રાજકોટ તાલુકા પંચાયતમાં હડકંપ: હરદેવસિંહ સહિત એક ડઝન સદસ્યો ભાજપમાં જોડાઈ ગયા

તાલુકા પંચાયત સમરસ બની હોય તેવો રાજ્યનો પહેલો કિસ્સો
રાજકોટ, તા. 12 : રાજકોટ તાલુકા પંચાયતના કેંગ્રેસના 10 સભ્યો અને બે અપક્ષો મળીને 12 સદસ્યો આજે ભાજપમાં જોડાઈ જતાં રાજકોટ તાલુકા પંચાયતમાં હડકંપ મચી ગયો છે. માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેન અને સહકારી આગેવાન હરદેવસિંહ જાડેજાની આગેવાનીમાં તમામે કેસરીયો ખેસ પહેરી લેતાં તાલુકા પંચાયત કેંગ્રેસના હાથમાંથી સરકી ગઈ છે અને તમામ સદસ્યો ભાજપના થઈ જતાં રાજકોટ તાલુકા પંચાયત સમરસ બની ગઈ છે.
આ અંગે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયાએ વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે હરદેવસિંહ જાડેજાની આગેવાનીમાં કેંગ્રેસના દસ અને અન્ય બે મળીને એક ડઝન સદસ્યો ભાજપમાં જોડાઈ ગયા છે અને તેના કારણે રાજકોટ તાલુકા પંચાયત સંપૂર્ણ ભાજપના કબજાવાળી બની છે. રાજકોટ તાલુકા પંચાયતમાં ભાજપના 12 સભ્યો હતા. કેંગ્રેસના 10 સભ્યો હતા અને અપક્ષના બે સભ્યો હતા. આજે 12 સદસ્યો ભાજપમાં જોડાઈ જતાં તાલુકા પંચાયતના તમામ 24 સદસ્યો ભાજપના થઈ ગયા છે અને એ રીતે તાલુકા પંચાયત સમરસ બની ગઈ છે. તાલુકા પંચાયત સમરસ બની હોય એવો ગુજરાતનો આ પહેલો કિસ્સો છે. રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા અને ભાનુભાઈ મહેતાની ઉપસ્થિતિમાં હરદેવસિંહ જાડેજા અને અન્ય સભ્યોએ કેસરીયો ખેસ પહેરી લેતાં તાલુકા પંચાયતમાં હડકંપ મચી ગયો છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer