પોરબંદરમાં વેપારી બજારો બંધ: મુખ્ય બજાર ખુલ્લી

પોરબંદર, તા.12: પોરબંદર નગરપાલિકાના પૂર્વપ્રમુખના ઘરે સુધરાઇસભ્યે કરેલી તોડફોડના વિરોધમાં પોરબંદર શહેર બંધનું એલાન હતું જો કે વેપારી બજારો, સોની બજાર વગેરે બંધ રહ્યા હતા પરંતુ મુખ્ય બજારો ખુલ્લી રહી હતી.
નગરપાલિકાના પૂર્વપ્રમુખ પંકજ મજીઠીયાના ઘરે જઇને સુધરાઇસભ્ય ભલા મૈયારીયા અને બે શખ્સોએ પાલિકા પ્રમુખપદની ચુંટણીના મનદુ:ખમાં વાહનો અને ઓફીસમાં તોડફોડ કરી બે લાખ રૂપિયાનું નુકશાન કર્યાના ભારે રોષ ફાટી નિકળ્યો હોવાથી ગઇકાલે લોહાણા મહાજનવાડી ખાતે સર્વજ્ઞાતિય બેઠકમાં શહેરમાં વધતી જતી ગુંડાગીરી અને મહાજનો ઉપરના વધતા જતાં હુમલાના બનાવ સામે શહેરને મંગળવારે અડધો દિવસ બંધ રાખવાનું જાહેર કરવામાં આવ્યું હતું. 
 શહેરના સુતારવાડા, સોનીબજાર સહિત કેદારેશ્વર રોડ, બંગડી બજાર વગેરે વિસ્તારો બંધ રહ્યા હતા. એટલું જ નહીં પરંતુ ખારવાવાડ વિસ્તારમાં પણ ખારવા સમાજે મઢીની બહાર બોર્ડ મારીને બંધના એલાનને ટેકો આપ્યો હતો તેમજ પોરબંદરના બંદર વિસ્તાર અને સામાકાંઠાના વિસ્તારને બંધ રાખવા વાણોટ સુનિલભાઈ ગોહેલ અને પંચ, પટેલ, ટ્રસ્ટીઓએ અપીલ કરી હતી.
એક નિવેદનમાં લોહાણા મહાજનના પ્રમુખ સંજયભાઇ કારીયા અને લોહાણા મહાજનના મંત્રી રાજેશભાઇ લાખાણી સહિત આગેવાનોએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પોરબંદરમાં પાલિકાના પૂર્વપ્રમુખ પંકજ મજીઠીયાના ઘરે જે હુમલો થયો છે તે બનાવ રાજકીય રીતે વ્યક્તિગત છે તેના કારણે કોઇ સમાજ સાથે વાંધો હોય તેવું માની લેવામાં આવે તે તદન ગેરવ્યાજબી છે. કેટલાક યુવાનો દ્વારા ઓડીયો ક્લીપો ફરતી કરવામાં આવી છે ત્યારે ફકત ને ફકત જે બનાવ બન્યો છે તેમાં સંડોવાયેલાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે એ જ માગણી છે.
 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer