વક્રી શનિ-મંગળ વચ્ચે આજે ખંડગ્રાસ સૂર્યગ્રહણ !

ગ્રહણ ભારતમાં નહીં દેખાય: તા.27-28મીએ ખગ્રાસ ચંદ્રગ્રહણ
રાજકોટ, તા.12: ચાલુ વર્ષમાં ત્રણ સૂર્યગ્રહણો અને બે ચંદ્રગ્રહણો દેખાવાના છે. જે પૈકી જેઠ વદ અમાસથી અષાઢ વદ અમાસ વચ્ચે બે સૂર્યગ્રહણ અને એક ચંદ્રગ્રહણ દેખાશે. આ ખંડગ્રાસ સૂર્યગ્રહણની સાથે ગ્રહણોની હેટ્રીક શરૂ થશે. વર્ષો બાદ વક્રી મંગળ અને વક્રી શનિની હાજરીમાં સૂર્યગ્રહણ યોગ થયો છે. કર્ક રાશિમાં થનારું આ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં.
13મી જુલાઈએ થનારા સૂર્યગ્રહણ અંગે વધુ માહિતી આપતાં ભારતીય સ્ટેટ બેન્કના ચીફ મેનેજર અને જયોતિષ શાત્રના અભ્યાસુ કિરીટભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે, 13મી જુલાઈએ થનારું ખંડગ્રાસ સૂર્યગ્રહણ અને અષાઢવદ અમાસને 11મી ઓગસ્ટે થનારૂં ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાના નથી તેથી તેને ધાર્મિક રીતે પાળવાના રહેતા નથી. જ્યારે અષાઢ સુદ પૂર્ણિમાને 27 જુલાઈ અને 28 જુલાઈએ થનારું ખગ્રાસ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું હોવાથી તેને ધાર્મિક રીતે પાળવાનું રહેશે. સામાન્ય રીતે દર વરસે 4 થી 6 ગ્રહણો દેખાય છે. લગભગ સરેરાશ 6 કે 7 વરસે એક જ મહિનામાં ત્રણ ગ્રહણો આવતા હોય છે. પૌરાણિક કથા અનુસાર રાહુ જયારે સૂર્ય કે ચંદ્રને ગ્રસવા આવે ત્યારે રાહુની છાયા સૂર્ય કે ચંદ્ર પર પડવાથી ગ્રહણ થાય છે. આ પૌરાણિક કથાને વૈજ્ઞાનિક સમર્થન પ્રાપ્ત થતું નથી. વિજ્ઞાન અનુસાર જ્યારે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવે ત્યારે સૂર્યગ્રહણ થાય છે અને સૂર્ય-ચંદ્ર અને પૃથ્વી એક લાઈનમાં આવે અને ચંદ્ર પૃથ્વીના પડછાયામાં આવે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. સૂર્યગ્રહણ અમાસને દિવસે તો ચંદ્રગ્રહણ પૂનમના દિવસે થાય છે.
13મી જુલાઈએ થનારું સૂર્યગ્રહણ વરસો બાદ અનેક સંયોગો લઈને આવ્યું છે. ગ્રહણ દરમિયાન શનિ અને મંગળ વક્રી હશે, સૂર્ય શનિનો સાતમ યોગ, સૂર્ય મંગળનો અષ્ટમ યોગ અને ગુરૂ-સૂર્યનો નવપંચમ યોગ હશે. આ યોગો આગામી દિવસોમાં ભારે વરસાદ, ભૂકંપ, ભૂસ્ખલન, પૂર, વાવાઝોડું, રાજકીય ઉથલપાથલ, આગ વગેરે લાવશે. આ ગ્રહણ ઓસ્ટ્રેલિયા, પેસેફિક મહાસાગર અને જ્યાં દેખાશે ત્યાં જોવા મળશે. આ ગ્રહણનો સ્પર્શ ભારતીય સમય મુજબ સવારે 7 કલાકે 17 મિનિટથી તે 9 કલાક 44 મિનિટ સુધી લગભગ અઢી કલાક સુધી રહેશે. ભારતમાં દેખાવાનું નહિં હોવાથી તેને ધાર્મિક રીતે પાળવાનું નથી તેનું સુતક પણ પાળવાનું નથી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer