અડધા સૌરાષ્ટ્ર પર ઓળઘોળ : અડધાથી આઠ ઈંચ

અડધા સૌરાષ્ટ્ર પર ઓળઘોળ : અડધાથી આઠ ઈંચ
રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લા પર 0।। થી 8 ઈંચ મેઘમહેર, છ જિલ્લા હજુ કોરા : ગિરનાર
જંગલ અને દેવકીગાલોળમાં ધોધમાર 8 ઈંચ: દીવ, કોડીનાર, જશાધાર, ભીમદેવળમાં 5 ઈંચ
 
રાજકોટ, તા.12: આજથી ચોમાસુ જામ્યુ હોય તેવા વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્રના પાંચ જિલ્લા પર જોરદાર મેઘમહેર ઉતરતા એકથી લઈને 8 ઈંચ પાણી વરસી ગયાના અહેવાલ છે. ગીર-સોમનાથ જિલ્લામાં હવે વરસાદના વિરામથી જરૂર છે તો જ્યાં પ્રથમ સારો વરસાદ પડયો તેઓ ખુશખુશાલ છે. આજે જેતપુરના દેવકી ગાલોળમાં 8 ઈંચ, ગીરનાર પર્વત પર 7 ઈંચ તથા દીવ, કોડીનાર, જશાધાર, ભીમદેવળમાં પાંચ ઈંજ જેવો ભારે વરસાદ નોંધાયો છે. જામનગર, મોરબી, દ્વારકા, પોરબંદર જિલ્લાને બાદ કરતા સર્વત્ર સારી મેઘમહેર વરસી છે. આગામી પાંચ દિવસ હજુ સારા વરસાદની શક્યતા છે ત્યારે કોરા રહી ગયેલા વિસ્તારો મેઘરાજાને પ્રાર્થના કરી
રહ્યાં છે.
ઉપલેટા: બે દિવસ ઝરમર અને ઝાપટાં વરસ્યા બાદ આજે બપોરે 3 કલાકે શરૂ થયેલાં વરસાદમાં અડધા કલાકમાં અડધા ઈંચ જેવું પાણી વરસ્યું હતું.  
કોટડા સાંગાણી: ગામ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ત્રણ કલાકમાં 3 ઈંચ જેટલો વરસાદ પડતા ઠેર ઠેર જળબંબાકાર સર્જાયું હતું. રાજપરા, ભાડવા, દેવળિયા, નારણકા, ભાડુઈ, પાંચ તલાવડા, શાપર, વેરાવળ, રામોદ સહિતના ગામોમાં સારી માત્રામાં વરસાદ થયો છે.
ગોંડલ: શહેર આજે બે ઈંચ વરસાદ પડી જતાં રાજમાર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં.
દેરડી કુંભાજી: આજે બપોરથી ધીમીધારે શરૂ થયેલાં વરસાદમાં સાંજના 7 સુધીમાં 1 ઈંચ પાણી વરસી ગયું હતું. હજુ વરસાદ ચાલુ જ છે.
જેતપુર: શહેર તથા તાલુકામાં આજે ચોમાસુ જોરદાર જામ્યુ હતું અને શહેરમાં માત્ર અડધો ઈંચ વરસાદ પડયો હતો. જ્યારે દેવકીગાલોળ ગામે 7 કલાકમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. ખજુરી હડમતીયા 4 ઈંચ, બરવાળા-4, બોરડી સમઢિયાળા-3, ખીરસરા અઢી અને અન્યત્ર 1 થી 2 ઈંચ વરસાદ થયો છે.
જામકંડોરણા: બપોરે 4-30 થી 7 વાગ્યા સુધીમાં ઝરમર સ્વરૂપે માત્ર 9 મીમી પાણી વરસ્યું હતું.
રાજકોટ: શહેરમાં આજે બપોરબાદ શરૂ થયેલી વરસાદી ઝરમર વચ્ચે પડેલા એકાદ બે ઝાપટાંને કારણે મધ્ય રાજકોટ અને પશ્ચિમ ઝોનમાં 6 મીમી તથા બેડીપરા વિસ્તારમાં 3 મીમી વરસાદ નોંધાયો છે. તાલુકા મથકોએ ધોરાજી, જેતપુર, વિંછીયામાં અડધો તથા ગોંડલ-ઉપલેટામાં પોણો ઈંચ અને જસદણમાં 3 અને લોધિકામાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે.
બગસરા: આજે સવારથી અનરાધાર શરૂ થયેલાં વરસાદમાં સાંજના 6 વાગ્યા સુધીમાં 4 ઈંચ પાણી વરસી ગયું હતું.
સાવરકુંડલા: સવારે 11 વાગ્યાથી સાંજના 5 સુધીમાં ત્રણ ઈંચ વરસાદ પડી ગયો હતો, બાઢડા, ગાધકડા, નેસડી, વંડા, પીઠવડી, ધજડી, કાનાતળાવ વગેરે ગામોમાં પણ સારો વરસાદ પડયો છે.
ધારી: અહીં આજે બીજા દિવસે પણ અવિરત રહેલી મેઘમહેરમાં દોઢ ઈંચ પાણી પડયું હતું. સરસિયા, દલખાણિયા, વિરપુર, દૂધાળા, બોરડી, ગીગાસણ વગેરે ગામોમાં પણ સારો વરસાદ છે.
જૂનાવાઘણીયા: આજે ત્રીજા દિવસે પણ ચાલુ રહેલી મેઘસવારીમાં બે ઈંચ પાણી વરસી જવા પામ્યું છે.
રાજુલા: શહેર તથા આસપાસના ગામો ધારેશ્વર, દીપડીયા, વાવેરા, ધુડીયા, આગરીયા સહિતના સ્થળોએ ત્રણેક ઈંચ વરસાદ થયો છે.
ખાંભા: બપોરના બે વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં બે ઈંચ વરસાદ થયો હતો. ભાણિયા, ગીદરડી, ધાવડિયા, લાસા, ભાડ, વાંકિયા સહિતનાં ગામોમાં 3 ઈંચના અહેવાલ છે.
કોટડાપીઠા: બાબરાના કોટડાપીઠા ગામે સાંજે 5-15થી 7 સુધીમાં જ બે ઈંચ વરસાદ પડી ગયો હતો.
બાબરા: શહેરમાં પોણો ઈંચ વરસાદ પડયો હતો. સુખપુર, વાંકિયા, નવાણિયા, પાનસડા વગેરે ગામોમાં 1થી 2।। ઈંચ વરસાદ થયો છે.
વડિયા: ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી સાંજ સુધીમાં પાંચ ઈંચ વરસાદ પડયો છે.
ડોળાસા: આજે ત્રીજા દિવસે પણ ડોળાસા અને આસપાસનાં ગામોમાં ત્રણેક ઈંચ વરસાદ પડી ગયો હતો. આજના વરસાદથી ખેતરોમાં પાણી ભરાયાં હતાં. નદીઓમાં હજુ પૂર આવ્યા ન હોય તળાવો ખાલી નજરે ચઢે છે.
ઉના: શહેરમાં આજે સવારથી જ શરૂ થયેલા વરસાદમાં સારા પ્રમાણમાં પાણી વરસ્યું હતું અને 4 ઈંચ વરસાદ નોંધાયો હતો.
તાલાલા: શહેરમાં વધુ અઢી ઈંચ અને ગ્રામ્ય વિસ્તારમાં ત્રણ ઈંચ પાણી વરસ્યું હતું. આંબળાશ અને જશાધાર ગીર વિસ્તારમાં 4 કલાકમાં 4થી 5 ઈંચ વરસાદ પડયો હતો. તાલાલાનો મોસમનો સાડા બાર ઈંચ વરસાદ થયો છે. આ વરસાદથી કપીલેશ્વર ડેમમાં 1 ફૂટ પાણી આવતા સપાટી 16 ફૂટ થઈ છે. ભીમદેવળ: સવારે 10થી 5 દરમિયાન પાંચેક ઈંચ વરસાદ પડી જતાં ખેતરોમાં પાણી ભરાઈ ગયાં હતાં.
કોડિનાર: આજે ત્રીજા દિવસે પણ શરૂ રહેલી મેઘસવારીમાં સવારથી સાંજ સુધીમાં વધુ 5 ઈંચ પાણી વરસી ગયું હતું. ગ્રામ્ય વિસ્તારમાં પણ સારો વરસાદ છે.
વેરાવળ: આજે ચોથા દિવસે પણ જિલ્લાના તમામ તાલુકાઓમાં 0।। થી 4।। ઈંચ વરસાદ નોંધાયો છે. સવારે 6થી સાંજના 6 સુધીમાં વેરાવળમાં અડધો, તાલાળામાં અઢી, સૂત્રાપાડામાં દોઢ, કોડિનારમાં 4।। તથા ગીરગઢડામાં 2।। ઈંચ વરસાદ થયો છે.
જૂનાગઢ: ગિરનારના જંગલ ઉપર હેત વરસાવતા 7 ઈંચ વરસાદ સાથે સોરઠમાં પણ ચોમાસાએ અસલી રંગ બતાવતા જૂનાગઢ - ભેસાણ અને વિસાવદરમાં 3 ઈંચ પાણી વરસી ગયું છે. વિલિંગ્ડન અને આણંદપર ડેમમાં 5 ફૂટ નવા નીરની આવક થઈ છે. વંથલીમાં બે ઈંચ અને માણાવદર મેંદરડામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે.
ભેસાણ: શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે ધીમીધારે દિવસ દરમિયાન 3 ઈંચ વરસાદ પડયો હતો.
તળાજા: શહેર અને પંથકમાં આજે બપોરથી શરૂ થયેલા વરસાદમાં 4 ઈંચ પાણી વરસી ગયાનું નોંધાયું છે. પીથલપુર, ઝાંઝમેર, દાઠા, કોટડા, બોરડા, પાદરગઢ, કુંઢેલી સહિતનાં ગામોમાં દોઢેક ઈંચ પાણી વરસી ગયું છે.
મહુવા: બપોરના 3થી 5 સુધીમાં સાંબેલાધારે અઢી ઈંચ વરસાદ પડી જતાં ઠંડક પ્રસરી હતી.
ભાવનગર: જિલ્લામાં આજે અવિરત રહેતી મેઘસવારીમાં ભાવનગર, ગારિયાધાર, ઉમરાળશમાં છૂટોછવાયો 2થી 5 મીમી વરસાદ પડયો હતો. તળાજામાં 4, મહુવામાં 2।। અને જેસરમાં 3 ઈંચ પાણી વરસ્યું હતું.
બોટાદ: ધીમીધારે સતત ચાલુ રહેલાં વરસાદમાં જિલ્લો ભિંજાયો હતો. બરવાડામાં 1 ઈંચ, બોટાદમાં અડધો અને અન્યત્ર ઝાપટાથી 7 મીમી વરસાદ નોંધાયો છે.
વઢવાણ: મેઘરાજાની લાંબા સમયથી રાહ જોઈ રહેલા ઝાલાવાડમાં આજથી ઝરમર સ્વરૂપે મેઘસવારી ચાલુ થઈ હતી. જેમાં વઢવાણમાં અડધો ઈંચ, ચોટીલા, દસાડામાં  4થી 5 મીમી, અન્યત્ર ઝાપટાં વરસ્યાં હતાં.
દીવ: સવારથી જ વરસાદી વાતાવરણ વચ્ચે શરૂ થયેલાં ધીમીધારના વરસાદ બાદ જોરદાર વરસાદ શરૂ થતાં બપોરના બે વાગ્યા સુધીમાં 5 ઈંચ પાણી વરસી ગયું હતું. મુખ્યબજાર, ઝાંપા વિસ્તાર, પદ્મભુષણ ગ્રાઉન્ડ સહિતનાં સ્થળે પાણી ભરાયાં હતાં.
કુતિયાણા: આજે બપોર બાદ અહીં શરૂ થયેલી મેઘસવારીમાં શહેરમાં 1 ઈંચ અને ગ્રામ્ય પંથકમાં 2થી 2।। ઈંચ વરસાદ નોંધાયો છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer