SSCની પરીક્ષા હળવી કરવા બોર્ડમાં પ્રસ્તાવ

જેતપુર, તા. 12: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ - ગાંધીનગરની 13 જુનના રોજ, આવતીકાલે સામાન્ય સભા મળશે. સામાન્ય સભાને લઇને બોર્ડના જાગૃત સભ્યોએ બોર્ડ સમક્ષ પ્રશ્નો રજૂ કર્યા છે, જેનો જવાબ બોર્ડ દ્વારા સામાન્ય સભામાં આપવામાં આવશે. ધોરણ-10ની પરીક્ષા હળવી કરવા સહિત મહત્ત્વના પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા છે, પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. ઉપરાંત નવી સ્કૂલોની મંજૂરીની વિગતો પણ સામાન્ય સભામાં માંગવામાં આવી છે.
બોર્ડની સામાન્ય સભામાં બોર્ડના સભ્યો ડો. પ્રિયવદન કોરાટ, ડો. નિદત બારોટ, કે.એ. બુટાણી, નરેન્દ્ર વાઢેર, ધારાસભ્યો અને બોર્ડ સભ્યો કુંવરજીભાઇ બાવળિયા અને લલિત વસોયાએ બોર્ડ સમક્ષ પોતાના પ્રસ્તાવો અને પ્રશ્નો રજૂ કર્યા છે.
ડો. પ્રિયવદન કોરાટે નવી શાળાની મંજૂરીમાં ગોળખોળની નીતિ અને લાલિયાવાડી ચાલે છે. તેને લાગુ પ્રશ્નો કર્યા છે. જ્યારે ધારાસભ્ય અને બોર્ડ સભ્યો કુંવરજીભાઇ બાવળિયા અને લલિત વસોયાએ તથા બોર્ડ સભ્ય નરેન્દ્ર વાઢેરે બોર્ડની શાળા મંજૂરી/નામંજૂરીમાં કઇ પદ્ધતિ અમલમાં છે તેમજ શાળા મંજૂરી/નામંજૂરીના નિર્ણયમાં બેવડી નીતિ શા માટે અપનાવવામાં આવે છે, તેની માહિતી માંગી છે.
બોર્ડ સભ્ય કુંવરજીભાઇ બાવળિયાએ અને ડો. પ્રિયવદન કોરાટે વિદ્યાર્થીલક્ષી મહત્ત્વનાં પ્રસ્તાવો મુક્યા છે, જેમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં અન્ય રાજ્યના શિક્ષણ બોર્ડે અને દેશની તમામ યુનિવર્સિટીની જેમ ઉત્તરવહીનું પુન:મૂલ્યાંકન વિદ્યાર્થી ઇચ્છે તે બે વિષયમાં કરવાનો પ્રસ્તાવ કુંવરજીભાઇ બાવળિયાએ મુક્યો છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં સાચા જવાબનાં ગુણ ઉત્તરવહીમાં આપેલા ના હોય તો સુધારો ગુજરાત બોર્ડમાં થતો નથી, જેથી આ પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે તથા ધોરણ-10ની પરીક્ષા હળવી અને સરળ કરવા ડો. પ્રિયવદન કોરાટે પ્રસ્તાવ મુક્યો છે. હાલ ધોરણ-10માં પાસ થવા વિદ્યાર્થીને એક વિષયમાં બોર્ડના 70માંથી 23 ગુણ અને શાળાના આંતરિક 30માંથી 10 ગુણ મળી 33 ગુણ મેળવવા ફરજિયાત છે, તેની સામે વિદ્યાર્થી તનાવમુક્ત રહે અને પરીક્ષા સરળ થાય તે માટે બોર્ડના બાહ્ય 70 અને શાળાના આંતરિક 30માંથી બંનેના થઇ 33 ગુણ થાય, તેને ધોરણ-10માં પાસ જાહેર કરવા પ્રસ્તાવમાં માગણી કરી છે પરંતુ આજે તારીખ 12ના બપોરથી બોર્ડની કારોબારી સમિતિની બેઠક મળી હતી. આ પ્રસ્તાવો સામાન્ય સભામાં લઇ જવા કે રોકી રાખવા તેનો નિર્ણય બપોરના 3 વાગ્યા સુધીમાં થયો નથી. કોરાટે આક્ષેપ કર્યો હતો કે, કારોબારીમાં બેઠેલા અમુક સભ્યોને વિદ્યાર્થીહિતનાં કામો કરવાને બદલે શાળાની મંજૂરીમાં મલાઇ મળે તેનો જ રસ છે, વિદ્યાર્થીનાં હિતના કોઇ નિર્ણયો ક્યારેય લેતા નથી, તારીખ 13ના સામાન્ય સભામાં ડો. પ્રિયવદન કોરાટ બોર્ડની અંદર કારોબારીના અમુક સભ્યો દ્વારા ચાલતી ગેરરીતિની વિગતો જાહેર કરશે, તેમ જાણવા મળે છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer