ક્રોએશિયા ઇતિહાસ સર્જી પહેલીવાર વર્લ્ડ કપના ફાઇનલમાં

ક્રોએશિયા ઇતિહાસ સર્જી પહેલીવાર વર્લ્ડ કપના ફાઇનલમાં
ઇંગ્લેન્ડ સામે 2-1થી ઐતિહાસિક વિજય: રવિવારે ફ્રાંસ સામે ખિતાબી જંગ રમશે : ઇંગ્લેન્ડનું 1966 બાદ ફાઇનલમાં પહોંચવાનું સપનું તૂટયું
મોસ્કો, તા.12: મારિયો માનજુકિચના વધારાના સમયમાં કરેલા ગોલની મદદથી ક્રોએશિયા પહેલીવાર ફીફા વર્લ્ડ કપના ફાઇનલમાં પહોંચ્યું છે. બીજા સેમિ ફાઇનલમાં ક્રોએશિયાએ ઇંગ્લેન્ડને 2-1થી હાર આપીને અપસેટ કર્યોં હતો. હવે તેનો ફાઇનલમાં સામનો રવિવારે 1998ની ચેમ્પિયન ટીમ ફ્રાંસ સામે થશે. જ્યારે પરાજિત ઇંગ્લેન્ડની ટીમ ત્રીજા સ્થાન માટે શનિવારે બેલ્જિયમ સામે રમશે.
ગઇકાલે રમાયેલા બીજા સેમિ ફાઇનલમાં નિર્ધારિત સમયમાં બન્ને ટીમ 1-1ની બરાબરી પર રહી હતી. વધારના સમય દરમિયાન મારિયો માનજુકિચે 109મી મિનિટે ગોલ કરીને 2-1ની નિર્ણાયક સરસાઇ અપાવી હતી અને ક્રોએશિયાને ફૂટબોલ ઇતિહાસમાં પહેલીવાર વિશ્વ કપના ફાઇનલમાં પહોંચાડયું હતું.
મેચની પાંચમી મિનિટે જ કિરેન ટ્રિપિયરની જોરદાર ફ્રી કિકથી ગોલ થયો હતો અને ઇંગ્લેન્ડને શાનદાર શરૂઆત કરીને 1-0ની સરસાઇ મેળવી લીધી હતી. આ પછી બીજા હાફમાં ક્રોએશિયા ત્રાટકયું હતું અને 68મી મિનિટે ડેનિયલ સુબેસિચે ગોલ કરીને સ્કોર 1-1ની બરાબરી પર લાવી દીધો હતો. વિશ્વ કપના સેમિ ફાઈનલમાં 18 મોકા પર ફકત એવું બીજીવાર બન્યું છે કે હાફ ટાઇમ સુધી સરસાઇ મેળવનાર ટીમને હાર સહન કરવી પડી હોય. આ પહેલા 1990ના વર્લ્ડ કપના સેમિ ફાઇનલમાં ઇટાલીની ટીમ સરસાઇ મેળવ્યા બાદ આર્જેન્ટિના સામે હારી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer