PM આવાસ તરફ આપની કૂચ અટકાવાઈ

PM આવાસ તરફ આપની કૂચ અટકાવાઈ
નવી દિલ્હી, તા. 17 : દિલ્હીમાં ઉપરાજ્યપાલ અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વચ્ચેનો વિવાદ વકરી રહ્યો છે. જેમાં આમ આદમી પાર્ટીએ ઉપરાજ્યપાલને બદલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાને લેવાની રણનીતિ હેઠળ મંડી હાઉસથી પીએમ આવાસ સુધીની રેલી કરી હતી. જો કે પોલીસે રેલીને સંસદ માર્ગ ઉપર જ રોકી લીધી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને દિલ્હીને પૂર્ણ રાજ્યની માગ તેમજ સરકારી કામગીરી ફરી શરૂ કરાવવાની માગણી કરી હતી. બીજી તરફ દિલ્હીના અધિકારીઓની હડતાલ અને અસહયોગના મુખ્યમંત્રી કેજરીવાલના આક્ષેપોનું ખંડન કરતા આઈએએસ એસોશિએશને કહ્યું હતું કે, તેઓ હડતાલ ઉપર નથી અને રજાઓના દિવસોમાં પણ કામ કરી રહ્યા છે. પરંતુ રાજનીતિક કારણોથી તેમને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે.
આ અગાઉ આમ આદમી પાર્ટીએ પોતાના ટ્વીટર હેન્ડલ ઉપર કેન્દ્ર સામે આર-પારની લડાઈનું એલાન કરતા લખ્યું હતું કે, હવે વિનંતી નહી પણ જંગ થશે. આ સાથે જ મંડી હાઉસથી પીએમ આવાસ સુધીની રેલી શરૂ કરવામાં આવી હતી. આપને રેલીની મંજૂરી મળી ન હોવાથી રેલીના માર્ગે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે આપે આરોપ મુક્યો હતો કે, રેલીને રોકવા માટે પોલીસે આડશો મુકી હતી પણ તેઓ કાર્યકર્તાઓને રોકી શક્યા નહોતા. પોલીસે રેલીના કારણે પીએમ આવાસ નજીકના 5 મેટ્રો સ્ટેશન બંધ કર્યા હતા. આપની રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સમર્થકો જોડાયા હતા. જેઓએ દિલ્હીને પૂર્ણ રાજ્યની માગ સહિતના પ્રશ્નોના પોસ્ટરો દર્શાવીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બીજી તરફ ભાજપે આપના આંદોલનનો વિરોધ કરતા કહ્યું હતું કે, મોદી વિરોધી દળોને એક કરવા માટે કેજરીવાલ સરકાર નાટકો કરી રહી છે.
કેજરીવાલના અધિકારીઓના અસહયોગ અને હડતાલ મામલે આક્ષેપો બાદ આજે આઈએએસ એસોશિએશને તાકીદે પત્રકાર પરિષદ બોલાવી હતી. જેમાં કેજરીવાલ સરકાર ઉપર આક્ષેપો કરતા કહ્યું હતું કે, ચીફ સેક્રેટરી ઉપર હુમલા બાદ અધિકારીઓમાં ડર છવાયો છે. તેમ છતા તમામ અધિકારીઓ પોતાની જવાબદારી સંભાળી રહ્યા છે અને હડતાલ જેવું કંઈ નથી. વધુમાં રજાઓના દિવસે પણ અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે. આ સાથે એમ પણ કહ્યું હતું કે, પત્રકાર પરિષદ બોલાવીને આઈએએસ એસોશિએશને પોતાની વાત રજૂ કરવાની ફરજ પડે તે સ્થિતિ અસામાન્ય છે. તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી અને સરકારી કામગીરી નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે. આઈએએસ એસો.એ એમ પણ કહ્યું હતું કે, કેજરીવાલ દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપો પાયાવિહોણા છે તેઓએ અધિકારીઓને પોતાનું કામ કરવા દેવું જોઈએ. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer