સૌરાષ્ટ્રમાં હત્યાના બે બનાવ

સૌરાષ્ટ્રમાં હત્યાના બે બનાવ
મોરબીમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવાનનું ખૂન: રાણપુરમાં લાકડીથી ઠોંસા મારી પ્રૌઢને પતાવી દેવાયા

મોરબી/બોટાદ, તા. 17: સૌરાષ્ટ્રમાં હત્યાના બે બનાવ બન્યા હતાં. મોરબીમાં તીક્ષ્ણ હથિયારના ઘા મારીને યુવાનનું ખૂન કરાયું હતું. તો લઘુશંકા અંગેના ડખ્ખામાં રાણપુરમાં પ્રૌઢની લાકડી અને ઠોંસા મારીને પતાવી દેવાયા હતાં.
મોરબીમાં સામાકાંઠે શોભેશ્વર રોડ પર યોગીનગર સોસાયટીમાં અંદાજે પચીસેક વર્ષના એક યુવાનની લોહીથી ખરડાયેલી લાશ મળી આવી હતી. યોગીનગર સોસાયટીમાં સવારે ગુલાભાઇની ઓરડીથી થોડે દૂર  અંદાજે પચીસેક વર્ષના એક યુવાનની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસ વડા જયપાલસિંહ રાઠોડ, ડીવાયએસપી ચૌધરી, પીઆઇ ઝાલા સહિતનો કાફલો બનાવ સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે લાશનો કબજો લઇને તપાસ કરતા યુવાનના પેટ અને વાંસા સહિતના શરીર પર તિક્ષ્ણ હથિયારના સાતેક ઘા મારીને હત્યા કરાયાનું ખુલ્યું હતું તેમજ તેના હાથ પર મહેશ અને એમ ત્રોફાવેલ હોવાથી હિન્દુ યુવાન હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ગુલાભાઇના હવાલાવાળી ઓરડીમાં લોહીના નિશાન મળી આવ્યા હતાં.  તેના પરથી ઓરડીમાં હત્યા કરીને લાશને 100 ફૂટ દૂર ફેંકી દેવામાં આવ્યાનું અનુમાન કરવામાં આવ્યું હતું. હાલમાં મૃતક યુવાનની ઓળખ મેળવવા પ્રયાસ ચાલી રહ્યા છે. ઓળખ મળ્યા બાદ હત્યા પાછળનો હેતુ અને હત્યારાની જાણકારી મળશે તેમ જણાવાય છે. આ બનાવ અંગે યોગીનગરમાં રહેતાં ત્રાજપરના પૂર્વ સરપંચ અશોકભાઇ વરાણિયાની ફરિયાદ પરથી અજાણ્યા શખસો સામે અજાણ્યા યુવાનની હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
રાણપુરની ઘટના:  ખૂનનો બીજો બનાવ બોટાદ જિલ્લાના રાણપુર ગામે બન્યો હતો. લઘુશંકા કરવા અંગેના ડખ્ખામાં ગગજીભાઇ સોંડાભાઇ ઓળકિયામીર નામના ભરવાડ પ્રૌઢની હત્યા થઇ હતી. જયારે તેના પુત્ર હરેશ પર તલવારથી હુમલો કરાયો હતો.
મૃતક ગગજીભાઇનો માલઢોર ચરાવવાનું કામ કરતા મંદબુધ્ધિના ભાઇ વાલાભાઇએ  મદની સોસાયટીમાં  આમીનભાઇના ઘરની દિવાલ પાસે લઘુશંકા કરી હતી. આથી આમીનભાઇએ તેને માર માર્યો હતો. આ અંગે મૃતક ગગજીભાઇ, તેનો પુત્ર હરેશ, પિતરાઇ ભાઇ ગોપાલ અને કાકા અરજણભાઇ સોંડાભાઇ, જાગાભાઇ વગેરે બાઇક પર શીરીહોટલ અને મીલવાળા આમીન ભાઇજીભાઇને ઠપકો આપવા માટે એસ્સાર પેટ્રોલ પંપે ગયા હતાં. ત્યાંથી ફોન કરતાં આમીનભાઇએ સામે મીલે છું તેવું જણાવતાં  મીલમાં ગયા હતાં ત્યાં આમીનભાઇ, કોમીલભાઇ હાજર હતાં. ગગજીભાઇએ  મારા ભાઇ વાલાને મગજ નથી છતાં માર માર્યો તે બરોબર  ન કહેવાય તેવી વાત કરી હતી. આથી ઉશ્કેરાયેલા આમીનભાઇ અને કોમીલભાઇએ લાકડી, ધોકા કાઢીને ગગજીભાઇ પર હુમલો કર્યો હતો તેમજ પેટમાં ઠોંસા માર્યા હતાં અને બધાને મીલની બહાર કાઢી મૂકયા હતાં. આ સમયે શીરી હોટલમાંથી કરણ બરવાળાવાળો તલવાર લઇને આવ્યો હતો અને હરેશ પર હુમલો કરીને હાથમાં ઇજા કરી હતી. આ બનાવમાં ઘવાયેલા ગગજીભાઇ અને તેના પુત્ર હરેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. બાદમાં પ્રૌઢ ગગજીભાઇની તબિયત લથડતાં વધુ સારવાર માટે બોટાદ લઇ જવામાં આવતા હતાં ત્યારે રસ્તામાં તેમનું મૃત્યુ નિપજતાં બનાવ ખૂનમાં પરિણમ્યો હતો. લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. એક તબક્કે ખૂનનો ગુનો દાખલ કરવામાં ન આવે અને આરોપીઓની ધરપકડ ન થાય ત્યાં સુધી લાશનો સ્વીકાર કરવાનો ઇન્કાર કરી દેવાયો હતો. એસ.પી., ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો રાણપુર પહોંચી ગયો હતો. બાદમાં સમજાવટના અંતે મૃતદેહનો સ્વીકાર કરાયો હતો. આ અંગે ભરવાડ હરેશ ગગજીભાઇ ઓળકિયામીરની ફરિયાદ પરથી આમીન ભાઇજીભાઇ, કોમીલ અને કરણ બરવાળા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer