આરોગ્ય સેવા સુદૃઢ કરવા મનપા 151 કર્મીની ભરતી કરશે

આરોગ્ય સેવા સુદૃઢ કરવા મનપા 151 કર્મીની ભરતી કરશે

વર્તમાન ચેરમેનના અધ્યક્ષસ્થાને આજે છેલ્લી સ્ટેન્ડિંગ બેઠક
11 મેડીકલ ઓફિસર, 2 ગાયનેકોલોજીસ્ટ, 2 પીડિયાટ્રીશિયન, 12 ફાર્માસિસ્ટ, 14 લેબ ટેક્નીશિયન, 81 ફિમેલ હેલ્થ વર્કર સહિતની જગ્યા ભરાશે
રાજકોટ, તા.12 : વર્તમાન ચેરમેન પુષ્કર પટેલના અધ્યક્ષસ્થાને મહાપાલિકા આવતીકાલે યોજાનારી સ્ટેન્ડિંગ કમિટીની અંતિમ બેઠકમાં શહેરના વિકાસકામોને લગતી 37 દરખાસ્તો અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે જેમાં આરોગ્ય વિભાગમાં 151 નવી ભરતીને લગતી દરખાસ્તનો પણ સમાવેશ થાય છે.  રાજકોટ એક તરફ મેગા સિટી બનવા જઈ રહ્યું છે. શહેરમાં આરોગ્ય ક્ષેત્રે અદ્યતન સુવિધાઓ ઉભી થઈ રહી છે ત્યારે કોર્પોરેશનની આરોગ્ય સેવાને સુદ્ધઢ બનાવવા માટે સરકાર દ્વારા નિયત કરવામાં આવેલા યુ-પીએચસી અને યુ-સીએચસીનું મહેકમ મંજૂર કરવા અંગે મ્યુનિ.કમિશનર દ્વારા શાસકોને દરખાસ્ત મોકલવામાં આવી છે જેમાં 11 મેડીકલ ઓફિસર, 2 ગાયનોકોલોજીસ્ટ, 2 પીડિયાટ્રીશિયન, 12 ફાર્માસિસ્ટ, 14 લેબ ટેક્નીશ્યન, 81 ફિમેલ હેલ્થ વર્કર સહિતની જુદી-જુદી 10 કેડર માટે 151 જગ્યા ભરવાની થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત માળખું સરકારે નક્કી કર્યુ છે. ગ્રાન્ટ પણ સરકાર ચૂકવશે કોર્પોરેશને માત્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.
આવતીકાલની સ્ટેન્ડિંગ બેઠકમાં સમાવિષ્ટ અન્ય મહત્વપૂર્ણ દરખાસ્તોમાં ડે.સેક્રેટરી, આસિસ્ટન્ટ સેક્રેટરી, ટેક્નીકલ પી.એ, પી.એ.ટુ કમિશનર, સિનિયર ક્લાર્ક, કોમ્પ્યુટર ઓપરેટર, પટ્ટાવાળા, ડ્રાઈવર સહિત કુલ 10 કેટેગરીના કર્મચારીઓને ચૂકવવામાં આવતા સ્પેશ્યલ પે દરમાં રૂા.3000થી લઈને રૂા.4500 સુધીનો સુધારો કરવા, માધવરાવ સિંધિય ક્રિકેટ સ્ટેડિયમમાં આવેલી સિમેન્ટ વિકેટો રેસકોર્સ ક્રિકેટ એકેડેમની વિશેષ 3 વર્ષ માટે ફાળવવા, દૂધસાગર માર્ગ પર હાઈલેવલ બ્રિજ બનાવવા તેમજ વોર્ડ નં.4 ભગવતીપરા મેઈન રોડ ડેવલપ કરવાના કામે ટીપીઆઈની નિમણૂક કરવા, શહેરમાં નવા ટ્રાફિક સિગ્નલ ઉભા કરવા, હયાતને મેઈન્ટેનન્સના કામે ત્રિ-વાર્ષિક રેઈટ કોન્ટ્રાક્ટની મુદ્દતમાં વધારો કરવા, ગોકુલનગરના બાકી રહેલા લાભાર્થીઓને આવાસ આપવા સહિતની દરખાસ્તોનો સમાવેશ થાય છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer