સાતમા માળેથી પડવાથી બાળકીનું મૃત્યુ

સાતમા માળેથી પડવાથી બાળકીનું મૃત્યુ

અગનજ્વાળાએ યુવતીનો જીવ લીધો: ત્રણ માસ પહેલા પરણેલા યુવાનનું શ્વાસ ચડતા મૃત્યુ
રાજકોટ, તા. 12: મવડીના બાપાસીતારામ ચોક પાસે નવા બની રહેલા પંદર માળના બિલ્ડિંગના સાતમા માળેથી નીચે પટકાવવાના કારણે ત્રણ વર્ષની માસુમ બાળકી પ્રિયા કાંતુભાઇ ભુરિયાનું મૃત્યુ નીપજ્યું હતું.
બાપાસીતારામ ચોકમાં નવા બની રહેલા પંદર માળના રિયલ પ્રાઇમ બિલ્ડિંગમાં મધ્યપ્રદેશના જાંબુવાના કાંતુભાઇ ભુરિયા, તેની પત્ની અને ચાર સંતાન પ્રવીણા, પ્રિયા, પ્રિયંક અને આર્યન સાથે રહે છે. ત્યાં જ મજૂરી કામ કરે છે. સવારે કાંતુભાઇ અને તેનાં પત્ની કામ કરી રહ્યા હતા ત્યારે તેની ત્રણ વર્ષની માસુમ પુત્રી પ્રિયા રમતી રમતી સાતમા માળે પહોંચી ગઇ હતી. ત્યાં દાદરાની જગ્યામાંથી નીચે પડી ગઇ હતી. પુત્રીને લોહીલોહાણ હાલતમાં જોઇને માતા-પિતાએ પોક મૂકી હતી. બાદમાં રિક્ષા મારફતે પુત્રીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવા પ્રબંધ કર્યો હતો. રસ્તામાં 108 એમ્બ્યુલન્સ મળી હતી. તેના ઇએમટીએ બાળકીને જોઇને મૃત જાહેર કરી હતી. આ રીતે સાતમા માળેથી પટકાવવાથી માસુમ બાળકીનું મૃત્યુ
નીપજ્યું હતું.
યુવતીનું મૃત્યુ: રૈયાધાર મફતિયાપરામાં રહેતી 25 વર્ષની લતા ભરતભાઇ મકવાણા નામની પરિણીત યુવતી રસોઇ બનાવતી વખતે સાડીનો છેડો અડી જતાં ગંભીર રીતે દાઝી ગઇ હતી. તેનું છ દિવસની સારવારના અંતે ગઇરાતના મૃત્યુ નીપજ્યું હતું. પોલીસની તપાસમાં લીંબડીના અંકેવાડિયા ગામે માવતર ધરાવતી આ યુવતીના ચાર વર્ષ પહેલા લગ્ન થયાનું અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું ખૂલ્યું હતું. તે બે વર્ષ રીસામણે બેઠી હતી. ત્રણ માસ પહેલા જ તે રૈયાધાર પર રહેવા આવી હતી. તેને સાસરિયા મેણાટોણા મારી, મારકૂટ કરીને ત્રાસ આપતા હોવાનો આક્ષેપ તેના ભાઇ જયંતી ઓઘડભાઇ વાણિયાએ કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
યુવાનનું મૃત્યુ: ઉદયનગર શેરી નં.2/7માં રહેતા મૂળ બાંટવાના મીતી ગામના વતની અને ત્રણ માસ પહેલા જ પરણેલા ભરત ભીખુભાઇ ટાંક નામના યુવાનનું શ્વાસ ચડવાથી મૃત્યુ નીપજ્યું હતું. ફર્નિચરનું કામ કરીને ગુજરાન ચલાવતાં આ યુવાનના ત્રણ માસ પહેલા જ રાજકોટની તનુશ્રી નામની યુવતી સાથે લગ્ન થયા હતા. યુવાનને છેલ્લા ચાર દિવસથી શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. તેની દવા ચાલુ હતી. ગઇરાતના તકલીફ વધી જતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. ત્રણ માસમાં જ નવોઢા તનુશ્રીનો ચૂડી ચાંદલો ભુસાઇ ગયાં હતાં.
મહિલાનો આપઘાત: પડધરીના ઉકરડા ગામે રહેતી મૂળ છોટાઉદેપુરની વતની શારદા કાંતિભાઇ ભીલ નામની મહિલાએ ઝેરી દવા પી લઇને આપઘાત કરી લીધો હતો. આ મહિલાના મૃત્યુથી તેના બે પુત્ર અને બે પુત્રી મળી ચાર સંતાને માતાની છત્રછાયા ગુમાવી હતી. આ મહિલાએ શા કારણે આ પગલું ભર્યું તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer