ક્રોએશિયાનો નાઇજીરિયા સામે 2-0થી શાનદાર વિજય

ક્રોએશિયાનો નાઇજીરિયા સામે 2-0થી શાનદાર વિજય
પેરૂનો ડેનમાર્ક સામે 0-1થી આંચકારૂપ પરાજય: સ્ટાર પોલસન પેનલ્ટી ચૂકયો

સેંટ પીટસબર્ગ/સરાન્સ્ક તા.17: ફૂટબોલ વર્લ્ડ કપના ગઇકાલે રાત્રે રમાયેલા બે મેચમાં ગ્રુપ-ડીમાં ક્રોએશિયાનો નાઇજીરિયા સામે 2-0થી શાનદાર વિજય થયો હતો. જયારે ગ્રુપ સીના મેચમાં ડેનમાર્કનો પેરૂ સામે 1-0થી વિજય નોંધાયો હતો.
ગ્રુપ ડીના મેચમાં ક્રોએશિયા તરફથી મેચની 32મી મિનિટે મેંડજુકિકે તેને મળેલા શાનદાર ક્રોસ પાસથી ગોલ કરીને તેની ટીમને 1-0થી આગળ કરી હતી. ક્રોએશિયા તરફથી બીજો ગોલ 71મી મિનિટે લૂકા મોડરિકે કર્યોં હતો. તેણે પેનલ્ટીનો ફાયદો ઉઠાવીને આ ગોલ કર્યોં હતો. આ મેચ દરમિયાન નાઇજીરિયાને ગોલ કરવાના ઘણા મોકા મળ્યા હતા, પણ તેના ખેલાડીઓ ગોલ કરવામાં સફળ રહ્યા ન હતા.
બીજા મેચમાં લેટિન અમેરિકી ટીમ પેરૂને ડેનમાર્ક સામે 0-1થી આંચકારૂપ હાર મળી હતી. ગ્રુપ સીના આ મેચમાં પેરૂનો સ્ટાર સ્ટ્રાઇકર યૂરારી પોલસન પેનલ્ટીથી ગોલ કરવાનું ચૂકી ગયો હતો. આથી અંતમાં પેરૂને 0-1થી હાર સહન કરવી પડી હતી. ડેનમાર્ક તરફથી તેના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયન એરિકસને ગોલ કર્યોં હતો. બન્ને ટીમ 2016થી 1પ મેચથી અજેય હતી. ડેનમાર્કે આ સફર ચાલુ રાખી છે. જયારે પેરૂની સફર થંભી છે. ડેનમાર્કની ટીમ હવે 21મી ઓસ્ટ્રેલિયા સામે અને પેરૂ ફ્રાંસ સામે ટકરાશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer