ધામા ગામની તરુણીની તેની માતાએ જ હત્યા કરી’તી

ધામા ગામની તરુણીની તેની માતાએ જ હત્યા કરી’તી
અનૈતિક સંબંધમાં આડખીલીરૂપ બનતાં પ્રેમીનો સાથ લઇને હત્યા કરાઇ’તી: જનેતા અને તેના પ્રેમીની ધરપકડ
વઢવાણ, તા. 12: મા તે મા બાકી બધા વગડાના વા જેવી કહેવતને લાંછન લગાડતી  ઘટના પાટડીના ધામા ગામે બની હતી. અનૈતિક સંબંધમાં આડખીલીરૂપ બનતી અને યુવાની તરફ ડગ માંડી રહેલી 17 વર્ષની પુત્રી સોનલ ઉર્ફે કિંજલ ઠાકોરની તેની માતા કંકુબહેન ખોડાભાઇ અને તેના પ્રેમી ઉમંગ લલીતભાઇ ઠક્કરની મદદ લઇને હત્યા કર્યાનું ખુલ્યું છે. તરુણીની માતા અને તેના પ્રેમીની પોલીસે ધરપકડ કરી હતી.
પાટડી તાલુકાના માત્ર ચાર હજારની વસતિ ધરાવતાં ધામા ગામમાંથી ગઇકાલે 17 વર્ષની સોનલ ઉર્ફે કિંજલ ઠાકોર નામની તરુણીની હત્યા કરાયેલી લાશ વેપારી ઉમંગ ઠક્કરના મકાનમાંથી મળી આવી હતી. આ બનાવ અંગે પીએસઆઇ એમ.ડી જાડેજા અને તેની ટીમે તપાસ શરૂ કરી હતી. પ્રથમથી શંકાના દાયરામાં આવેલી મૃતકની માતા કંકુબહેન ખોડાભાઇ ઠાકોરની આકરી પુછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને પુત્રીની હત્યાની કબુલાત આપતા એવું જણાવ્યું હતું કે, ધામા ગામમાં પીપર, ચોકલેટ, બિસ્કીટ વગેરેની દુકાન ધરાવતાં અને કેટરીંગનું કામ કરતાં ઉમંગ ઠક્કરને ત્યાં ખરીદી કરવા જતી હતી અને તેની સાથે રસોઇ કામ કરવા જતી હતી. તેના કારણે તે ઉમંગના પરીચયમાં આવી હતી અને ઉમંગ સાથે પ્રેમ થઇ ગયો હતો. બન્ને વચ્ચે અનૈતિક (આડો સંબંધ) સંબંધ બંધાયો હતો. ઉમંગના ઘરમાં જ તેઓ પ્રણય ફાગ ખેલતા હતાં. આ સમયે પુત્રી સોનલ સાથે હોય ત્યારે તેને ગમે તે બહાનુ બતાવીને બહાર મોકલી આપતા હતાં. આ સંબંધમાં તેની 17 વર્ષની પુત્રી  સોનલ આડખીલીરૂપ બનતી હતી. આથી ગઇકાલે પુત્રીને રૂમમાં બોલાવી હતી અને મારીને પાડી દીધા બાદ તે તેના પર બેસી ગઇ હતી અને મોઢુ દબાવી દીધું હતું. પ્રેમી ઉમંગે છરીના છ જેટલા ઘા તેની નજર સામે પુત્રીના પેટમાં મારી દઇને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ હકિકતના આધારે પોલીસે માતા કંકુ ખોડાભાઇ ઠાકોર અને તેના પ્રેમી ઉમંગ લલીતભાઇ ઠક્કરની ધરપકડ કરી હતી. પોલીસે માત્ર દસ જ કલાકમાં હત્યાનો ભેદ ઉકેલીને પ્રેમી યુગલની ધરપકડ કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer