ભારત દુનિયાની છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા

ભારત દુનિયાની છઠ્ઠી મોટી અર્થવ્યવસ્થા
વિશ્વ બેન્કના આંકડાનું તારણ: ફ્રાંસને પાછળ રાખ્યું : એક  દાયકામાં જીડીપી બે ગણો વધ્યો

પેરિસ, તા. 11 : વિકાસની પાંખે ભારતીય અર્થવ્યવસ્થાએ ઊંચી ઉડાન ભરી છે. ફ્રાંસને પાછળ રાખતાં ભારત દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઇ છે, તેવી જાણકારી વિશ્વબેન્કના 2017ના તાજા આંકડામાં
અપાઈ છે.
વર્લ્ડ બેંકના આંકડાઓ અનુસાર વિતેલાં વર્ષના અંતમાં ભારતનું સમગ્ર ઘરેલુ ઉત્પાદન (જીડીપી) 2.597 ટ્રિલિયન ડોલર જ્યારે ફ્રાન્સનો જીડીપી 2.582 ટ્રિલિયન ડોલર હતો.
અનેક ત્રિમાસિક ગાળાઓની મંદી બાદ જુલાઇ-2017થી ભારતની અર્થવ્યવસ્થા ફરી મજબૂત થવા લાગી. ભારતની આબાદી અત્યારે 1 અબજ 66 કરોડ છે અને દુનિયાનો સૌથી વધુ વસતીવાળો દેશ બનવાની દિશામાં અગ્રેસર છે.
બીજી તરફ ફ્રાન્સની વસતી 6 કરોડ 7 લાખ છે. જો કે આંકડા અનુસાર, માથાં દીઠ આવકની દ્રષ્ટિએ ભારત ફ્રાન્સ કરતાં ઘણું પાછળ છે.
નોટબંધી અને જીએસટીના કારણે આવેલી નબળાઇ બાદ વીતેલાં વર્ષે ઉત્પાદન અને ઉપભોકતા ખર્ચમાં આવેલી તેજી ભારતીય અર્થવ્યવસ્થાને ગતિ આપનાર પરિબળ બન્યાં.
એક દાયકામાં ભારતના જીડીપીમાં બમણો વધારો આવ્યો છે. ચીનની ગતિ ધીમી પડી શકે છે, જેનાં પગલે ભારત એશિયાની મુખ્ય આર્થિક તાકાત તરીકે ઉપસી શકે છે.
દરમ્યાન આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળના વર્તારા મુજબ આ વરસે ભારતનો વિકાસ દર 7.4 ટકા રહી શકે છે. વેરા સુધારા અને ઘરેલુ ખર્ચના કારણે 2019માં ભારતનો વિકાસ દર 7.8 ટકા રહી શકે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer