10% વિકાસ દર હાંસલ કરવાનો પડકાર: મોદી

10% વિકાસ દર હાંસલ કરવાનો પડકાર: મોદી
નવી દિલ્હી, તા. 17: દિલ્હીમાં નીતિ આયોગની મહત્ત્વની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ દેશભરના મુખ્યમંત્રીઓ હાજર રહ્યા હતા. બેઠકમાં નોટબંધી, જીએસટી, અર્થવ્યવસ્થા સહિતની બાબતોની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. મોદીએ બેઠક દરમિયાન કહ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થા સામે હવે વિકાસ દરને 10 ટકા સુધી પહોંચાડવાનો પડકાર છે. આ પડકાર માટે વધુ મહત્ત્વના નિર્ણયો લેવાની જરૂર ઉભી થશે. બેઠકના શરૂઆતી સંબોધનમાં મોદીએ વન નેશન વન ટેક્સને સાકાર કરવા માટે જીએસટી લાગુ કરાવવામાં રાજ્યોની ભૂમિકાની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત દેશના વિકાસ માટે સહકારી સંઘવાદનો ઉલ્લેખ કર્યો હતો. એકસાથે ચૂંટણીના મુદ્દે પણ વ્યાપક ચર્ચાની વાત મોદીએ પોતાના સંબોધનમાં કરી હતી.
રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં નીતિ આયોગની સંચાલન પરિષદની ચોથી બેઠકના ઉદ્ઘાટન સત્રને સંબોધન દરમિયાન વડાપ્રધાને પોતાના એજન્ડામાં ન્યૂ ઇન્ડિયાના સપનાની પણ વાત કરી હતી. આ ઉપરાંત ખેડૂતોની આવક બમણી કરવી, અવિકસિત જિલ્લાનો વિકાસ, આયુષ્માન ભારત, મિશન ઈન્દ્રધનુષ, પોષણ મિશન અને મહાત્મા ગાંધીની 150મી જયંતીનો ઉલ્લેખ કર્યો હતો. એકસાથે ચૂંટણી મામલે મોદીએ કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી અને વિધાનસભાઓની ચૂંટણી એકસાથે કરવા માટે વ્યાપક ચર્ચા થવી જોઈએ. આ વ્યવસ્થાથી આર્થિક બચત થશે અને સંસાધનોનો પણ અસરકારક રીતે ઉપયોગ થઈ શકશે. બેઠકમાં મુખ્યમંત્રી અને અન્ય પ્રતિનિધિઓનું સ્વાગત કરતા મોદીએ કહ્યું હતું કે, સંચાલન પરિષદનું મંચ ઐતિહાસિક બદલાવ લાવી શકે છે. મોદીએ પૂરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓને બની શકે તેટલી તમામ મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, નીતિ આયોગે રાજકાજથી જોડાયેલા તમામ મુદ્દાને ટીમ ઇન્ડિયાના રૂપમાં સહયોગપૂર્ણ, પ્રતિસ્પર્ધાપૂર્ણ અને સંઘવાદની ભાવના સાથે ઉઠાવ્યા છે. જીએસટીનું અમલીકરણ પણ ટીમ ઇન્ડિયાની ભાવનાનું જ એક ઉદાહરણ છે.
રાજ્યોના મુખ્યમંત્રીએ ઉપ સમૂહો, સમિતિઓમાં પોતાના કાર્યો મારફતે સ્વચ્છ ભારત મિશન, ડિજિટલ લેણદેણ અને કૌશલ્ય વિકાસ જેવા મુદ્દે નીતિઓ બનાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ સાથે મોદીએ આયુષ્માન ભારત કાર્યક્રમ, મુદ્રા યોજના, જનધન યોજના સહિતની યોજનાઓની પણ વાત કરી હતી. નીતિ આયોગના અમિતાભ કાંતે ટ્વિટ કરીને કહ્યું હતું કે, પીએમએ પોતાના સંબોધનમાં સ્વાસ્થ્ય, શિક્ષા અને કૃષિ ઉપરાંત વિકાસ ઈચ્છતા જિલ્લાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, બરાબરી સાથે સૌ કોઈના વિકાસ માટે સાથે મળીને કામગીરી કરવી જરૂરી છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer