા દરમ્યાન યુવાનો સાથે જોડાશે સાથે યાત્રાનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરાશે.
કિશાન ગૌશાળા
રાજકોટ : કિશાન ગૌ શાળા આજીડેમ પાસે, મેલડી માતાજીના મંદિર સામે તા.14ના અષાઢી બીજે ધ્વજા રોહણ, સંતવાણી, વૃક્ષ વિતરણ કરતો કાર્યક્રમ યોજાશે. સંતવાણી બપોરે 3 થી 8 યોજાશે. સાંજે 6 થી 9 પ્રસાદ કાર્યક્રમ યોજાશે.
કતપર તળપદા કોળી સમાજ દ્વારા રામદેવપીરની રથયાત્રા
રાજકોટ: સમસ્ત કતપર તળપદા કોળી સમાજ પ્રગતિ મંડળ દ્વારા રાજકોટમાં ઘણા વરસોથી રામદેવપીરની રથયાત્રા નિકળે છે. લાખાજીરાજ ઉદ્યોગનગર શેરી નં.12 ચુનારાવાડથી રામનાથપરા ભવાની નગર મેઈન રોડ રામાપીરના મંદિરે નિકળી જ્ઞાતિની વાડીએ રથયાત્રા સંપન્ન થશે. મહાપ્રસાદ સાંજે 6:30 કલાકે રામનાથપરા, ભવાનીનગર શેરી નં.25ના ખૂણા પર યોજાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer