‘તો નીતિશનો સાથ લેવા પર વિચાર’

‘તો નીતિશનો સાથ લેવા પર વિચાર’
નવી દિલ્હી, તા. 17 : 2019 લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બિહારમાં એનડીએમાં ચાલી રહેલી ઊથલપાથલની વચ્ચે વિપક્ષ કોંગ્રેસે કહ્યું કે, જો બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર ભાજપનો સાથ?છોડવાનો નિર્ણય લે તો તેને મહાજોડાણમાં પાછા લાવવા માટે તે સહયોગી દળોની સાથે વિચાર કરશે.
કોંગ્રેસનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે હાલના દિવસોમાં આગામી લોકસભા ચૂંટણીમાં બેઠકોની ગોઠવણીના સંદર્ભમાં જદ (યુ) અને ભાજપની વચ્ચે કેટલાક વિરોધાભાસી નિવેદન આવ્યા છે, જેનાથી એવી અટકળો લગાડવામાં આવી રહી છે કે, બંને પક્ષોની વચ્ચે બધું ઠીકઠાક નથી ચાલી રહ્યું. નીતીશકુમારના પક્ષ જદ (યુ)એ કહ્યું છે કે, તે રાજ્યની 40 લોકસભા બેઠકોમાંથી 25 પર ચૂંટણી લડશે અને બાકી 15 બેઠકો ભાજપ માટે છોડી દેશે. જો કે, જદ (યુ)એ આ અંદાજમાં એનડીએ સહિત અન્ય સહયોગીઓ રામવિલાસ પાસવાનની લો.જ.પા. તથા ઉપેન્દ્ર કુશવાહાની સ.લો.સ.પા.ને સામેલ નથી કરી.
આરએલએસપીના કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાને ખૂબ નારાજ ગણાવાઇ રહ્યા છે. તેઓ 7મી જૂનના પટણામાં એનડીએની ડિનર ડિપ્લોમસીના નામે આયોજિત રાત્રિ ભોજનમાં પણ સામેલ નહોતા થયા. કોંગ્રેસના બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલે રામવિલાસ પાસવાન અને ઉપેન્દ્ર કુશવાહાનો ઉલ્લેખ કરતાં એવો પણ દાવો કર્યો કે, બિહારમાં એવી સામાન્ય ધારણા બની ચૂકી છે કે નરેન્દ્ર મોદી સરકાર ‘પછાત અને અતિપછાત વર્ગોની સામે છે’ એવામાં પછાત અને અતિપછાતનું રાજકારણ કરવાવાળાની પાસે ભાજપનો સાથ છોડવા સિવાય કોઇ?બીજો વિકલ્પ નથી.’

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer