હળવદ યાર્ડના 69 વેપારીઓ સાથે 3.61 કરોડની છેતરપિંડી

હળવદ યાર્ડના 69 વેપારીઓ સાથે 3.61 કરોડની છેતરપિંડી
ચાર શખસો 3 માસ પહેલાં એરંડા, જીરૂ, ચણા, ધાણાની ખરીદી કરી ગુમ ! બે દિવસમાં આરોપી ન ઝડપાય તો આંદોલન

હળવદ, તા.17:  સૌરાષ્ટ્રના પ્રથમ હરોળમાં ગણાતા હળવદ માર્કેટીંગ યાર્ડમાં વેપારીઓ સાથે રૂ.3.61 કરોડની છેતરપિંડી થઈ હોવાની પોલીસ મથકે ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
હળવદ - ધ્રાંગધ્રા રોડ પર હળવદ માર્કેટીંગ યાર્ડના જુદી જુદી 69 પેઢીઓના વેપારીઓ સાથે અંદાજે 3 માસ અગાઉ એરંડા, જીરૂ, ચણા, ધાણા સહિતના ખેતી પાકો યાર્ડના એક વેપારી સહિત ચાર શખ્સોએ ખરીદી કરેલી જેની રકમ આજ સુધી માર્કેટીંગ યાર્ડના વેપારીઓને નહીં આપતા આખરે આજે પ્રજાપતિ ટ્રેડીંગ નામની પેઢીના માલિક મનસુખભાઈ ઓઘડભાઈ પ્રજાપતિએ હળવદ પોલીસ મથકે ફરિયાદ કરી આરોપી અશોકભાઈ ગાંડાલાલ બાપોદરીયા, નવીનચંદ્ર રાયચંદ્ર દક્ષીણિ, ધ્રુવકુમાર નવીનચંદ્ર દક્ષીણી અને રાજુભાઈ કાંતિભાઈ સહિત ચાર શખ્સો સામે 3,61, 1ર,પ98 રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
બનાવ અંગે હળવદ પોલીસે આઈપીસી 406, 4ર0, 114ની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. બનાવ અંગે વધુ તપાસ હળવદ પી.આઈ. એમ.આર.સોલંકી ચલાવી રહ્યા છે.
આ અંગે માર્કાટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ પટેલે જણાવ્યું હતું કે આરોપી દ્વારા જે વેપારીઓ સાથે છેતરપીંડી કરીછે તેવોની સામે પોલીસે કડક હાથે કાર્યવાહી કરવી જોઈએ. વેપારીઓએ આરોપીઓ બે દિવસમાં ન ઝડપાય તો ધરણાં સહિતના આંદોલનકારી પગલા હાથ ધરવાની ચિમકી આપી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer