કાશ્મીરમાં શસ્ત્રવિરામ ઉપર પૂર્ણવિરામ

કાશ્મીરમાં શસ્ત્રવિરામ ઉપર પૂર્ણવિરામ
નવી  દિલ્હી, તા. 17 : કાશ્મીરમાં અખબારના સંપાદક શુજાત બુખારી અને સેનાના જવાન ઔરંગઝેબ ખાનની હત્યાના બનાવ બાદ આખરે ભારત સરકારે કાશ્મીરમાંથી શસ્ત્રવિરામ ભંગ હટાવવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે શસ્ત્રવિરામ હટાવવાની ઘોષણા કરવાની સાથે જ આતંકીઓ સામેના ઓપરેશન અગાઉની જેમ જ ચાલુ કરવાનો આદેશ આપ્યો છે. ભારત સરકારે રમઝાન મહિનામાં શાંતિ માટે શસ્ત્રવિરામનો નિર્ણય કર્યો હતો. જો કે આ સમયમાં આતંકી હુમલાની સંખ્યામાં વધારો થયો હતો. જો કે હવે ફરીથી મિશન ઓલઆઉટને શરૂ કરીને આતંકીઓના ખાત્માની કાર્યવાહી શરૂ કરવામાં આવશે.
કાશ્મીરમાં સેનાના જવાન અને અખબારના સંપાદકની હત્યાના બનાવ બાદ એકતરફી શસ્ત્રવિરામની ભારે ટીકા કરવામાં આવી રહી હતી અને સરકાર ઉપર આતંકવાદ સામે કાર્યવાહીનું દબાણ પણ ઉભું થયું હતું. આ મામલે ઈદ બાદ ગૃહમંત્રી રાજનાથ સિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે મહત્ત્વની બેઠક મળી હતી. જેમાં શસ્ત્રવિરામ ઉઠાવી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું હતું કે, રમઝાન દરમિયાન શસ્ત્રવિરામના નિર્ણયની દેશભરમાં પ્રશંસા કરવામાં આવી હતી. ગૃહમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, મુસ્લિમ ભાઈઓ અને બહેનો  શાંતિપૂર્વક રીતે રમઝાન મહિનો ઉજવી  શકે તે માટે સુરક્ષા દળોએ જે રીતે સરકારના નિર્ણયની અમલવારી કરી તે પણ સરાહનીય છે. શસ્ત્રવિરામનો નિર્ણય સામાન્ય લોકો માટે રાહતજનક હતો. જો કે આતંકવાદીઓએ પોતાના હુમલા યથાવત રાખ્યા હતા. જેના કારણે મૃત્યુ અને ઈજાના બનાવો બન્યા હતા. હવે સુરક્ષા દળોને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, આતંકીઓના હુમલા, હિંસા અને હત્યારાઓને રોકવા માટે જરૂર કાર્યવાહી કરવામાં આવે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer