જામનગર અને બેડીમાં બે વ્યક્તિના અપમૃત્યુ

કજુરડાના પિતા-પુત્ર ઉપર ખૂની હુમલો
જામનગર, તા.12 : ગુલાબનગર પાસે આદિત્ય પાર્કમાં રહેતા  સલીમભાઈ શીંગારનો દોઢ વર્ષનો પુત્ર રાજુ રમતા રમતા પાણીના ખાડામાં ડૂબી જતા તેનું મૃત્યુ નિપજ્યું હતું.
બેડી ગામે રહેતો કાદર ઈકબાલભાઈ જેડા (ઉ.21) મોટર સાઈકલ લઈને સચાણાથી જામનગર આવતો હતો ત્યારે જાંબુડા પાસે મોટર સાઈકલ ઊંધુ વળી જતાં ગંભીર ઈજાથી મૃત્યુ નિપજ્યું હતું.
લાલપુર તાલુકાના મોડપર ગામના પાટિયા પાસે ખંભાળિયા તાલુકાના કજુરડા ગામના રાણાભાઈ હમીરભાઈ વાઘેલા (ઉ.45) તથા તેમના પુત્ર પાલા રાણાભાઈ (ઉ.20) ઉપર કજુરડા ગામના જ માલા ભોજા ખાંભલા, ભોજા કાના, મેકરણ સામત તથા સોમા પાંચા ખાંભલાએ દૂધના કેન વડે તથા લોખંડના પાઈપ, પથ્થર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. ખૂનની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ફરિયાદી રાણાભાઈ તથા ભોજા કાના ખાંભલા વચ્ચે જમીન બાબતે મનદુ:ખ ચાલતું હોય તે અંગે આ હુમલો
થયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer