વિવાદગ્રસ્ત ગોડમેન ભૈય્યુજી મહારાજનો આપઘાત

વિવાદગ્રસ્ત ગોડમેન ભૈય્યુજી મહારાજનો આપઘાત
ઈન્દોરના નિવાસે માથામાં ગોળીઓ ધરબી     ટોચના નેતાઓ, લતા તેમના શિષ્યગણમાં સામેલ હતા
ઈન્દોર, તા.12: વિવાદગ્રસ્ત ગોડમેન અને અધ્યાત્મ અગ્રણી ભૈય્યુજી મહારાજે આજે અહીં વૈભવી વિસ્તારમાં આવેલા તેમના નિવાસે માથામાં ગોળીઓ દાગી આપઘાત કરી લઈ જીવન ટૂંકાવ્યુ હતું. માથામાં ગોળી ધરબી દીધા બાદ તેમને ભારે નાજુક હાલતમાં અહીંની બોમ્બે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે પોલીસે, તેમના નિવાસના વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. તેમના ટેકેદારો મોટી સંખ્યામાં હોસ્પિટલ સામે એકઠા થયા હતા.
ભૈય્યુજીનું અસલ નામ હતું ઉદયસિંહ દેશમુખ. સિયારામ શૂટીંગ સહિતની બ્રાન્ડ માટે મોડેલીંગ કરી ચૂકેલા ભૈય્યુજી પછીથી અધ્યાત્મજગત તરફ વળ્યા હતા. અનેક રાજકારણીઓ અને શોબિઝનેસના લોકોના સલાહકાર રહેલા ભૈય્યુજી મહારાજે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તરફથી મંત્રીપદની થયેલી ઓફર નકારી હતી.
મહાશિવરાત્રિ વિશે છેલ્લું ટવીટ કર્યાના આશરે 1 કલાક બાદ આજે બપોરે 2ાાના સુમારે માથામાં ગોળીઓ ધરબી હતી. ટવીટમાં લખ્યુ હતું કે “માસિક શિવરાત્રિ કો મહાશિવરાત્રિ કહતે હૈ. દોનો પંચાંગોમેં યહ ચંદ્ર માસ કી નામકરણ પ્રથા હૈ. જો ઈસે ઈસે અલગ-અલગ કરતી હૈ. મેં સભી ભકતગણો કો ઈસ પાવન દિવસકી બધાઈ એવં શુભકામનાએં દેતા હું.’’
થોડા વર્ષ પહેલાં પ્રથમ પત્ની માધવીના મૃત્યુ બાદ ગયા વર્ષે તેમણે બીજું લગ્ન કર્યુ હતુ. પ્રથમ લગ્નથી તેમને એક પુત્રી હતી. માધવીના મૃત્યુ બાદ આશ્રમની કોઈક મહિલા સાથેના કથિત સંબંધોનો તેમની સામે આક્ષેપ થયો હતો.  ’16માં જાહેરજીવનમાંથી નિવૃત્તિ લેવાની તેમની જાહેરાતથી અનેકને અચરજ થયું હતું. મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં ભારે લોકપ્રિય રહેલા ભૈય્યુજી મહારાજનો અહીં આશ્રમ છે તેમ જ સીએમ દેવેન્દ્ર ફડનવીસ જેવા ટોચના રાજકીય નેતાઓ, લતા મંગેશકર તેમના શિષ્યગણમાં સમાવેશ થતો હતો. તેમના પિતા કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા.
ઈન્ડિયા અગેઈન્સ્ટ કરપ્શનના નેજા હેઠળ અણ્ણા હઝારે અનશન પર ઉતર્યા હતા ત્યારે તેમને મનાવવા યુપીએ સરકારના કહેવાથી મધ્યસ્થી બનેલા ભૈય્યુજી તલવારબાજી, ઘોડેસવારી કરતા ભૈય્યુજી ખેતીકામ પણ કરતા. તેમ જ તેઓ ફેસરીડર પણ હતા.
 
બળાત્કારનાં આરોપી દાતી મહારાજની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચ કરશે
નવીદિલ્હી, તા.12: દિલ્હીનાં શનિધામનાં સ્થાપક દાતી મહારાજ ઉપર એક 2પ વર્ષીય યુવતીએ બળાત્કારનો ખળભળાટ મચાવતો આરોપ મુક્યા બાદ હવે દિલ્હીની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. દિલ્હી પોલીસનાં જણાવ્યા અનુસાર રવિવારે દક્ષિણ દિલ્હીનાં ફતેહપુર બેરી પોલીસ સ્ટેશનમાં દાતી મહારાજ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યાર બાદ આજે આ કેસ જિલ્લા પોલીસ પાસેથી ક્રાઈમ બ્રાન્ચને તબદિલ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પીડિતા યુવતી ઘણા લાંબા સમયથી દાતી મહારાજની શિષ્યા હતાં અને દાતી મહારાજ ઉપરાંત તેનાં અન્ય ચેલાઓએ પણ તેની ઉપર બળાત્કાર ગુજાર્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer