ભાજપના શાસનમાં ભારત બનશે ‘િહંદુ પાકિસ્તાન’

ભાજપના શાસનમાં ભારત બનશે ‘િહંદુ પાકિસ્તાન’
શશી થરૂરના વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકીય ધમાસાણ: ભાજપે રાહુલ ગાંધીની માફીની માગ કરી
નવી દિલ્હી, તા. 12 : કોંગ્રેસના નેતા શશિ થરૂરે કેન્દ્ર સરકાર ઉપર પ્રહાર કરતા 2019માં ભાજપ જીતશે તો ભારત હિંદુ પાકિસ્તાન બની જશે. તેવું નિવેદન કરતા ઘમાસાણ શરૂ થયું છે અને ભાજપે કોંગ્રેસને વળતો જવાબ આપતા થરૂરના નિવેદનને હિંદુ સમૂદાય ઉપર હુમલા સમાન ગણાવ્યો હતો. ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ પત્રકાર પરિષદ બોલાવીને કહ્યું હતું કે, કોંગ્રેસ મોદી ઉપર પ્રહારો કરવા માટે દેશના લોકતંત્ર ઉપર હુમલો કરી રહ્યો છે અને થરૂરના નિવેદન મુદ્દે રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ. બીજી તરફ શશિ થરૂરે કહ્યું હતું કે, તેઓ આ વાત દોહરાવતા રહેશે કારણ કે પાકિસ્તાને લઘુમતિ કોમને મૌલિક અધિકારોથી વંચિત રાખી હતી અને તેવી જ વિચારધારા ભાજપ અને આરએસએસ ધરાવે છે.
ભાજપ તરફથી સંબિત પાત્રાએ કહ્યું હતું કે, આ મામલે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ માફી માગવી જોઈએ. વધુમાં એમ પણ કહ્યું હતું કે, રાહુલ ગાંધીને હિંદુ સમુદાયથી નફરત છે અને તેના કારણે જ વોટ બેંક મેળવવા માટે લોકતંત્ર ઉપર હુમલો કરવામાં આવી રહ્યો છે. પાત્રાએ કહ્યું હતું કે, અગાઉ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, દિગ્વિજયસિંહ, સૈફુદ્દીન સૌજ અને સુશીલ કુમાર શિંદે પણ થરૂર જેવા નિવેદનો આપી ચૂક્યા છે. કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું હતું કે, શશિ થરૂરને ભ્રમ થયો છે અને તેઓને લાગે છે કે, કોંગ્રેસ સત્તામાં આવે તેવી કોઈ આશા નથી. અગાઉ બંધારણ સાથે ચેડા કરીને લોકોના અધિકારો છિનવી લેનારો પક્ષ કોંગ્રેસ જ હતો.
ભાજપ પ્રવક્તા જીવીએલ નરસિમ્હાએ કહ્યું હતું કે, કોંગ્રેસ અને અન્ય વિપક્ષનો ધર્મનિરપેક્ષતાવાદ બનાવટી છે. બીજી તરફ એનસીપીના નેતા માજિદ મેનન અને શરદ યાદવે શશિ થરુરના નિવેદનનું સમર્થન કર્યું હતું.   

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer