ગાંધીનગરના પારસા ગામે દલિત યુવકને ઘોડી પર વરઘોડો કાઢતા અટકાવાયો!

ગાંધીનગરના પારસા ગામે દલિત યુવકને ઘોડી પર વરઘોડો કાઢતા અટકાવાયો!
પોલીસ રક્ષણ હેઠળ વરઘોડો કઢાયો !

(ફૂલછાબ ન્યૂઝ) અમદાવાદ, તા.17: ગુજરાતમાં દલિતો પર અત્યાચારની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે. ગાંધીનગર જિલ્લાના માણસાના પારસા ગામમાં દલિત યુવકને ઘોડી પર ચઢતો રોકવામાં આવ્યો હતો અને દલિત ઘોડી પર ન ચઢી શકે એવી ધમકી દરબાર સમાજના લોકો દ્વારા આપવામાં આવી હતી. આખરે પોલીસ રક્ષણ હેઠળ ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પારસા ગામે આજે રવિવારે બપોરના સમયે દલિત પરિવારમાં લગ્ન હતા અને  બહારગામથી જાન આવી હતી. ગામમાં જાન અને જાનૈયા લકઝરી બસ અને કાર લઇને આવ્યા હતા. સાથોસાથ ઘોડી પણ વરઘોડો કાઢવા માટે લાવ્યા હતા. જાનમાં અને લગ્નમાં આવેલા લોકો જ્યારે વરઘોડો કાઢવાની તૈયારીમાં હતા તે સમયે દરબાર સમાજના લોકોએ ઘોડીવાળાને ધમકી આપી હતી કે જો તું ઘોડી લઇને પાછો નહીં જતો રહે તો તલવારથી ઘોડીના પગ કાપી નાખીશું. દલિત યુવકને પણ અપમાનિત કરીને ઘોડી પરથી નીચે ઉતારી દેવામાં આવ્યો હતો. જ્યારે આ મુદ્દો વકરતા, જાનમાં આવેલ એક વ્યક્તિએ માણસા પોલીસ સ્ટેશને પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી દીધી હતી અને પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. આખરે ગામના સરપંચની દરમિયાનગીરી બાદ પોલીસ રક્ષણ હેઠળ ગામમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો.
દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ આ મુદ્દે ટિવટ કરીને સરકાર પર સીધું નિશાન તાક્યું હતું કે, ગઇકાલે ગુજરાતના ડીજીપીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, ગુજરાતમાં દલિતો સુરક્ષિત છે અને આજે સમાચાર મળી રહ્યા છે કે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના પારસા ગામે દલિત સમાજના વરરાજાને ઘોડી પરથી ઉતારી અપમાનિત કરવામાં આવી રહ્યા છે. નક્કી આ સરકારનું કોઇ ષડયંત્ર લાગી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ મહેસાણા વિઠ્ઠલાપુરમાં મોજડી પહેરવાને લઇને એક દલિત યુવક સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેનો વીડિયો બનાવીને  વાયરલ કરી દેવામાં આવ્યો હતો.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer