6 રાજ્યોમાં ભારે વરસાદ : 55ના મૃત્યુ

6 રાજ્યોમાં ભારે વરસાદ : 55ના મૃત્યુ
નવી દિલ્હી, તા. 11  : દેશના 6 રાજ્યોમાં અતિભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. ભારે વરસાદના કારણે મહારાષ્ટ્ર, આસામ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મણિપુરમાં ઓછામાં ઓછા 55 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પણ આગામી દિવસોમાં વરસાદથી રાહતની કોઈ સંભાવના દેખાઈ રહી નથી અને મહારાષ્ટ્ર તેમજ આસામમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
છ રાજ્યોમાં ભારે વરસાદથી ખાનાખરાબી સર્જાઇ છે તેવામાં મધ્યપ્રદેશમાં પણ ચોમાસુ સક્રિય થઈ જતા હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જ્યારે મહારાષ્ટ્રમાં વરસાદ 1 જૂનથી 9 જુલાઈ વચ્ચે 62 લોકોના મૃત્યુનું કારણ બન્યો છે.  તેમાં પણ માત્ર જુલાઈ મહિનામાં  જ 14 લોકોએ જીવ ગુમાવ્યા છે. મુંબઈમાં ઋતુના સૌથી ભારે વરસાદ દરમિયાન વાહનવ્યવહાર અને રેલ સેવાને અસર પહોંચી હતી. જો કે થોડો સમય માટે વરસાદ ધીમો થતા લોકોએ રાહતનો શ્વાસ ખેંચ્યો હતો. ઉત્તરાખંડમાં પણ વરસાદે તરાજી સર્જતા 7 લોકો મૃત્યુ પામ્યા હતા. જેમાં દહેરાદુનમાં મકાન ધસી પડતા એક જ પરિવારના ચાર સભ્યો કાળનો કોળીયો બન્યા હતા. સતત વરસી રહેલા વરસાદના કારણે ઉત્તરાખંડમાં શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી હતી.
 મણિપુરમાં અલગ અલગ ત્રણ સ્થળોએ ભૂસ્ખલનના બનાવમાં 9 લોકોના મૃત્યુના અહેવાલ છે. આવી જ રીતે આસામ અને ગુજરાતના ઘણા સ્થળોએ મેઘરાજાના રોદ્ર સ્વરૂપે જનજીવન પ્રભાવિત કર્યું હતું. પશ્ચિમ બંગાળમાં પણ ગાજવીજ સાથે થઈ રહેલા વરસાદથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વરસાદગ્રસ્ત મોટાભાગના રાજ્યોમાં નદીઓ ભયજનક સપાટીએ પહોંચી છે. તો અમુક નદીઓમાં ઘોડાપુર આવ્યા હોવાથી રાજ્ય સરકારોએ બચાવ કાર્યવાહી માટે કવાયત શરૂ કરી છે. તેમજ ઘણા સ્થળોએ સાવચેતીના ભાગરૂપે બચાવ દળોને તૈયાર રાખવામાં આવ્યા છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer