સહકારી સંઘવાદનું કેન્દ્ર પાલન કરે: વિપક્ષ

સહકારી સંઘવાદનું કેન્દ્ર પાલન કરે: વિપક્ષ
કેજરીવાલ-ઉપરાજ્યપાલ વિવાદ મુદ્દે ચાર મુખ્યમંત્રીની મોદીને રજૂઆત : રાજ્યની બાબતમાં કેન્દ્રએ દખલ કરવી જોઈએ નહીં 

નવી દિલ્હી, તા. 17 : નીતિ આયોગની બેઠકમાં આજે દિલ્હી સરકાર અને ઉપરાજ્યપાલ વચ્ચે ઘર્ષણ મુદ્દે વિપક્ષની એકતા જોવા મળી હતી. જેમાં 4 બિનભાજપ શાસિત રાજ્યો દ્વારા કેન્દ્ર સહકારી સંઘવાદનું પાલન કરે તેવાં આગ્રહ સાથે રાજ્યોની બાબતમાં કેન્દ્રના અનાવશ્યક હસ્તક્ષેપ ન થાય તેવી જરૂરીયાત દર્શાવવામાં આવી હતી.  બિનભાજપ શાસિત ચાર રાજ્યોના મુખ્યમંત્રીએ દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચેના વિવાદનો મુદ્દો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ ઉઠાવીને તેનું નિરાકરણ લાવવાની અપીલ કરી હતી. નીતિ  આયોગની બેઠકમાં ભાગ લેવા માટે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડૂ, પશ્ચિમ બંગાળના મમતા બેનરજી, કર્ણાટકના એચ.ડી. કુમારસ્વામી અને કેરળના મુખ્યમંત્રી પીનારઈ વિજયને વડાપ્રધાન મોદી સાથે અલગથી મુલાકાત કરીને કેજરીવાલ અને દિલ્હીના ઉપરાજ્યપાલના વિવાદ મામલે વાતચીત કરી હતી.
મમતા બેનરજીએ ટ્વીટર મારફતે જાણકારી આપતા કહ્યું હતું કે, તેઓએ શનિવારના રોજ એક સંવાદદાતા સંમેલનમાં પણ દિલ્હીમાં ચાલી રહેલા વિવાદનો મુદ્દો ઉઠાવ્યો હતો. મમતા બેનરજીએ કહ્યું હતું કે, તેઓએ કેજરીવાલને મળવા માટે ઉપરાજ્યપાલની મંજૂરી માગી હતી. જો કે મંજૂરી આપવાનો ઈનકાર કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં જે સંકટ છે તે બીજા રાજ્યમાં પણ ઉભુ થઈ શકે છે. જો દિલ્હીમાં નાનો એવો વિવાદ દુર ન થઈ શકે તો દેશનું શું થશે. હકીકતમાં એવી કોઈપણ સમસ્યા ઉભી ન થવી જોઈએ જેનાથી લોકોને મુશ્કેલી ભોગવવી પડે. દિલ્હીમાં બે કરોડ લોકો રહે છે અને છેલ્લા ચાર મહિનાથી કામકાજ થઈ રહ્યું નથી. બીજી તરફ પૂર્વ મુખ્યમંત્રી શિલા દિક્ષિત અને દિલ્હી કોંગ્રેસના અધ્યક્ષ અજય માકને કેજરીવાલ સામે નિશાન તાકતા કહ્યું હતું કે, તેઓના શાસનમાં આવી કોઈપણ સમસ્યા ઉદ્ભવી નહોતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer