ચાંદખેડામાં એક કરોડની જૂની ચલણી નોટો સાથે ચાર ઝડપાયા

ચાંદખેડામાં એક કરોડની જૂની ચલણી નોટો સાથે ચાર ઝડપાયા
(ફૂલછાબ ન્યૂઝ) અમદાવાદ, તા.17: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સામે આવી છે. ચાંદખેડામાં અંદાજે એક કરોડ રૂપિયાની જૂની ચલણી નોટો સાથે એક મહિલા સહિત 4 લોકોને ઝડપી પાડયા છે. આ તમામ આરોપીઓ જૂની ચલણી નોટોને સગેવગે કરવાની ફિરાકમાં હતા પરંતુ પોલીસને ઝપટે આવી જતા તેઓ આટલી મોટી રકમ ક્યાંથી લાવ્યા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, આજે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જૂની ચલણી નોટોને બદલવા માટે લોકો આવવાના છે, એવી અગાઉથી સ્પેશ્યલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી. જેને પગલે ક્રાઇમ બ્રાન્ચ અને ચાંદખેડા પોલીસે સંયુક્ત કામગીરી અપનાવી વોચ ગોઠવી હતી. દરમિયાન ચાંદખેડા હાઇવે મોલ પાસે એક કારમાં એક મહિલા અને ત્રણ પુરૂષોની શંકાસ્પદ હિલચાલને જોતા તુરત તેની અટકાયત કરી તપાસ હાથ ધરતા તેમની પાસેથી 99 લાખ 99 હજાર રૂપિયાની જૂની ચલણી નોટો તેમજ ત્રણ મોબાઇલ અને એક કાર મળી કુલ 1 કરોડ 2 લાખ 500 રૂપિયાનો મુદ્દામાલ  મળી આવ્યો હતો.  આ ચારેય વ્યક્તિઓની પૂછપરછ કરતા માલુમ થયું હતું કે, નોટો બદલવા માટે જ આ ચારેય ચાંદખેડા આવ્યા હતા. હાલમાં પોલીસે ચારેયની અટકાયત કરી આ મુદ્દે આઇટી વિભાગને જાણ કરી છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા મે મહિનામાં પણ જૂની ચલણી નોટ ઝડપાયાની ઘટના સામે આવી હતી. જેમાં દાહોદ થી 500-1000 રૂપિયાના દરની કુલ રૂા. 14 લાખ 80 હજારની જૂની ચલણી નોટ ઝડપાઇ હતી. ગોધરા આર.આર.સેલે દરોડા પાડીને ચલણીનોટ ઝડપી પાડી હતી. આ સિવાય સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલાના ટીટોડા ગામનો રહેવાસી રાજેશ કાવેઠીયાની ધરપકડ કરીને 500ના દરની 347 અને 1000ના દરની 805 નોટ મળીને કુલ રૂા.9.92 લાખની ચલણમાંથી દૂર કરેલી જૂની ચલણી નોટ ઝડપી પાડી હતી. રાજેશ કાવેઠીયા આ નોટ પુનાથી લાવ્યો હોવાનું પણ ખુલ્યુ ંહતું.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer