નવસારીમાં અનરાધાર 10, સોરઠમાં 1 થી 4 ઈંચ વરસાદ

નવસારીમાં અનરાધાર 10, સોરઠમાં 1 થી 4 ઈંચ વરસાદ
મુંબઈ-સુરત  નેશનલ હાઈવે  ઉપર ટ્રાફિક જામ
સુરત રેલવે સ્ટેશનથી મુંબઈ જવા બીજા દિવસે પણ એસટી બસ દોડી
 
સુરત, રાજકોટ, તા. 11 : હવામાન ખાતાની અગાહી મુજબ મેઘરાજાએ દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું હતું. આજે મેઘરાજાએ સુરતનાં બારડોલી અને નવસારી જિલ્લામાં અનરાધાર પાણી વરસાવ્યું હતું. મેઘરાજાએ ગઈકાલ મોડીરાત્રિથી નવસારી અને બારડોલીમાં અનુક્રમે 10 અને સાડા આઠ ઈંચ પાણી વરસાવ્યું હતું. સૌરાષ્ટ્રમાં જોઈએ એવી મેઘસવારી હજી આવી નથી. ગીર સોમનાથ અને સોરઠ પંથકમાં ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. આજે પણ સોરઠ વિસ્તારમાં એક થી ચાર ઈંચ પાણી વરસી જતાં ખેડૂતો અને પ્રજાજનો ખુશખુશાલ થઈ ગયા હતા.
સુરતના અહેવાલ મુજબ, ભારે વરસાદનાં પગલે સુરત-મુંબઈ વચ્ચેનાં નેશનલ હાઈવ પર ટ્રાફિક જામ સર્જાયો હતો. ઠેકઠેકાણે ટ્રકોની લાંબી-લાંબી લાઈનો લાગતો ટ્રાફિકને કંટ્રોલ કરવા માટે પોલીસને દોડવું પડયું હતું. બીજી તરફ મુંબઈનાં નાલાસોપારા પાસે ટ્રેક ધોવાઈ જતાં બીજા દિવસે પણ સુરત-મુંબઈ વચ્ચેનાં ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી. બીજા દિવસે પણ એસટી તંત્રએ સુરત રેલ્વે સ્ટેશનથી વાયા દહાણુ, દહીંસર મુંબઈ તરફ બસ દોડાવી હતી.
બે દિવસથી સુરતથી મુંબઈ જતાં યાત્રીઓ જે તે રેલવે સ્ટેશને ફસાયા છે. સુરત, વાપી, નવસારી, વલસાડ, ઉમરગામ, પારડીથી મુંબઈ તરફ રોજ કામ-ધંધાર્થે અપ-ડાઉન કરતાં લોકો ભારે વરસાદનાં કારણે આજે પણ ફસાયા હતાં. મોટાભાગે લોકોએ ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. પરંતુ, જેઓને ફરજીયાત જવાનું હતું તેઓએ રોડ માર્ગે મુંબઈ તરફ દોટ લગાવી હતી. ભારે વરસાદનાં કારણે વાહનોની રફતાર પર બ્રેક લાગી હોય તેમ મુંબઈ-સુરત નેશનલ હાઈવે પર વાહનોની લાંબી કતાર જોવા મળી હતી.
 નવસારીમાં ભારે વરસાદ પડતાં સવારથી શાળા-કોલેજોમાં રજા આપી દેવાઈ હતી. નવસારીમાં મોડી રાત્રિથી શરૂ થયેલો વરસાદ આજે બીજા દિવસે પણ યથાવત રહેતાં સમગ્ર શહેરમાં કેડ અને ઘૂંટણસમા પાણી ફરી વળ્યા હતાં. નીચાણવાળા વિસ્તારોની દુકાનો અને ઘરોમાં પાણી ઘૂસતાં લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. શહેરમાંથી પસાર થતાં રેલ્વે ગરનાળામાં વરસાદી પાણી ભરાતાં તેને બંધ કરવામાં આવ્યું હતું.
બીજી તરફ બારડોલી મેઘરાજાએ જોરદાર બેટીંગ કરીને સાડા આઠ ઈંચ જેટલું પાણી વરસાવ્યું હતું. વરસાદમાં બારડોલીમાંથી પસાર થતી ખાડીમાં બે યુવકો તણાયા હતાં. જેમાંથી એક યુવકને બચાવદળનાં લોકોએ બચાવી લીધો હતો જ્યારે એક યુવકનું મૃત્યુ નિપજ્યું હતું. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડતાં રેલ્વે યાત્રીઓ ટ્રેન રદ થતાં ભારે મુશ્કેલીમાં મૂકાયા છે. લાંબા અંતરની ટ્રેનનાં ફસાયેલાં પ્રવાસીઓ માટે સ્થાનિક સંસ્થાઓ દ્વારા સુરત, નવસારી, બીલીમોરા, ભેસ્તાન, મરોલી, વાપી, વલસાડ સ્ટેશન પર નાસ્તા અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી.
વલસાડ જિલ્લાની ઓરંગા અને ભૈરવી નદી બન્ને કાંઠે ભયજનક સપાટીએ વહી રહી છે. ત્યારે, સાઈરન વગાડીને લોકોને એલર્ટ કરાયા છે અને એન.ડી.આર.એફ.ની ટીમની તૈનાત કરાઈ છે. બીજીતરફ બારડોલીની મિંઢોળા નદીમાં ડૂબી જવાથી એક બાળકનું મૃત્યુ થયું હતું.
સૌરાષ્ટ્રનું વરસાદી ચિત્ર જોઈએ તો અમરેલી, ભાવનગર પંથકના કેટલાક વિસ્તારો, જૂનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લો એમ આટલા વિસ્તારોમાં ત્રણેક દિવસથી સારો વરસાદ વરસી રહ્યો છે. જ્યારે પોરબંદરના કેટલાક ભાગો ભીંજાયા છે. તો જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ થયો નથી. જામકંડોરણામાં આજે બપોરે 3 વાગ્યે વરસાદ શરૂ થયો હતો અને બે કલાકમાં બે ઈંચ પાણી વરસી ગયું હતું. જામકંડોરણા તાલુકાના સાજડીયાળી, રંગપર, ધોળીધાર, રાયડી, તરવડા સહિતના ગામોમાં પણ સારા વરસાદના વાવડ છે. ડોળાસાના અહેવાલ મુજબ, કોડીનાર તાલુકાના ડોળાસા ગામે ગઈકાલે ત્રણ ઈંચ વરસાદ વરસી ગયા બાદ આજે 1 ઈંચ પાણી વરસી ગયું હતું. ડોળાસામાં મોસમનો કુલ વરસાદ 6 ઈંચ થયો છે.
તાલાલાના અહેવાલ મુજબ, આજે બીજા દિવસે પણ મેઘરાજા વરસ્યા હતા અને દોઢ ઈંચ જેટલો વરસાદ પડી ગયો છે. ગ્રામ્ય વિસ્તારમાં બે ઈંચ જેટલું પાણી વરસી ગયું હતું. જૂનાગઢના અહેવાલ મુજબ, આજે સવારથી મેઘરાજાએ મહેર ઉતારતાં ગીરનારમાં ધોધમાર ત્રણ ઈંચ, વિસાવદરમાં સુપડાધારે ચાર ઈંચ પાણી વરસી જતાં નદીઓમાં પૂર આવ્યા હતા. જ્યારે મેંદરડા અને વંથલીમાં બે, જૂનાગઢ અને ભેંસાણમાં દોઢ ઈંચ, તેમજ કેશોદ, માણાવદરમાં હળવાથી ભારે ઝાપટાં વરસ્યા હતા. ગીરનાર પર્વત પર ગઈકાલે બે ઈંચ વરસાદ વરસી ગયા બાદ આજે વધુ ત્રણ ઈંચ વરસાદ વરસી જતાં બે દિવસમાં ગીરનાર ઉપર પાંચ ઈંચ પાણી પડી ગયું હતું. જૂનાગઢનો દામોદર કૂંડ છલકાઈ ગયો હતો. માળિયા હાટીનાના અહેવાલ મુજબ આખા દિવસમાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. અહીં મેઈન બજારમાં આવેલી મહાદેવ કેમીકલ્સ નામની દુકાનની છત વરસાદના કારણે તૂટી હતી. સદનસીબે દુકાન બંધ હતી ત્યારે છત પડી હતી.
મોટી કુંકાવાવમાં આજે સવારે 11 વાગ્યાથી બપોરે 3:30 વાગ્યા સુધીમાં ધીમી ધારે અઢી ઈંચ વરસાદ વરસી ગયો હતો. આસપાસના અમરાપુર, ભાયાવદર, નાજાપુર સહિતના ગામોમાં પણ સારો એવો વરસાદ વરસી ગયો હતો. ધોરાજીમાં આજે સીઝનનો પ્રથમ વરસાદ વરસ્યો હતો. આજે અડધો ઈંચ પાણી પડી ગયું હતું. અમરેલીના ધારીમાં આજે સવારે 8:30 વાગ્યાથી બપોર સુધીમાં ધીમી ધારે ત્રણ ઈંચ વરસાદ વરસી ગયો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer