ભાઈએ ભાઈના પરિવારજનોને જીવતા સળગાવ્યા: માતા-પુત્રીનાં મૃત્યુ

ભાઈએ ભાઈના પરિવારજનોને જીવતા સળગાવ્યા: માતા-પુત્રીનાં મૃત્યુ
ભુજ, તા. 17: વડીલોપાર્જિત મિલકતના મકાન બાબતે આ શહેરમાં ભાઇઓ વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો ગત મોડી રાત્રે હિચકારો અને જીવલેણ અંજામ આવ્યો હતો. આ પ્રકરણમાં યુસુફશા હાજી ઇસ્માઇલ પીર નામના ઇસમે તેના સગા ભાઇના નિદ્રાધીન પરિવાર ઉપર પેટ્રોલ છાંટીને તેમને જીવતા સળગાવતાં આ કુટુંબનાં માતા-પુત્રી એવાં શેરબાનુ મામદ ઇબ્રાહીમ પીર (ઉ.વ. 65) અને ઝુલેખા મામદ ઇબ્રાહીમ પીર (ઉ.વ. 42)નાં મૃત્યુ થયાં હતાં, જ્યારે પરિવારના અન્ય બે સભ્ય સાબેરા મહમદ ઇબ્રાહીમ પીર (ઉ.વ. 40) અને મહમદ ઇબ્રાહીમ હાજી ઇસ્માઇલશા પીર (ઉ.વ. 67) તથા ખુદ કેસનો તહોમતદાર યુસુફશા હાજી ઇસ્માઇલશા પીર ગંભીર રીતે દાઝી ગયા હતા.
શહેરમાં કોટ અંદરના વિસ્તારમાં ન્યુ મિન્ટ રોડ ખાતે પેરિસ બેકરી નજીક બાજુબાજુમાં રહેતા બે સગા ભાઇઓનો મિલકતનો વિવાદ ગતરાત્રે એક વાગ્યે વરવા અને જીવલેણ સ્વરૂપમાં બહાર આવ્યો હતો. ગઇકાલે રમજાન ઇદનો તહેવાર ખુશી-ખુશી મનાવ્યા બાદ નિદ્રાધીન થયેલા શિક્ષણ અને શહેરની અભિયાન, સહજીવન, સેતુ અને હુન્નરશાળા સહિતની વિવિધ સંસ્થાઓ સાથે જાગૃત નાગરિક તરીકે સંકળાયેલા અને પીરભાઇ તરીકે જાણીતા મહમદ ઇબ્રાહીમ હાજી ઇસ્માઇલ પીરના પરિવાર ઉપર તેમનો જ ભાઇ જીવલેણ આફત બનીને ત્રાટક્યો હતો, જેને લઇને આ કરુણ ઘટના બની હતી.
પોલીસ સાધનોએ ફરિયાદને ટાંકી પ્રકરણની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ભોગ બનનારા નિદ્રાધીન હતા ત્યારે આરોપીએ તેમના ઉપર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી હતી. સૂતેલી હાલતમાં ભોગ બનનારા કાંઇ સમજે કે બચવાના પ્રયાસ કરે તે પહેલાં તેઓ અગનજ્વાળાઓ વચ્ચે લપેટાઇ ગયા હતા અને ગંભીર રીતે દાઝી ગયા હતા. તો આ બનાવને અંજામ આપનાર આરોપી પણ આગની લપેટમાં આવી જતાં દાઝી ગયો હતો.
મોડી રાત્રે પ્રકાશમાં આવેલા આ કિસ્સાના પગલે ભારે અફરાતફરી વચ્ચે ભાગદોડ મચી ગઇ હતી. ભોગ બનનારાને તાબડતોબ જનરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં શેરબાનુ મામદ તથા તેની પુત્રી ઝુલેખા મામદે દમ તોડયા હતા, જ્યારે સાબેરા મહમદ, મહમદ ઇબ્રાહીમ અને આરોપી યુસુફશા સહિતના ત્રણેયને સારવાર તળે રખાયા છે. આ પૈકી મામદ ઇબ્રાહીમની હાલત ગંભીર બતાવાઇ રહી છે.
પોલીસ સૂત્રોએ વધુ વિગતો આપતાં જણાવ્યું હતું કે, સમગ્ર પ્રકરણ પછવાડે વડીલોપાર્જિત મિલકત મકાનનો મુદ્દો નિમિત્ત બન્યો છે. બંને પીર ભાઇઓ વચ્ચે આ મકાન બાબતે છેલ્લાં નવ વર્ષથી વિવાદ ચાલ્યો આવે છે. ક્રમશ: વધતા ગયેલા આ વિવાદની પરાકાષ્ઠા રૂપે ગત મોડી રાત્રે આ કિસ્સો બન્યો હતો. આરોપી સામે હત્યા અને હત્યાના પ્રયાસ સહિતની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
દરમિયાન, ગત મોડી રાત્રે બનાવના પગલે હરકતમાં આવેલી એ. ડિવિઝન પોલીસ દ્વારા બનાવના સ્થળે અને હોસ્પિટલે ધસી જઇને જરૂરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરાઈ હતી. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer