ખાનગી શાળામાં ફી ઉપર અંકુશ માટે મુસદ્દો તૈયાર

ખાનગી શાળામાં ફી ઉપર અંકુશ માટે મુસદ્દો તૈયાર
નિયત નિદર્શન ધ્યાને લઈને જ થઈ શકશે ફી વધારો : નિયમના ભંગ બદલ રજિસ્ટ્રેશન રદ કરવા સુધીની કાર્યવાહી
 
 
નવી દિલ્હી, તા. 11 : દેશમાં ખાનગી શાળાઓની મનમાની ઉપર લગામ કસવા માટે પહેલી વખત ફી નક્કી કરવા માટેનો કાયદો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ક્યા કારણોસર ફીમાં વધારો કરવામાં આવશે તેની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. ફી નિયમન માટેના કાયદાનો મુસદ્દો એચઆરડી મંત્રાલયને મોકલી દેવામાં આવશે. મુસદ્દો તૈયાર કરનારી ચાઈલ્ડ રાઈટ્સ બોડીએ ફી નિયમનના કાયદાને ઓક્ટોબર સુધીમાં લાગુ કરી દેવાની ભલામણ કરી છે. આ મુસદ્દામાં ફી નક્કી કરવાના ધોરણોનો ભંગ કરવામાં આવશે તો શાળાની આવકના 1 ટકા દંડથી લઈને રજિસ્ટ્રેશન રદ કરવા સુધીની જોગવાઈ હશે. દેશમાં પહેલી વખત ગુજરાતમાં ફીના નિયમન માટે કાયદો બનાવવામાં આવ્યો હતો. જેનો સુપ્રીમમાં કેસ પણ ચાલી રહ્યો છે. ત્યારે હવે કેન્દ્ર સરકારે આ મામલે કાયદો લઈ આવવાની તૈયારી શરૂ કરી છે.
દેશમાં બાળ અધિકાર માટે કામ કરતા નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા કાયદાનો મુસદ્દો તૈયાર કરવામાં આવ્યો છે. આ પંચના સભ્ય પ્રિયંક કાનૂનગોએ કહ્યું હતું કે, ફીના નિયમન માટે કાયદાના કારણે સમાનતા આવશે અને ફીના નામે બાળકોનું શોષણ અટકશે. મુસદ્દામાં ફી નક્કી કરવા માટે કઈ પ્રક્રિયા ઉપયોગમાં લેવાશે અને ક્યા-ક્યા કારણોને ધ્યાને લેવામાં આવશે.  કાયદામાં દરેક જિલ્લા માટે અલગ અલગ નિદર્શન રહેશે. જેથી દરેક જિલ્લાની શાળાની ફી વિસ્તારને ધ્યાને લઈને નક્કી થઈ શકશે. સ્થાયી નિદર્શનમાં પ્રતિ વ્યક્તિ વ્યય, સર્કલ રેટ, મોંઘવારી દર સહિતની બાબતોનો સમાવેશ થશે. જ્યારે અસ્થિર નિદર્શનમાં શાળાની સુવિધા, સ્ટાફની યોગ્યતા, પગાર, ઈતર પ્રવૃતિ વગેરેનો સમાવેશ થાય છે. આ બાબતોને ધ્યાને લઈને ફી શાળાઓ પોતાની ફી નક્કી કરી શકશે. ત્યારબાદ નક્કી કરેલો નિર્ણય નિયમનકારી સમિતિ પાસે મોકલવામાં આવશે. જે ફીને અંતિમ મંજૂરી આપશે. વધુમાં રાજ્ય સ્તરે એક સોફ્ટવેર વિકસાવવામાં આવશે. જેમાં તમામ બાબતોને ભરીને ફીની મર્યાદા નક્કી થઈ શકશે. આ ઉપરાંત ફીની દર વર્ષે સમીક્ષા કરવામાં આવશે. જો શાળાને અગાઉ સમીક્ષા કરવાની જરૂરીયાત ઉભી થઈ હશે તો તે સમિતિ સમક્ષ રજૂઆત કરી શકશે.
કાયદામાં કોઈપણ પ્રાઈવેટ શાળામાં ફીના 6 સ્તર રહેશે. પહેલા સ્તરમાં નર્સરી અને કેજીની ફી, બીજામાં પહેલું અને બીજું ધોરણ, ત્રીજામાં ત્રીજું, ચોથું, પાંચમું, ચોથા સ્તરમાં છઠ્ઠું, સાતમું અને આઠમું ધોરણ, પાંચમા ક્રમમાં નવું અને દસમું તેમજ છેલ્લા ગાળામાં ધોરણ 11 અને 12 આવશે. કમિશનના કહેવા પ્રમાણે મુસદ્દામાં પેરેન્ટ્સ અને ટીચર્સ ઓસોસિએશનને પણ અધિકારો આપવામાં આવ્યા છે. મુસદ્દા પ્રમાણે જો નિયમ લાગુ થયા બાદ કોઈ શાળા ભૂલ કરશે તો પહેલી ભૂલ માટે શાળાની કુલ આવકનો એક ટકા દંડ થશે. બીજી ભૂલ માટે કુલ આવકના ત્રણ ટકા અને ત્રીજી વખત નિયમના ઉલ્લંઘન માટે 5 ટકા દંડ ફટકારવામાં આવશે. પરંતુ જો ચોથી વખત નિયમ ભંગ થશે તો શાળાને નો-એડિમિશન કેટેગરીમાં નાખીને તપાસ કરવામાં આવશે અને બાળકોનો અભ્યાસ પુરો થશે ત્યાં સુધી શાળા ચાલુ રહ્યા બાદ તેનું રજિસ્ટ્રેશન રદ કરી દેવામાં આવશે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer