પાકિસ્તાનનો ડોળો ગુજરાત પર છે : વોટ્સ ઍપ ગ્રુપથી ગુજરાતીઓને ભરમાવે છે

પાકિસ્તાનનો ડોળો ગુજરાત પર છે : વોટ્સ ઍપ ગ્રુપથી ગુજરાતીઓને ભરમાવે છે

મુંબઈ, તા.12: ગુજરાત પર હવે પાકિસ્તાનનો ડોળો છે. કચ્છની સરહદેથી ઘૂસણખોરી બંધ થતાં હવે સાયબર એટેકથી ગુજરાતના સીમાડાનાં ગામોમાં સંપર્કમાં આવી રહ્યા છે. ગુજરાતમાં અચાનક સક્રિય થયેલા એક વોટ્સ ઍપ ગ્રુપે ગુજરાત પોલીસની ઊંઘ ઉડાડી દીધી છે. હાથ લાગેલી આ ચોંકાવનારી ગ્રુપની માહિતી એ છે કે આ ગ્રુપના સભ્યો પાકિસ્તાની છે. 40 ટકા લોકો ગુજરાતના છે. આ ગ્રુપના એડમિનનો નંબર 923044138564 છે. આસિફ નામના કરાચી સ્થિત વ્યક્તિએ બનાવેલું આ ગ્રુપ કોઇક રીતે સ્લીપર સેલ તૈયાર કરી રહ્યું હોવાની આશંકા છે. ઘણા સમયથી આ ગ્રુપ સક્રિય છે. હમ હૈ પાકિસ્તાની નામના ગ્રુપમાં જોડાયેલા ગુજરાતના મોટા ભાગના લોકો બનાસકાંઠા અને કચ્છના સરહદી વિસ્તારના છે અને કેટલાક પોરબંદર સાઇડના છે.
પાકિસ્તાની સીમ કાર્ડ દ્વારા ગુજરાતમાં પાકિસ્તાની ગ્રુપ સક્રિય થતાં ગુજરાત પોલીસ ચોંકી ઊઠી છે. ગુજરાત પોલીસને શંકા છે કે આ ગ્રુપ કોઇક રીતે સ્લીપર સેલ તૈયાર કરી રહ્યું હોય અને એમાં વધુને વધુ લોકો જોડી રહ્યું હોય. અત્રે ઉલ્લેખનીય છે કે, છેક ગયા સપ્તાહે કચ્છથી એક પાકિસ્તાની પકડાયો હતો અને એ પાકિસ્તાનીની ગતિવિધિની પણ તપાસ થઇ રહી છે. ગુજરાતમાં પાકિસ્તાની ગ્રુપની એક્ટિવિટી જોતાં ગુપ્તચર વિભાગે ગુજરાતની દરિયાઇ સીમામાં ઍલર્ટ વધારી દીધું છે. જેથી આ વિસ્તારમાં શંકાશીલ પ્રવૃત્તિ પર ધ્યાન રાખી શકાય અને સરહદી વિસ્તારનાં ગામડાઓમાં અજાણી વ્યક્તિઓ આવી છે કે કેમ તેની તપાસ પણ શરૂ કરી છે. ગુજરાતમાં શરૂ થયેલા આ હમ હૈ પાકિસ્તાની ગ્રુપના ફોન નંબરોની તપાસ કરી રહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી મલ્હોત્રાએ કહ્યું કે, પાકિસ્તાની નંબર સાથે ચાલતું આ વોટ્સ ઍપ ગ્રુપ ખરેખર ખતરનાક બાબત છે, અમે એની તપાસ કરી રહ્યા છીએ, તપાસ પર અસર ના પડે એટલે વધુ વિગતો આપવાનો ઇનકાર કરતાં તેમણે જણાવ્યું કે, આ વોટ્સ ગ્રુપની ગતિવિધિથી ઘણા નજીક પહોંચી ગયા છીએ અને આવનારા દિવસોમાં આ કાવતરાનો પર્દાફાશ થશે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer