શાપર-વેરાવળમાં ત્રણ કલાકમાં મૂશળધાર 8 ઈંચ વરસાદ

શાપર-વેરાવળમાં ત્રણ કલાકમાં મૂશળધાર 8 ઈંચ વરસાદ
રાજકોટ, તા. 12 : છેલ્લા ત્રણ દિવસથી ગીર સોમનાથ અને સોરઠ પંથકને મેઘરાજાએ ધમરોળ્યા બાદ આજે મેઘરાજાએ જેતપુર-ગેંડલ અને આસપાસના પંથકમાં હેત વરસાવ્યું હતું. દરમિયાન ગેંડલ-રાજકોટ વચ્ચે શાપર-વેરાવળમાં સાંજે ત્રણ જ કલાકમાં સાંબેલાધારે આઠ ઈંચ પાણી વરસી જતાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને ચારેય તરફ પાણી-પાણી થઈ ગયું હતું.
શાપર-વેરાવળમાં આજે સાંજે એકાએક ગાજવીજ અને પવન સાથે જોરદાર વરસાદ ચાલુ થયો હતો. જોતજોતામાં ત્રણ કલાકમાં આઠ ઈંચ જેટલું પાણી વરસી જતાં સ્થળ ત્યાં જળની સ્થિતિ ઉદ્ભવી હતી. શાપર-વેરાવળ એ ઔદ્યોગિક વિસ્તાર છે અને અહીંયા ચારથી પાંચ નાની નદીઓ આવેલી છે. આ તમામ નદી બે કાંઠે વહી હતી. ઔદ્યોગિક વિસ્તારોમાં પાણીના ભરાવાના કારણે ફેક્ટરીઓમાં પાણી ઘૂસ્યા હતા અને લેબર ક્વાર્ટર્સમાં પણ પાણી ફરી વળ્યા હતા. શાપર-વેરાવળના હાઈ વેની આજુબાજુ, નવા ફ્લાય ઓવરની આજુબાજુ સર્વિસ રોડ ઉપર અડધી કાર ડૂબી જાય એટલા પાણી ભરાતાં સર્વિસ રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો અને તમામ વાહનોને હાઈ વે તરફ ડાઈવર્ટ કરાયા હતા. તેના કારણે હાઈ વે ઉપર સખત ટ્રાફિક જામ
થયો હતો.
સાંબલાધારે વરસેલા વરસાદના કારણે શાપર-વેરાવળની આજુબાજુ કાચા ઝુંપડાં બાંધીને રહેતા શ્રમિકોની હાલત વધારે કફોડી બની હતી અને 1પ0 જેટલા ઝૂંપડાં તણાઈ ગયા હતા. આ ઝૂંપડાં તણાઈ જતાં શ્રમિકોએ આસપાસની દુકાનો અને ફેક્ટરીઓમાં આશરો લીધો હતો. ભારે વરસાદથી સંખ્યાબંધ વીજ થાંભલા ધ્વસ્ત થઈ ગયા હતા. શાપર-વેરાવળમાં અતિભારે વરસાદ વરસી જતાં મવડી-પાળ ગામની નદીમાં પૂર આવ્યું હતું અને તેના કારણે અડધા રાજકોટને પાણી પૂરું પાડતા ન્યારી-1 ડેમમાં એક ઝાટકે પાંચ ફૂટ નવા નીરની આવક થઈ હતી. હજી આગામી એક સપ્તાહ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે.
-------------
સુરતમાં વધુ છ ઇંચ: તાપી જિલ્લામાં 4 થી 8 ઇંચ
સુરત, નવસારી, વાપીનાં 197 માર્ગો વરસાદનાં પાણી ભરાતાં બંધ
રાજકોટ, તા. 12: દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લા ઉપરાંત વડોદરા સહિત સુરત વગેરે સ્થળે વધુ એકથી છ ઇંચ વરસાદ નોંધાયો છે. દ. ગુજરાતનાં 197 માર્ગા બંધ કરવા પડયાં છે.
ગત રાત્રે સુરતમાં ધમાકેદાર વરસાદ પડતા જોતજોતામાં છ ઇંચ પાણી વરસી ગયું હતું અને નવસારીમાં પણ ત્રણ ઇંચ જેવું પાણી વરસી ગયું હતું. જલાલપોર 3, ગણદેવી, 1।।, ચીખલીમાં બે, વાસદામાં સવા ત્રણ ઇંચ વરસાદ થયો છે. નવસારીમાં અંબિકા અને પૂર્ણા નદી બે કાંઠે વહી છે.
વલસાડમાં બે, પાટડીમાં બે, વાપીમાં અડધો, કપરાડામાં પોણા બે ઇંચ વરસાદ થયો છે. સુરત જિલ્લાનાં 26, નવસારીનાં 77, વાપીનાં 21 મળી 197 રસ્તાઓ પાણી ભરાવાને કારણે બંધ થયા છે.
વડોદરામાં 24 કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. કંટેશ્વર ગામ નદીમાં પૂર આવતા વિખુટું પડયું છે. ભારે વરસાદને કારણે નદીઓ ગાંડીતૂર બની છે અને જળાશયોમાં નવા નીરની તોતિંગ આવક થઇ છે. તાપી જિલ્લામાં નેશનલ હાઇવે પરનાં પુલનાં એપ્રોચનો એક ભાગ તૂટી પડતા વડોદરામાં ઢાઢરનાં પૂરને કારણે 10 ગામોને એલર્ટ કરાયા હતાં.
તાપી જિલ્લાનાં વ્યારામાં 8, વાલોડમાં 7 તથા સોનગઢ, વલસાડમાં 4 ઇંચ વરસાદ થયાનું જાણવા મળે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer