તાજમહેલ મુદ્દે કેન્દ્રને સુપ્રીમનો ઠપકો કાં સંરક્ષણ કરો, કાં ધ્વસ્ત કરો

તાજમહેલ મુદ્દે કેન્દ્રને સુપ્રીમનો ઠપકો  કાં સંરક્ષણ કરો, કાં ધ્વસ્ત કરો
ઐતિહાસિક સ્મારકના સંરક્ષણમાં ઉદાસીનતાથી નારાજ : વિસ્તૃત જાણકારી આપવા નિર્દેશ

નવી દિલ્હી, તા. 11 : તાજમહેલના સંરક્ષણ અંગે ઉદાસીન વલણ અપનાવવા બદલ બુધવારે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર તેમજ ઉત્તરપ્રદેશ સરકારને ઠપકો આપ્યો હતો.
સર્વોચ્ચ અદાલતે સખત શબ્દોમાં જણાવ્યું હતું કે, મુગલ- કાળની આ ઐતિહાસિક ઇમારતના સંરક્ષણ માટે કોઇ આશા દેખાતી નથી. તેથી હવે સરકારે તાજમહેલને સંરક્ષણ આપવું જોઈએ અથવા તો તેને ધ્વસ્ત કરી દેવો જોઈએ.
ઉત્તરપ્રદેશ સરકાર તાજના સુરક્ષા અને સંરક્ષણ સંદર્ભે વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવામાં નિષ્ફળ ગઇ છે એ મામલે પણ સુપ્રીમે નારાજગી દર્શાવી હતી. સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને આ મહત્ત્વપૂર્ણ સ્મારકના સંરક્ષણ માટે કેવાં પગલાં લેવાયાં છે અને કયા પ્રકારની કાર્યવાહી જરૂરી છે તે અંગે વિસ્તૃત જાણકારી રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.
ન્યાયમૂર્તિ એમ.બી. લોકુર અને દીપક ગુપ્તાની ખંડપીઠે કહ્યું હતું કે, તાજમહેલના સંરક્ષણ પર સંસદની સ્થાયી સમિતિના અહેવાલ પછી પણ સરકારે કોઇ જ નક્કર પગલાં લીધાં નથી. કેન્દ્ર સરકારે જાણકારી આપી હતી કે તાજમહેલ અને તેની આસપાસના પ્રદૂષણના સ્રોતો જાણવા માટે એક ખાસ સમિતિની રચના કરાઇ છે, જે સંરક્ષણના ઉપાયો સૂચવશે. સુપ્રીમ કોર્ટે આજે જણાવ્યું હતું કે, 31મી જુલાઇથી આ મામલા પર દરરોજ સુનાવણી હાથ ધરવામાં આવશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer