જીએસટીના એક વર્ષ પછી પણ ક્રેડિટ મેળવવામાં ભારે તકલીફ

ઇનવોઇસ મેચિંગ કરવામાં પડતી તકલીફથી વેપારીઓની હાલાકીમાં સતત વધારો
અમદાવાદ, તા.12: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સનું અમલીકરણ તો થઇ ગયું છે પરંતુ હજુ રિટર્ન ભરવા માટે અનેક ઘણા ફોર્મેટ જીએસટી વિભાગ તૈયાર કરીશક્યો નથી પરિણામે વેપારીઓની હાલાકીમાં સતત વધારો થઇ રહ્યો છે.
 જીએસટી નિષ્ણાત અક્ષત વ્યાસ અને નિગમ શાહે જણાવ્યું હતું કે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલે જેસટીએન-2એ ની વ્યવસ્થા કરીને વેચાણ કરનાર તેની વિગતો અપલોડ કરે તેવી વ્યવસ્થા દાખલ કરવામાં આવી છે. આ વ્યવસ્થા પ્રમાણે અપલોડ થયેલા જીએસટીઆર-3ની વિગતો ખરીદનાર જોઇ શકે છે પરંતુ તેમાં કોઇ ક્ષતિ હોય તો વેચનારને કોમ્યુનિકેટ કરવાની કોઇ જ વ્યવસ્થા ન હોવાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ સાચી મેળવી છે કે કેમ તેનો ખ્યાલ આવતો નથી. પરિણામે વેપારીઓ અને વિભાગ મુંઝવણમાં રહે છે.
જીએસટી નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, હાલની સિસ્ટમ પ્રમાણે જીએસટીઆર-1માં વેચાણની અને જીએસટીઆર-3 બી માં ખરીદ અને વેચાણની સમરીની વિગતો આપવામાં આવે છે પરંતુ જીએસટીઆર-2 અને જીએસટીઆર-3 તૈયાર ન થયા હોવાથી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવામાં ખાસ્સી તકલીફ પડી પડી રહી છે.
જીએસટીઆર-3 સરળ બનાવવા માટેનું એક ફોર્મેટ ગુજરાત સેલ્સ ટેક્સ બાર એસોસિએશને તૈયાર કરી આપ્યું છે, આ સરળ રિટર્ન અંગે માર્ચ 2018માં જીએસટી કાઉન્સિલમાં ચર્ચા પણ થઇ હતી પરંતુ આજ સુધી આ બાબતમાં આખરી નિર્ણય લેવાયો નથી.
તેઓએ ઉમેર્યુ હતું કે, જીએસટીઆર-3માં વેચાણના અને ખરીદીની બિઝનેસ ટુ બિઝનેસની યાદી એટલે કે બિલની યાદી એટેચ કરવાની સિસ્ટમ લાવવાની ભલામણ કરેલી છે  તેને પરિણામે ખરીદનાર અને વેચનારની કોઇ ભૂલ કે ગડબડ હોય તો તે આસાનીથી પકડી શકાય છે. આ સિસ્ટમ અંગે જીએસટીએન કાઉન્સિલમાં ચર્ચા થયા પછી તે મંજૂર કરવામાં આવી છે કે નહિ તેનો આજ સુધી ફોડ પાડવામાં આવ્યો નથી.
નિકાસના રિફંડની સમસ્યા આજે પણ બહુ જ મોટી જ છે. નિકાસકારો ફોર્મ 1 એ ભરી રિફંડ માટે ઓનલાઇન અરજી કરે તે પછી દરેક અધિકારીઓ પોતાની સૂઝબૂઝ પ્રમાણે તે ક્લિયર કરવા અલગ અલગ દસ્તાવેજો માગે છે. કેટલાક શિપિંગ બિલ અને બિલ ઓફ લેડિંગ માગે છે તો કેટલાક આ બે દસ્તાવેજો ઉપરાંત પેમેન્ટને લગતા દસ્તાવેજો પણ રજૂ કરવાનો આગ્રહ રાખે છે. આમ સમગ્ર પ્રક્રિયામાં એકસૂત્રતા ન હોવાથી રિફંડ માગવા જનાર સતત અટવાયા જ કરે છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer