ફ્રાંસ વર્લ્ડ કપમાં ત્રીજીવાર ફાઇનલમાં

ફ્રાંસ વર્લ્ડ કપમાં ત્રીજીવાર ફાઇનલમાં
સેમિ ફાઇનલમાં બેલ્જિયમ સામે 1-0થી યાદગાર વિજય

સેંટ પીટસબર્ગ, તા.11: ડિફેન્ડર સેમુઅલ ઉમટિટીના શાનદાર ગોલની મદદથી ફ્રાંસ રોમાંચક સેમિ ફાઇનલમાં બેલ્જિયમને 1-0થી હરાવીને ફીફા વર્લ્ડ કપ-2018ના ફાઇનલમાં પહોંચી ગયું છે. મેચનો એકમાત્ર ગોલ ઉમટિટીએ હેડરથી પ1મી મિનિટે કર્યો હતો. આ સાથે ફ્રાંસની ટીમ ત્રીજીવાર ફાઇનલમાં જગ્યા બનાવવામાં સફળ રહી છે. ફ્રાંસ તેના યજમાન પદ હેઠળના વર્લ્ડ કપમાં 1998માં ફાઇનલમાં બ્રાઝિલને હરાવીને ચેમ્પિયન થયું હતું. જ્યારે 2006ના વર્લ્ડ કપ વખતને તેની ઇટાલી સામે પેનલ્ટી શૂટઆઉટમાં હાર થઇ હતી. બીજા સેમિની ટીમ ઇંગ્લેન્ડ - ક્રોએશિયા વચ્ચે જે વિજેતા બનશે તેની સામે ફ્રાંસ રવિવારે ફાઇનલ રમશે.
બેલ્જિયમ વિરુદ્ધ વિશ્વ કપમાં ફ્રાંસની ત્રણ મેચમાં આ ત્રીજી જીત છે. આ પહેલા ફ્રાંસે 1938ના વર્લ્ડ કપ વખતે ગ્રુપ સ્ટેજમાં બેલ્જિયમને 3-1થી અને 1986ના વર્લ્ડ કપમાં ત્રીજા રાઉન્ડના પ્લે ઓફ મેચમાં 4-2થી હાર આપી હતી. ગઇકાલની હારથી બેલ્જિયમનું સતત 24 મેચથી ચાલ્યું આવતું વિજય અભિયાન પણ થંભી ગયું હતું. આ દરમિયાન તેણે 78 ગોલ કર્યા હતા પણ વિશ્વ કપના સેમિ ફાઇનલમાં બેલ્જિયમ એક પણ ગોલ કરી શક્યું ન હતું. જો કે બેલ્જિયમની ટીમ વિશ્વ કપમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શન સાથે વિદાય થઇ છે. બેલ્જિયમ તેના પ્રદર્શનથી ચાહકોના દિલ જીતવામાં સફળ રહી છે.
સેમિમાં બેલ્જિયમની ટીમે ડાબા છેડેથી એઁડન હેઝાર્ડના કેટલાક સારા મૂવ બનાવ્યા હતા પણ જમણા છેડા પર રોમેલુ લુકાકુની નિષ્ફળતા ભારે પડી હતી. બીજી તરફ ફ્રાંસના અનુભવી સ્ટ્રાઇકર ઓલિવર ગિરોડ પણ સારા મૂવને ફિનિશ કરવામાં નિષ્ફળ રહ્યો હતો પણ મેચની પ1મી મિનિટે કોર્નરની મદદથી ઉમટિટીએ હેડરથી ગોલ કરીને ફ્રાંસની જીતનો પાયો નાંખ્યો હતો.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer