શેરબજારમાં લાલચોળ તેજી સેન્સેક્સ વિક્રમી ઉંચાઇએ

શેરબજારમાં લાલચોળ તેજી સેન્સેક્સ વિક્રમી ઉંચાઇએ
સેન્સેક્સ પ્રથમ વખત 36,548ના સ્તરે બંધ : ચાર દિવસમાં 891 પોઇન્ટનો વધારો
 
રાજકોટ, તા.12: મિડ અને સ્મોલ કેપ શેરોમાં મૂડી ધોવાઇ ગઇ હોવા છતાં લાર્જકેપ શેરોની તેજીને લીધે સેન્સેક્સ ફરીથી રેકર્ડબ્રેક ઊંચાઇ ઉપર પહોંચ્યો હતો. સેન્સેક્સ 282 પોઇન્ટની તેજીમાં 36,548ની સપાટીએ બંધ થયો હતો. ઇન્ટ્રા ડેમાં 36,699ની ટોચ જોવાઇ હતી. નિફ્ટીએ પાંચ મહિના પછી ફરીથી 11 હજારની સપાટી મેળવી હતી. બેંકિંગ અને એનર્જી સ્ટોક્સમાં આવેલી તેજીએ સેન્સેક્સને બળ આપ્યું હતું.
નિફ્ટીએ આજે 11 હજારની સપાટી વટાવીને 11,023નો બંધ આપ્યો હતો. નિફ્ટીમાં 74 પોઇન્ટનો સુધારો હતો. ચાલુ સપ્તાહે ચાર દિવસમાં સેન્સેક્સ 891 અને નિફ્ટી 321 પોઇન્ટ ઉછળ્યા છે. બજારનો વિશ્વાસ પુન: સંપાદિત થતો જણાઇ રહ્યો છે. આજની તેજીમાં રિલાયન્સનું યોગદાન મહત્ત્વનું હતું. ક્રૂડ તેલના ભાવમાં બુધવારે બે વર્ષ પછી સૌથી મોટો એક દિવસીય કડાકો નોંધાવતા રિલાયન્સમાં લાવ લાવ હતી. એ ઉપરાંત અમેરિકા - ચીન વચ્ચે વેપારયુદ્ધને લીધે વિદેશી બજારોમાં ઢીલાશ હતી. તેનો લાભ ભારતને મળ્યો હતો.
મોડી સાંજે ફુગાવાના આંકડા જાહેર થયા હતા. ફુગાવો પાંચ મહિનાની ટોચ ઉપર હતો. જ્યારે ફેક્ટરી ઉત્પાદનમાં વધારો નોંધાયો છે. આવતીકાલે તેની અસર પ્રત્યાઘાતી ઘટાડારૂપે શેરબજાર ઉપર જોવા મળે તો નવાઇ નહીં.
રિલાયન્સનું માર્કેટ કેપ 100 અબજ ડોલરના આંકડાને હાંસલ કરવામાં સફળ થયું હતું. છેલ્લે 2007માં માર્કે કેપ આ સ્તરે પહોંચ્યું હતું. આવતીકાલે જાહેર થનારાં પરિણામો પૂર્વે ઇન્ફોસીસમાં કડાકો હતો. પીએસયુ બેંકોમાં તેજી હતી. ચોમાસાની પ્રગતિએ પણ શેરબજારની તેજીમાં પ્રાણ ફૂંક્યા છે. આવનારા દિવસોમાં વેચવાલી વચ્ચે તેજીનો દોર જળવાય તેમ જણાય છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer