એર ઈન્ડિયામાંથી 100 ટકા હિસ્સો વેંચવા સરકારની તૈયારી !

એર ઈન્ડિયામાંથી 100 ટકા હિસ્સો વેંચવા સરકારની તૈયારી !
વિનિવેશનાં પ્રથમ પ્રયાસમાં કોઈ લેવાલ ન મળતાં હવે 24 ટકા હિસ્સો જાળવવાનો આગ્રહ સરકાર મૂકે તેવી સંભાવના
નવીદિલ્હી, તા.12: એર ઈન્ડિયામાંથી વિનિવેશ માટે ગત માસે કરવામાં આવેલા પ્રયાસનો ધબડકો થયા બાદ હવે સરકાર હવે આ સાર્વજનિક સાહસમાંથી પોતાનો 100 ટકા હિસ્સો વેંચવાની તૈયારી કરી રહી છે. એર ઈન્ડિયાનાં પૂર્ણ વેચાણ માટેની પ્રક્રિયા પણ ટૂંક સમયમાં જ હાથ ધરવામાં આવશે.
આર્થિક બાબત વિભાગનાં સચિવ સુભાષ ચંદ્ર ગર્ગનાં જણાવ્યા અનુસાર મોદી સરકાર ખાનગીકરણની પ્રક્રિયાની પુન:સમીક્ષા કરવા તૈયાર છે. જેમાં સરકાર હવે 24 ટકા હિસ્સો પોતાનાં હસ્તક રાખવાનો આગ્રહ છોડવા સહિતનાં વિકલ્પો વિચારી રહી છે. ચોક્કસ પ્રકારની જોગવાઈઓને પગલે એર ઈન્ડિયા તરફ રોકાણકારો આકર્ષાયા નહોતા એટલે હવે કંઈક અલગ કરવું પડશે.
ઉલ્લેખનીય છે કે પ0 હજાર કરોડ રૂપિયાથી વધુનાં દેણાંનો બોજ વેંઢારી રહેલી આ એરલાઈનનાં ખાનગીકરણ માટે બોલીની મુદ્દત 31મી મેનાં રોજ સમાપ્ત થઈ હતી અને તેમાં કોઈ લેવાલ મળ્યું ન હતું. આ પૂર્વે ઈન્ડિગોએ એર ઈન્ડિયા ખરીદવામાં રસ દાખવ્યો હતો પણ તેનાં તરફથી પણ બોલી આવી નહી. હવે સરકારને લાગે છે કે 24 ટકા હિસ્સો પોતાનાં હસ્તક રાખવાનાં આગ્રહને પગલે કદાચ રોકાણકારો અટકી ગયા હોઈ શકે છે ત્યારે હવે સરકાર એર ઈન્ડિયાનું પૂર્ણ વેચાણ કરે તેવી સંભાવના જોવામાં આવી રહી છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer