પાકિસ્તાનની જેલમાં 24 વર્ષથી બંધ અમદાવાદના નાગરિકની બહેનને નોકરી આપવા હાઇકોર્ટનો આદેશ

અમદાવાદ, તા.12: અમદાવાદના ચાંદખેડા વિસ્તારના રહેવાસી અને હાલ પાકિસ્તાનની જેલમાં બંધ કુલદીપ નાનકચંદ યાદવને લઇ ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે, કુલદીપની બહેન રેખા યાદવને વળતર પેટે કેન્દ્ર સરકારે નોકરી આપવી જોઇએ. હાઇકોર્ટના આ પ્રકારના ચુકાદાને કારણે રેખાને નોકરી મળશે પણ તેનો ભાઇ કુલદીપ ઘરે પાછો ક્યારે ફરશે તેના કોઇ સમાચાર નથી.
કુલદીપની બહેન રેખા યાદવે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન કરી દાદ માંગી હતી. કુલદીપની બહેન રેખાએ રજૂઆત કરી હતી કે, તેનો ભાઇ કુલદીપ છેલ્લા 24 વર્ષથી પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યો છે. આ અંગે ભારત સરકારને અનેક રજૂઆત કરવા છતાં ભારત સરકારે કોઇ નક્કર કાર્યવાહી કરી નથી. આ સંજોગોમાં હાઇકોર્ટે કુદપીને ભારત પરત લાવવા માટે આદેશ આપવો જોઇએ અને પરિવારને વળતર ચુકવવું જોઇએ. આ અંગે હાઇકોર્ટે તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ રેખાને નોકરી આપવા માટે આદેશ કર્યો હતો. જેમાં રેખા યાદવને આંશીક રાહત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, કુલદીપ યાદવ જૂન-1994થી જાસૂસીના આરોપસર પાકિસ્તાનના કબજામાં છે. કુદલીપને જાસૂસી કરવાના આરોપસર 25 વર્ષની જેલની સજા કરવામાં આવી છે. 2007માં કુલદીપના માતા માયાદેવીએ એક અંગ્રેજી વેબસાઇટને જણાવ્યા મુજબ તે 1989માં નવી દિલ્હીમાં નોકરી માટે જવાનું કહીને ઘર છોડીને ચાલ્યો ગયો હતો પરંતુ તેણે ક્યાં નોકરી મળી છે તે અંગે કંઇ કહ્યું નહોતુ. કુલદીપે ગુજરાત યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. તેણે પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા એક માછીમાર સાથે પત્ર મોકલ્યો ત્યારે ખબર પડી કે કુલદીપ પાકિસ્તાનની જેલમાં બંધ છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer